સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પોર્ટસ કોમ્પ્લેક્સ ખાતે આજથી 53માં મહોત્સવનો પ્રારંભ થયો છે. ત્રણ દિવસ ચાલનારી આ એટલેટીક્સ ટુર્નામેન્ટમાં યુનિવર્સિટી સંલગ્ન 70 કોલેજના 1500 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. જેમાં આજે પ્રથમ દિવસે 10,000 મીટર દોડની પ્રથમ ઇવેન્ટમાં જ 2 રેકોર્ડ બન્યા હતા. જેમાં ભાઈઓમાં કશ્યપ સંઘાણીએ 31.58 મિનિટમાં 10 કિલોમીટરની દોડ પૂર્ણ કરી તો બહેનોમાં હેલી કોશિયાએ 45.06 મિનિટમાં 10 કિલોમીટરની દોડ પૂર્ણ કરી. આ સાથે યુનિવર્સિટી દ્વારા ઇન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટ રમવા જતા ખેલાડીઓને દૈનિક રૂ. 365માંથી વધારી રૂ. 500 કરવામાં આવ્યા છે. પ્રથમ દિવસે જ પ્રથમ ઇવેન્ટમાં બે નવા રેકોર્ડ સ્થાપિત થયા
યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબાએ જણાવ્યું હતું કે, ખેલકૂદ મહોત્સવ નો આજથી પ્રારંભ થયો છે. જેમાં પ્રથમ દિવસે જ પ્રથમ ઇવેન્ટમાં બે નવા રેકોર્ડ સ્થાપિત થયા છે. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધે તે માટે આ વખતે પ્રથમ વખત સ્પર્ધકો માટે ભોજન અને રહેવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. અત્યાર સુધી ખેલાડીઓને દૈનિક રૂ. 365 ડીએ મળતું હતું જે વધારીને રૂ. 500 કરવામાં આવ્યું છે. આ સાથે જ સ્પોર્ટ્સ કિટમાં ટ્રેકશૂટ, કેપ, શૂઝ, બેગ આપવાનું શરૂ કરવામાં આવ્યું છે. ‘ઓલમ્પિકમાં પણ રમવાનું સ્વપ્ન છે’- કશ્યપ સંઘાણી
રાજકોટની શાંતિ નિકેતન કોલેજમાં અભ્યાસ કરતા કશ્યપ સંઘાણીએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 10 હજાર મીટર દોડમાં મેં અને જયેશ નામના વિદ્યાર્થીએ 42 વર્ષ જુનો રિપોર્ટ તોડ્યો હતો. 33.05 મિનિટમાં 10 કિલોમીટરની દોડ પૂર્ણ કરી હતી. જ્યારે આ વર્ષે મેં 31.58 મિનિટમાં 10 કિલોમીટરની દોડ પૂર્ણ કરી મારો જ ગત વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. છેલ્લા 8 વર્ષથી દોડની પ્રેક્ટિસ કરું છું અને દરરોજ 15થી 20 કિલોમીટરની દોડની પ્રેક્ટિસ હોય છે. મારું લક્ષ્ય ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં 3000 મીટર ત્રિપલ ચેસમાં મેડલ જીતવાનુ સ્વપ્ન છે. સાપુતારામાં ટ્રેનિંગની સાથે અભ્યાસ પણ કરું છું જેને લીધે થોડી તકલીફ પડે છે અને આગામી સમયમાં ઓલમ્પિકમાં પણ રમવાનું સ્વપ્ન છે. ‘ત્રણ વર્ષથી ખેલકૂદ મહોત્સવમાં ભાગ લઈ રહી છું’- હેલી કોશિયા
જ્યારે 10000 મીટર દોડમાં નવો કીર્તિમાન સ્થાપતી હેલી કોશિયાએ જણાવ્યું હતું કે, હું વીરબાઈ મહિલા કોલેજમાં બીએના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. છેલ્લા બે ત્રણ વર્ષથી ખેલકૂદ મહોત્સવમાં ભાગ લઈ રહી છું. આજનો રેકોર્ડ 45.06 મિનિટનો છે. તાજેતરમાં જ યુનિવર્સિટીમાં 10 કિલોમીટરની ક્રોસ કન્ટ્રી રહેશે. તેમાં મારો ટાઈમિંગ 46.25 મિનિટનો હતો. જે આ વખતે ઓછી મિનિટમાં પૂર્ણ કરી છે. વેસ્ટ ઝોનમાં સારા પ્રદર્શનના પ્રયાસો રહેશે.