સુરત કોર્પોરેશન દેશભરમાં ટ્રીટેડ વોટરને કારણે નામના મેળવી રહી છે. સુરત મહાનગરપાલિકા દેશની પ્રથમ મહાનગરપાલિકા છે કે જે દૂષિત પાણીને શુદ્ધ કરી ટ્રીટેડ વોટર ઔદ્યોગિક ગૃહોને આપી રહી છે. તેનાથી વર્ષે કરોડો રૂપિયાની આવક પ્રાપ્ત કરી રહી છે. આજે દેશભરમાં સુરતનો ટર્સરી ટ્રીટેડ પ્લાન્ટ ઉદાહરણરૂપ બન્યો છે, પરંતુ આજે એ જ પ્રોજેક્ટ ભ્રષ્ટાચાર અને રાજકીય કિન્નાખોરીનો પર્યાય બની ગયો છે. સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં ન આવે તો કોર્પોરેશનને હજારો કરવાનો નુકસાન થશે નક્કી છે. વિપક્ષે ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે તો મેયરે કહ્યું કે, ગ્રાન્ટ લેપ્સ ન જાય તે માટે અમે સમયસર પ્રોજેક્ટ પૂર્ણ થાય તે માટે પ્રયાસો કરી રહ્યા છીએ. 25 વર્ષે 3600 કરોડની કમાણી થવાની
સુરત મહાનગરપાલિકા દ્વારા ટર્સરી ટ્રીટેડ પ્રોજેક્ટને કારણે ખૂબ મોટી આવક ઇન્ડસ્ટ્રીમાંથી મળી રહી છે. સુરતની આસપાસના ઔદ્યોગિક એકમોને કોર્પોરેશન દ્વારા દૂષિત પાણીને ટ્રીટ કરી ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં લાવીને ઔદ્યોગિક ગૃહોને વેચી રહી છે જેનાથી કરોડો રૂપિયાની આવક થઈ રહી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા હજીરામાં આવેલી AMNS કંપનીને તેની જરૂરિયાત મુજબનું 200 MLD પાણી આપવાનો પ્રોજેક્ટ હાથ પર લેવાયો હતો. આ પ્રોજેક્ટ એટલો મોટો છે કે, સુરત મહાનગરપાલિકાને 25 વર્ષે 3600 કરોડનો લાભ થવાનો છે પરંતુ, કોર્પોરેશન દ્વારા હાથ ધરવામાં આવેલી ટેન્ડર પ્રક્રિયામાં કેટલીક બાબતોને લઈને ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતા હવે આ પ્રોજેક્ટનું ભવિષ્ય જોખમમાં દેખાઈ રહ્યું છે. 540 કરોડની ગ્રાન્ટ લેપ્સ થવાની શક્યતા
સુરત મહાનગરપાલિકા દ્વારા ટર્સરી ટ્રીટેડ પ્લાન્ટ વોટર માટેનો જે પ્લાન્ટ શરૂ કરવામાં આવવાનો છે. તેમાં કેન્દ્ર સરકાર દ્વારા 540 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. સરકાર દ્વારા જે ગ્રાન્ટ આપવામાં આવનાર છે તે 2026 માર્ચ સુધી જ મળી શકે તેમ છે. આ પ્રોજેક્ટને લઈને સરકાર દ્વારા અત્યાર સુધીમાં 108 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. પરંતુ સમયસર તેનો અમલ ન થતાં 90 કરોડ રૂપિયા સરકારે પરત લીધા છે. એક વખત આ નુકસાન કોર્પોરેશનને થઈ ગયું છે પરંતુ ફરી એક વખત સમગ્ર ટેન્ડર પ્રક્રિયાની અંદર અધિકારીઓની અણઆવડતના કારણે આ પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું સામે આવતા પ્રોજેક્ટ ઝડપથી શરૂ થાય એવી કોઈ શક્યતા દેખાતી નથી અને જો આ જ પ્રકારની સ્થિતિ રહી તો 540 કરોડની જે ગ્રાન્ટ મળવાની હતી તે લેપ્સ થઈ જશે. AMNS કંપની તેનો પ્લાન્ટ 2.5 વર્ષમાં એક્સપાન કરશે
હજીરા સ્થિત AMNS તેનો પ્લાન એક્સપાન કરવા જઈ રહી છે. જેને કારણે તેને આગામી દિવસોમાં 200 MLD જેટલા પાણીની જરૂરિયાત ઊભી થાય તેમ છે. આપણી કોર્પોરેશન પાસેથી તેઓ મેળવી શકે તેના માટેની વાટાઘાટો છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી અનેક વખત કંપનીના હોદ્દેદારો સાથે મ્યુનિસિપલ કમિશનર તેમજ કોર્પોરેશનના એન્જિનિયરોની મીટીંગ પણ થઈ હતી. કંપનીએ જણાવ્યું હતું કે તેમને આગામી દિવસોમાં 200 MLD પાણીની જરૂરિયાત હોવાને કારણે તેઓ કોર્પોરેશન પાસેથી તેને ખરીદવા માંગે છે. એક તરફ AMNS કંપની તેના પ્રોજેક્ટની ડેડ લાઈન નક્કી કરીને બેઠી છે પરંતુ કોર્પોરેશન ની અંદર જે પ્રકારની કામગીરી થઈ રહી છે તેના કારણે તેમણે નક્કી કરેલા સમય પ્રમાણે તેમને પાણી મળે શકે નહીં તો તેઓ અન્ય કોઈ વિકલ્પ વિચારી શકે છે. જેને કારણે સુરત મહાનગરપાલિકાને વર્ષે 148 કરોડનું નુકસાન થશે. સુરત મહાનગરપાલિકાની તિજોરી હાલ તળિયાઝાટક સ્થિતિમાં છે ત્યારે એકમાત્ર સારી ઇન્કમ ઊભી કરી શકે તેવા પ્રોજેક્ટને પણ ગ્રહણ લાગી ગયું છે. પ્રોજેક્ટના ભવિષ્ય ઉપર પ્રશ્નાર્થ
ઔદ્યોગિક એકમને પાણી આપવાના ટેન્ડર પ્રક્રિયામાં ભ્રષ્ટાચાર થયો હોવાની શક્યતાને પગલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા કાર્યપાલક સીટી ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રક્રિયાની અંદર પણ અનેક પ્રકારના પ્રશ્નો કોર્પોરેશનની અંદર ચર્ચામાં આવ્યા છે. અધિકારીઓની એકબીજાની ટાંટિયાખેંચ માનસિકતા અને બીજી તરફ દિગ્ગજ નેતાઓ પોતાનો હિત સંતોષવાનો પ્રયાસ કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે. ટેન્ડર દફતરે કરવા કરતાં જવાબદારો સામે પગલાં લેવા જોઈએ
વિપક્ષ નેતા પાયલ સાકરીયા જણાવ્યું કે, શાસકો દૂષિત પાણીને શુદ્ધ કરવાની જે આવક થઈ રહી હતી તેને લઈને ખૂબ મોટા બણગા ફૂંકી રહ્યા હતા પરંતુ કરોડો રૂપિયાનો પ્રોજેક્ટ આજે હજીરાના ઉદ્યોગ ગૃહને જે આપવાનો હાથમાં લીધો હતો તેમાં ભ્રષ્ટાચાર થયો હોવાની ગંધ આવી રહી છે. ટેન્ડર પ્રક્રિયા સંપૂર્ણ રીતે પૂરી થઈ ન હતી પરંતુ, જે ટેન્ડર બનાવવામાં આવ્યું હતું તેમાં જે અધિકારીની ભૂલ છે તેમની સામે પગલાં લેવા જોઈએ. પરંતુ શાસકોએ આ ટેન્ડરને દફતરે કરી દીધું છે. હવે થશે એવું કે, એકમાત્ર અધિકારીની સામે પગલાં લઈને સંતોષ માની લેવાશે તેમજ નવેસરથી ટેન્ડર પ્રક્રિયા થશે તો પ્રોજેક્ટ કોસ્ટ હજી ઉપર જશે. ફરીથી એની એ જ કંપનીઓ ટેન્ડર પ્રક્રિયામાં ભાગ લેશે. મહત્વની બાબત એ છે કે, કેન્દ્ર સરકાર દ્વારા જે ગ્રાન્ટ આ પ્રોજેક્ટને લઈને મળવાની હતી તેની પણ એક ડેડલાઈન છે. જો આ રીતે ટેન્ડર પ્રક્રિયાની અંદર સમય વીતી જશે તો કોર્પોરેશનને મળનારી ગ્રાન્ટ પણ પરત જતી રહેશે એટલું જ નહીં અત્યારે જે ગ્રાન્ટ મળી હતી તે પણ પરત થઈ ગઈ છે. એ શાસકો અને અધિકારીઓની કામગીરીને કારણે આજે કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ગ્રાન્ડ લેપ્સ ન થાય એના માટે ઝડપથી કામ કરીશું- મેયર
સુરતના મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે, હજીરાની જે કંપનીને દુષિત થયેલું પાણી શુદ્ધ કરીને આપવાનો જે પ્રોજેક્ટ છે તેની અંદર ફરીથી સમગ્ર પ્રક્રિયા કરવામાં આવશે. કોઈપણ પ્રકારની ત્રૂટી ન રહી જાય તેના માટેની પ્રક્રિયા સંપૂર્ણ રીતે ફરીથી કરવામાં આવશે. સરકાર દ્વારા જે ગ્રાન્ટ ફાળવવામાં આવી છે તે પરત ન થઈ જાય તેના માટે શક્ય તેટલી કાળજી લઈને ઝડપથી આ પ્રોજેક્ટને અમલમાં લાવવાનો પ્રયાસ કરીશું.