મ્યુનિ.એ આખા શહેરને લાઇટોથી શણગારી શોપિંગ ફેસ્ટિવલની બનાવટી ચકાચૌંધ ઊભી કરી હતી અને હવે આખા શહેરભરમાં થયેલાં રૂ.69 હજાર કરોડના વેચાણને ગણાવી તેને આંતરરાષ્ટ્રીય કક્ષાનો બતાવી દીધો છે. અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં ખરીદીના આંકડા રાજ્ય સરકારે જાહેર કર્યા છે, જેમાં વેચાણની આટલું અધધ વેચાણ થયું હોવાનો દાવો કરાયો છે, પણ જ્યારે રિયાલિટી ચેક માટે ‘દિવ્ય ભાસ્કર’એ વેચાણના આંકડા અંગે અધિકારીઓને પૂછ્યું તો જાણવા મળ્યું કે, અમદાવાદમાં 12 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધીમાં જે પણ વેચાણ થયું છે તેને અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલમાં થયેલા વેચાણમાં ગણી લેવામાં આવ્યું છે. એટલે કે અમદાવાદની હદમાં આવતી કોઈ દુકાનેથી કોઈ પણ ખરીદી થઈ હોય તેને શોપિંગ ફેસ્ટિવલમાં થયેલા વેચાણમાં ગણી લેવાયું છે. તંત્ર કહે છે કે, આ આંકડા જીએસટીની આવકને આધારે લેવાયા છે અને ગયા વર્ષના આ સમયગાળાની આવકની સરખામણી કરીને આંકડા દર્શાવાયા છે. શોપિંગ ફેસ્ટિવલ શરૂ થયાના 10 દિવસમાં જ ઘણા ફૂડ કોર્ટને તાળાં લાગ્યાં હતાં, પણ મ્યુનિ.એ શોપિંગ ફેસ્ટિવલને જબરદસ્ત સફળતા દર્શાવી વેચાણ 20.5 ટકા વધ્યું હોવાનું કહી પોતાની પીઠ થાબડી છે. સિંધુ ભવન રોડ પર શોપિંગ કરતા લાઇટિંગ જોનારા વધુ સિંધુભવન રોડ પરના દુકાનદારો-સ્ટોલધારકોએ કહ્યું કે, શનિ-રવિમાં જ ગ્રાહકોની થોડી-ઘણી ભીડ જોવા મળે છે. ચાલુ દિવસોમાં ઓછી ભીડ હોય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ખરીદીમાં કોઈ બમ્પર ઉછાળો થયો નથી. દિવાળીમાં થોડી ખરીદી હતી. અહીંયાં તો માત્ર લાઇટો જોવા અને ફરવા આવનારા લોકોની સંખ્યા વધુ જોવા મળે છે અને તેના પ્રમાણમાં ખરીદી કરનારા ઓછા છે. GSTના આંકડા પ્રમાણે આવક ગણાઈ ઓક્ટોબર-નવેમ્બરમાં જીએસટીની આવક થઇ તે અને ગયા વર્ષે આ જ મહિના દરમિયાન જીએસટીની થયેલી આવકની સરખામણી કરતાં શોપિંગ ફેસ્ટિવલને કારણે ચાલુ વર્ષે વેચાણમાં વધારો થયો હોવાના આંકડા સ્પષ્ટ જણાયા છે. > મિરાંત પરીખ, ડીવાયએમસી , મ્યુનિ. નિકોલમાં 10 ફૂડ સ્ટોલમાંથી ત્રણ જ ચાલુ નિકોલમાં શોપિંગ ફેસ્ટિવલના ઘણા સ્ટોલ ખાલી છે. મ્યુનિ.ના 10 ફૂડ સ્ટોલમાંથી માત્ર ત્રણ જ ચાલુ છે. આ સ્ટોલ આઇસ્ક્રીમ, જ્યુસ અને બેકરી પ્રોડેક્ટના છે. આ સાથે અહીં બાળકો માટે મેળાનાં આયોજનમાં પણ ઘણા બંધ જોવા મળ્યાં હતાં. શોપિંગ ડોમમાં 20 સ્ટોલ જ ચાલુ હતા અને તે કોઈ સ્થાનિક સ્ટોર ન હતા. આ 20 સ્ટોલ ટેન્ડર દ્વારા એક જ વ્યક્તિએ એક્ઝિબિશન ખોલી ઊભા કરી વિવિધ કપડાં સહિતના વેચાણ માટે લીધેલાં છે.