અમેરિકા માનવજાતની સફળતાનું ઉત્તુંગ શિખર છે.પૃથ્વી પરની આધુનિક જ નહીં પણ અદ્યતન અજાયબી જોવી હોય તો યુએસએ આવવું પડે. આપણા જાણીતા લેખક ચંદ્રકાન્ત બક્ષીએ ક્યાંક લખ્યું છે કે, માણસના બે હાથ શું સર્જન કરી શકે એ જોવું હોય તો અમેરિકાની મુલાકાત લો. મને આમાં ઉમેરો કરવાનું મન થાય કે, માણસનું તોફાની દિમાગ ધારે તો પૃથ્વી પર જ સ્વર્ગ ઉતારી શકે અને તેની સાબિતી મેળવવી હોય તો જુગારી નગરી ‘લાસ વેગાસ’ની મુલાકાત લો. લાસ વેગાસમાં રાત પડે ને દિવસ ઊગે
લાસ વેગાસની ક્ષિતિજમાં સૂર્ય ઢળતો નથી. કારણ કે તે શહેરની રાતે તો દિવસ ઉગે છે. વિશ્વના જુગારની રાજધાની એવા તે શહેરમાં શકુનીનો આત્મા ભટકતો હોય તો નવાઈ નહીં. પણ અહીં તો શકુનીના પાસાંને પણ પરાસ્ત કરી નાંખે એવા-એવા અઠંગ ખેલાડીઓ વિશ્વભરમાંથી આવતા હોય છે. લાસ વેગાસનો અર્થ ઘાસનું મેદાન થાય
જ્યાં પૈસો સાચે બોલવા લાગે છે એ લાસ વેગાસ નેવાડા રાજ્યનું સૌથી મોટું શહેર છે. મોરમોન ખેડૂતો સૌપ્રથમ અહીં 1854માં આવીને વસ્યા હતા. સ્પેનિશ ભાષામાં તેને લાસ વેગાસ કહેવાતું હતું જેનો અર્થ ઘાસનું મેદાન થતો હતો. આ શહેર દક્ષિણ નેવાડાની જેમ તેનાં સૂકાં વાતાવરણ માટે જાણીતું છે અને રણથી ઘેરાયેલું છે. પણ આ ઓળખ લાસ વેગાસ જેવી ધમાલ નગરીને અન્યાય કરે એવી છે. આ શહેર જોયા પછી એવું થાય કે સ્વર્ગ પણ લાસ વેગાસથી અદકેરું કેવી રીતે હોઈ શકે!? વેગાસ જેને જીવતે જીવ સ્વર્ગ માણવું છે એના માટે સર્જાયું છે પણ, એને ‘સિન સિટી’ એટલે કે પાપની નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે અહીં જુગાર, સુરા અને સુંદરીઓની રેલમછેલ જોવા મળે. કેસિનોનું વૈશ્વિક કેન્દ્ર
દર વર્ષે જ્યાં લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડે છે એ જુગારના પાટનગર વેગાસ’કેસિનો’નું વૈશ્વિક કેન્દ્ર છે. અહીં લોકો વૈભવી હોટેલ્સ, કરોડોની બાજીમાં રમાતો જુગાર, મ્યૂઝિયમ્સ, અવનવા અજાયબી ભરેલા સ્ટેજ શોઝ, હેલિકોપ્ટર ટૂર્સ અને શોપિંગ માટે આવે છે. આમ વેગાસ એ દરેક માટે રમતનું મેદાન છે અને દરેકને પોતાના મનોરંજન માટે કંઇકને કંઇક મળી આવે છે. વિવિધ થીમ પર કેસિનો
અહીં અલગ-અલગ થીમ પર બનેલા 300 થી વધુ નાના મોટા કેસિનોઝ આવેલા છે. જ્યાં રાત કદી ખતમ થતી જ નથી. ઇજિપ્તના પિરામિડની થીમ પરથી બનેલો લક્સર કેસિનો, યુરોપના પેરિસ શહેરની ગલીઓમાં જાણે ફરતા હોય એવો અનુભવ કરાવતો ‘પેરિસ’ કેસિનો, હોલિવૂડ પર આધારિત ‘પ્લેનેટ હોલિવૂડ’, બલજીઓ, વેનેશિયન, સર્કસ-સર્કસ, જ્યાં સાચુકલા સિંહને રાખવામાં આવ્યો છે તે MGM કેસિનો, સિઝર પેલેસ, ન્યૂયોર્ક હોટેલ કેસિનો વગેરેમાં આખો દિવસ અને રાત થ્રી-કાર્ડ પોકર, ફાઈવ કાર્ડ પોકર, રૂલેટ, બ્લેક જેક, જાત જાતના સ્લોટ્સ મશીન પર જુગાર રમ્યા કરો અને સતત પીરસવામાં આવતા આલ્કોહોલની લિજ્જત માણ્યા કરો. પણ કહે છે ને,’what happens in vegas, stays in vegas’ એમ મોટા ભાગે તમારા પૈસા પણ કેસિનોમાં જ રહી જાય છે. અહીંના કેસિનોની રચના જ એવી છે કે, હાર્યો જુગારી બમણું રમે અને જીતનાર પણ બમણું રમે! અહીં કરોડપતિઓ સવાર પડે પોતાનું બધું હારીને કેસિનોના દરવાજા બહાર ભીખ માંગતા પણ જોવા મળી શકે! આકર્ષક હોટેલ્સ પણ આવેલી છે
પણ લાસ વેગાસને ફક્ત જુગારની રાજધાની કહેવું એ વેગાસનું અપમાન છે! અહીં અત્યંત આકર્ષક હોટેલ્સ તો આવેલી છે જ પણ તેમાં સ્ટેજ પર ભજવાતા લાઈવ શોઝ પણ એક અમૂલ્ય નજારો છે! ધ મેન્ટાલીસ્ટ, ‘ઓ’, ઈલ્યુમિનાતે, ‘રુ’ જેવા શો જોઇએ તો થાય કે, દેવતાઓ પણ મનોરંજન માટે અહીં જ આવતા હશે! ગમે ત્યારે એન્ટ્રી લઇને લગ્ન કરી શકાય
આ ઉપરાંત વેગાસની એક નવાઇની વાત એ છે કે, અહીંના વિવિધ ચેપલસમાં તમે ગમે ત્યારે એન્ટ્રી લઇને લગ્ન કરી શકો અને એ જ દિવસે તમને લગ્નનું લાઇસન્સ પણ મળી જાય. માટે જ ‘ચટ મંગની પટ બ્યાહ’ માટે લોકો દુનિયાભરમાંથી અહીં આવે છે! અને અહીંના ભવ્ય શોપિંગ મોલ્સ પર તો એક આખો અલગ લેખ લખવો પડે. જોવાની વાત એ છે કે આ ભવ્યાતિભવ્ય લાસ વેગાસથી 5 કલાક દૂર નિરવ શાંતિમાં પોઢેલું કુદરતની અજાયબી જેવું ગ્રાન્ડ કેન્યન આવેલું છે! મુલાકાતીએ નક્કી કરવાનું થાય કે તમારે ભવ્યતા માણવી છે કે નિરવ શાંતિમાં ધ્યાનસ્થ થવું છે? The Choice is Yours!