બાંગ્લાદેશમાં હિન્દુઓ પર જોખમ વધતું જાય છે પણ આ સિવાય પાકિસ્તાન, અફઘાનિસ્તાન, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં પણ હિન્દુઓ ટાર્ગેટ પર છે. આ તો થઈ હિન્દુઓ પર જોખમની વાત, પણ હિન્દુઓ પર બીજું જોખમ છે વસ્તી ઘટાડાનું. ભારતમાં હિન્દુઓની સંખ્યા સારી એવી છે પણ વિશ્વની વસ્તીની દ્રષ્ટિએ વાત કરીએ તો ઈસાઈ, મુસ્લિમો કરતાં હિન્દુઓની વસ્તી બહુ ઓછી છે. એટલે જ સંઘના વડા મોહન ભાગવતે કહેવું પડ્યું કે, ત્રણ ત્રણ બાળકો પેદા કરો. નમસ્કાર, હિન્દુઓની ઘટતી વસ્તીના કારણે હિન્દુ વિચારધારા ધરાવતા સંગઠનો ચિંતામાં છે. ભવિષ્યમાં શું થશે, તેની આ લોકોને ચિંતા છે. પણ ચિંતાનો વિષય એ છે કે, આ બાબતે હિન્દુઓને જ ચિંતા નથી. જેમ જેમ એજ્યુકેશન વધતું જાય છે, મોંઘવારી વધતી જાય છે તેમ તેમ અમે બે અમારા બે અને હવે અમે બે અમારું એક પર હિન્દુઓ આવી ગયા. હવે તો અમે બે જ, બીજું કોઈ નહીં- એ કલ્ચર પણ ચાલુ થઈ ગયું છે. એટલે હિન્દુઓ માટે વસ્તી ઘટાડો ગંભીર વિષય છે. મોહન ભાગવતે ત્રણ બાળકોની વાત કેમ કરવી પડી?
1 ડિસેમ્બરે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત નાગપુરમાં ‘કથલે કુલ સંમેલન’માં ભાગ લેવા પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ભારતીય પરિવાર અને વસ્તીને લઈને નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું, દેશની વસ્તી નીતિ 1998-2002 માં નક્કી કરવામાં આવી હતી. આ મુજબ, વસ્તી વૃદ્ધિ દર 2.1 થી નીચે ન હોવો જોઈએ. જો આમ થશે તો સમાજ જ નાશ પામશે. હવે કોઈ માનવી 0.1 માં તો જન્મતો નથી… એટલે ઓછામાં ઓછા ત્રણ બાળકો હોવા જોઈએ. આ પહેલાં પણ 2021 અને 2022ના વિજયા દસમી ઉત્સવમાં મોહન ભાગવત વસ્તી વધારવાની વાત કરી ચૂક્યા છે. જો કે, વસ્તી વધારવા માટે તેમનો આડકતરો ઈશારો તો હિન્દુઓ તરફ જ હતો. વિદેશમાં જ નહીં, ભારતમાં પણ હિન્દુઓની વસ્તી ઘટી રહી છે
ભારતમાં હિન્દુઓની વસ્તી 1950 થી 2015 સુધીમાં 7.8% ઘટી છે. જ્યારે મુસ્લિમ વસ્તીમાં 43.15%નો વધારો થયો છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના જુલાઈ-2024ના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. ધ રિલિજિયસ માઈનોરિટીઝઃ એ ક્રોસ-કન્ટ્રી એનાલિસિસ (1950-2015) રિપોર્ટમાં પણ જણાવાયું છે કે જૈનોની વસ્તીમાં પણ ઘટાડો થયો છે. જૈનોની વસ્તી 1950માં 0.45% હતી, જે 2015માં ઘટીને 0.36% થઈ ગઈ. ભારતના પાડોશી રાજ્યોમાં શું હાલત છે, તે 5 પોઈન્ટમાં સમજો ભારતના આ રાજ્યોમાં હિન્દુઓની વસ્તી ઓછી છે બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતિ વધારે કફોડી છે
બાંગ્લાદેશમાં ઈસ્કોન મંદિરના પૂજારી ચિન્મય કૃષ્ણદાસ ઉર્ફે ચિન્મય પ્રભુની ધરપકડ બાદ ઢાકા કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. ચિન્મય પ્રભુ વતી કેસ લડી રહેલા વકીલ રમન રોય પર જીવલેણ હુમલો થયો. અત્યારે તે જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે. ઈસ્લામિક કટ્ટરપંથીઓએ ચીમકી આપી હતી કે, જે વકીલ ચિન્મય પ્રભુનો કેસ લડશે તેને જીવતો નહીં છોડાય. ચિન્મય પ્રભુના વકીલ તેના ઘરે હતા ત્યારે કટ્ટરપંથીઓનું ટોળું ઘરમાં ઘૂસ્યું અને તેને અધમૂઆ કરી નાખ્યા. આ ઘટના પછી બાંગ્લાદેશમાં એકપણ વકીલ ચિન્મય પ્રભુનો કેસ લડવા તૈયાર નથી. ચિન્મય પ્રભુની જામીન અંગે 3 ડિસેમ્બરે સુનાવણી થવાની હતી પણ તેના તરફથી કોઈ વકીલ હાજર ન રહેતાં કોર્ટે આ સુનાવણી 2 જાન્યુઆરી સુધી ટાળી દીધી છે. બાંગ્લાદેશના વકીલોએ પણ ચીમકી આપી છે કે, જે પણ ચિન્મય પ્રભુનો કેસ હાથમાં લેશે તેની હાલત આવી જ થશે. ભારતે કાયમ દયાભાવના રાખી છે
હવે વિચારો, એક તરફ ભારત છે. જ્યાં આતંકવાદી કસાબને પણ એક ફેર ટ્રાયલ આપવામાં આવી હતી. સરકારી વકીલે કસાબ વતી કેસ લડ્યો. કસાબને ભારતમાં દરેક પ્રકારની કાનૂની મદદ મળી. ભારતમાં જ આતંકવાદી યાકુબ મેમણની ફાંસી રોકવા માટે અડધી રાત્રે સુપ્રીમ કોર્ટના દરવાજા ખુલ્યા હતા, અને આતંકવાદી અફઝલ ગુરૂની ફાંસી રોકવા માટે કેટલાક ‘મોટા’ કહેવાતા લોકોએ અને સો-કોલ્ડ ધર્મનિરપેક્ષ લોકોએ રાષ્ટ્રપતિને દયાની અરજી મોકલી હતી. તેમ છતાં એવું કહેવાતું આવ્યું છે કે, ભારતમાં લઘુમતીઓ ખતરામાં છે. બીજી તરફ બાંગ્લાદેશ છે જ્યાં હિન્દુની રક્ષા માટે અવાજ ઉઠાવનાર પૂજારી પર દેશદ્રોહનો કાયદો લાગૂ કરીને જેલમાં ધકેલી દેવાય છે. બાંગ્લાદેશના યુવાનોના માનસમાં હિન્દુઓ પ્રત્યે ઝેર ઘોળાયું
બાંગ્લાદેશની ઢાકા યુનિવર્સિટીના સ્ટુડન્ટ્સે મોટાપાયે ભારતનો વિરોધ કરવા દેખાવો કર્યા હતા. ભારત વિરોધી નારેબાજી પણ કરી. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીના પરિસરમાં ભારત અને હિન્દુઓના વિરોધમાં ખુલેઆમ પ્રવચનો કર્યા. કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઈસ્લામીએ આ ભાષણોના વખાણ કર્યા છે. બાંગ્લાદેશના હિન્દુઓ એ હદે ખતરમાં છે કે, તમામને એવું કહી દેવાયું છે કે, ભગવા કપડાં પહેરીને બહાર નીકળવું નહીં. તિલક કરવું નહીં. માળા કે કંઠી ધારણ કરીને પણ બહાર જવું નહીં. શેખ હસીનાએ કહ્યું, હિન્દુઓના નરસંહાર માટે મોહમ્મદ યુનુસ જવાબદાર
બાંગ્લાદેશનાં પૂર્વ વડાપ્રધાન શેખ હસીના, જેમણે ભારતમાં શરણ લીધું છે તેમણે તેમની પાર્ટીના કાર્યકર્તાઓને હમણાં વર્ચ્યુઅલ સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓના નરસંહારના માસ્ટર માઈન્ડ કાર્યકારી વડાપ્રધાન મોહમ્મદ યુનુસ છે. અત્યાર સુધી બાંગ્લાદેશમાં હિન્દુઓની હિંસાનો વિરોધ કોઈ કરતું નહોતું પણ હવે વિશ્વને આની ગંભીરતા દેખાઈ છે અને હવે વિદેશના ઘણા નેતાઓએ આ અંગે નિવેદનો આપ્યા છે. અત્યાર સુધી મુસ્લિમ લઘુમતીઓની ચર્ચા થતી હતી, પહેલીવાર હિન્દુ લઘુમતી વિશે ચર્ચા થઈ
બાંગ્લાદેશમાં થઈ રહેલા હિન્દુઓ પરના અત્યાચારના પડઘા વિશ્વભરમાં પડ્યા છે. બ્રિટનના હાઉસ ઓફ કોમન્સના ઘણા સાંસદોએ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારોને ચિંતાજનક ગણાવ્યા છે. બ્રિટનનાં પૂર્વ ગૃહસચિવ પ્રીતિ પટેલે બાંગ્લાદેશની અંતરીમ સરકાર સામે કાર્યવાહી કરવાની માગણી કરી છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને અમેરિકાના નવા ઈન્ટલિજન્સ ચીફ તુલસી ગબાર્ડ સહિત દુનિયાના બીજા નેતાઓએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર ખતરા અંગે ચિંતા વ્યક્ત કરી છે. અત્યાર સુધી મુસ્લિમ લઘુમતીઓની સમસ્યાની જ ચર્ચા થતી હતી પણ આવું પહેલીવાર થયું છે કે, હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચારની વિશ્વમાં ચર્ચા થઈ રહી છે. હવે તો ભારતના ઘણા શહેરોમાં દેખાવો થઈ રહ્યા છે અને બાંગ્લાદેશના હિન્દુઓની રક્ષા માટે અવાજ ઉઠાવી રહ્યા છે. પાકિસ્તાનમાં હિન્દુઓની અવદશા… પાકિસ્તાનમાં રહેતા હિન્દુઓની અસહ્ય વેદના
જે હિન્દુઓ પાકિસ્તાનમાં રહેતા હોય, તે જીવતેજીવ નરકમાં જ જીવે છે એમ માની લેવું. કારણ કે, ત્યાં સ્વતંત્ર્યતા દિવસ 14 ઓગસ્ટે મનાવવાની ફરજ પડાય છે. ભારત-પાકિસ્તાનના ક્રિકેટ મેચમાં ભારત જીતે તો સેલિબ્રેશન કરવાની મનાઈ છે. એ ઉપરાંત તમારે બાળપણ તથા યુવાનીમાં વર્ષો સુધી એવી પીડામાંથી પસાર થવું પડે કે જેમાં તમને તમારા હિંદુ હોવાનો દરરોજ અફસોસ થાય. પાકિસ્તાનના પાઠ્ય પુસ્તકોમાં પણ હિન્દુ વિરોધી વાક્યો ભણાવાય છે. ત્યાંના પાઠ્ય પુસ્તકોમાં એવું લખેલું છે કે, “ઇતિહાસમાં હિંદુઓ એ મુસલમાનો પર બહુ અત્યાચાર કર્યો હતો. હિંદુઓ માનવતાના દુશ્મન છે.” પાકિસ્તાનમાં એવા ઘણા મહાન હિંદુઓ હતા, જેમનો ઉલ્લેખ પાઠ્યપુસ્તકોમાં નથી. દાખલા તરીકે, જગન્નાથ આઝાદે પાકિસ્તાન માટે પહેલું રાષ્ટ્રગાન લખ્યું હતું, પણ તેમનું નામ ક્યાંય દેખાતું નથી. થાર પારકરના રહેવાસી યુવા પત્રકાર સંજય મિઠરાનીએ બીબીસીને જણાવ્યા મુજબ, પાકિસ્તાનમાં એક હિંદુ તરીકે રહેવું બહુ મુશ્કેલ છે. ક્યારેક હું વિચારું છું કે તેમનું નામ સંજય ન હોત તો કેટલું સારું થાત. પાકિસ્તાનના વિદેશમંત્રીએ પણ કબૂલ્યું કે…
પાકિસ્તાનમાં અવાર-નવાર ઈશનિંદાના નામ પર હિન્દુ, અહમદિયા અથવા ખ્રિસ્તી સમુદાયના કોઈ વ્યક્તિની મોબ લિન્ચિંગની ઘટના સામે આવતી હોય છે. પાકિસ્તાનના વિદેશમંત્રી ખ્વાજા આસિફે પણ કબૂલાત કરી છે કે હવે પાકિસ્તાનમાં લઘુમતીઓ સલામત નથી. નેશનલ એસેમ્બલીમાં ભાષણ આપતાં ખ્વાજા આસિફે સ્વીકાર્યું કે ધર્મના નામે લઘુમતીઓ પર અત્યાચાર વધી રહ્યા છે જે એક ગંભીર બાબત છે. ખ્વાજા આસિફે કહ્યું કે લઘુમતીઓની દરરોજ હત્યા થાય છે. તેઓ ઇસ્લામના પડછાયા હેઠળ સુરક્ષિત અનુભવતા નથી. પાકિસ્તાનની બદનામી આખી દુનિયામાં થઈ રહી છે. પાકિસ્તાનના માનવાધિકાર પંચે અહેવાલ આપ્યો છે કે શીખ, હિન્દુ અને અન્ય લઘુમતીઓ સાથે બળજબરીથી ધર્મપરિવર્તન, અપહરણ, હત્યા અને ધાર્મિક સ્થળો પર હુમલાનો સામનો કરી રહ્યા છે. આ સમસ્યા કોઈ એક રાજ્યમાં નથી પરંતુ દેશના વિવિધ ભાગોમાં જોવા મળી રહી છે. હવે વાત અફઘાનિસ્તાનની…. અફઘાનિસ્તાનમાં માત્ર 20 હિન્દુ ને 50 શીખ બચ્યા
અફઘાનિસ્તાનમાં ફરીથી તાલિબાનોએ શાસન મેળવી લેતાં હિન્દુ અને શીખો ખતરામાં આવી ગયા હતા. તેમના ઘરમાં ઘૂસીને લૂંટફાટ કરાતી, રેપ કરાતા અને કોઈ વિરોધ કરે તો હત્યા પણ કરી નખાતી. છેલ્લા ત્રણ વર્ષમાં અફઘાનિસ્તાનમાં હિન્દુઓ અને શીખ બરબાદ થઈ ગયા છે. અફઘાનિસ્તાનમાં હવે માત્ર 20 જ હિન્દુઓ બચ્યા છે, શીખની સંખ્યા પણ ઘટીને 50 થઈ ગઈ છે. 1980ના દાયકામાં અફઘાનિસ્તાનમાં લગભગ 5 લાખ શીખો હતા, પરંતુ છેલ્લાં 40 વર્ષની હિંસાએ શીખોને અહીંથી ભાગી જવા મજબૂર કર્યા. અફઘાનિસ્તાનમાં એકાદ-બે મંદિર છે, એ પણ માત્ર નામના!
કાબુલમાં કોહ-એ-અસામાઈ એટલે કે આસા માઈ પર્વતની તળેટીમાં બનેલું છે આસમાઈ મંદિર. આ મંદિરમાં એકપણ મૂર્તિ નથી. રામસિંહ નામના એક પૂજારી વર્ષોથી વેરાન જગ્યાએ રહે છે. તેમની પાસે પૂજા, ભજન અને કીર્તનના પુસ્તકો ઉર્દૂમાં છે. આ પુસ્તકો પાકિસ્તાનના પેશાવરથી લાવવામાં આવ્યા છે. જો કે, મંદિરમાં કેટલાંક હિન્દી પુસ્તકો પણ રાખવામાં આવ્યા છે. મંદિરમાં હાલમાં એકપણ મૂર્તિ નથી. પહેલાં અહીં ઘણી મૂર્તિઓ હતી, પરંતુ તાલિબાન આવ્યા પછી તમામ મૂર્તિઓ ભોંયરામાં રાખવામાં આવી હતી. જો ભવિષ્યમાં પરિસ્થિતિ સુધરશે તો તેમને ફરીથી બહાર કાઢવામાં આવશે. એક સમય હતો જ્યારે અહીં સંખ્યાબંધ હિન્દુઓ આવતા. મંદિર પરિસર ભક્તોથી ભરાઈ જતું હતું. લાઉડસ્પીકર પર આરતી થતી હતી, પરંતુ હવે ત્યાં કોઈ જ લોકો બચ્યા નથી. પહેલાં અહીં સારી સંખ્યામાં હિન્દુઓ હતા. એકલા કાબુલમાં પાંચ-સાત હજાર હિન્દુઓ હતા, પરંતુ તાલિબાનના અગાઉના શાસન દરમિયાન હિન્દુઓએ મોટા પાયે સ્થળાંતર કર્યું. 2021માં તાલિબાન પાછા ફર્યા પછી બચી ગયેલા કેટલાક પરિવારો જર્મની, કેનેડા અને ભારત જેવા દેશોમાં ભાગી ગયા. હાલમાં અફઘાનિસ્તાનમાં 20 હિંદુઓ બાકી છે, તે પણ ગમે ત્યારે અફઘાનિસ્તાન છોડવાની ફિરાકમાં છે. કેનેડાની સ્થિતિ વિશે પણ વાંચો… 2021થી કેનેડામાં હિન્દુ મંદિર પર ખાલિસ્તાની હુમલા થઈ રહ્યા છે
નવેમ્બર 2021માં પહેલી વખત બ્રેમ્પ્ટનમાં હિન્દુ સભા મંદિર અને જગન્નાથ મંદિરમાં તોડફોડ કરવાની ઘટના સામે આવી હતી. એ પછી જાન્યુઆરી 2022માં હનુમાન મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. પછી તો હિન્દુ મંદિરો પર અને હિન્દુઓ પર સતત હુમલાની ઘટનાઓ બનતી રહી છે. 2023 અને 2024માં ગંભીર કહી શકાય એવી ઘટનાઓ બની છે. બ્રેમ્પટનમાં દેવી દુર્ગા મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. આ બંને ઘટનાઓ પછી ઉગ્રવાદીઓએ ગૌરીશંકર મંદિર અને જગન્નાથ મંદિરમાં પણ હોબાળો મચાવ્યો હતો. મિસીસોગામાં હિંદુ હેરિટેજ સેન્ટર (HHC)માં બે શખસે દાનપેટી અને મુખ્ય કાર્યાલયમાં તોડફોડ કરી હતી. છેલ્લાં ત્રણ-ચાર વર્ષથી કેનેડામાં વાતાવરણ બગાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. ખાલિસ્તાન સમર્થકો મંદિરના ટ્રસ્ટીઓને ધમકીભર્યા મેસેજ મોકલી રહ્યા છે. બ્રેમ્પટનની જેમ કેનેડાનાં અન્ય શહેરોમાં તે જ દિવસે સમાન ઘટનાઓ બની હતી. સરે અને કેલગરીમાં મંદિરો પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. મિસિસોગામાં ગુરુદ્વારા પર હુમલો કરવાની તૈયારીઓ ચાલી રહી હતી. એટલે કેનેડામાં મંદિરો જ નહીં, હવે તો ગુરૂદ્વારા પણ નિશાના પર છે. કેનેડામાં હિન્દુ અને શીખ વચ્ચે મતભેદની વાતો ફેલાવાઈ
કેનેડામાં હિન્દુ મંદિરો પર ખાલિસ્તાની સમર્થકોએ હુમલા કર્યા ત્યારે એવું કહેવાતું હતું કે, કેનેડામાં હિન્દુઓ અને શીખ વચ્ચે મતભેદ છે એટલે શીખો મંદિરો પર હુમલા કરે છે અને હિન્દુઓ ગુરુદ્વારામાં હુમલા કરે છે. આ વાત એટલે ફેલાવાઈ, કારણ કે મંદિરો પર હુમલા કરનારા ખાલિસ્તાનીઓ પાઘડી બાંધે છે. પણ હકીકતે કેનેડામાં હિન્દુ અને શીખ વચ્ચે કોઈ મતભેદ કે વૈમનસ્ય નથી. જે હુમલા થયા છે તે તમામ હુમલા ખાલિસ્તાની સમર્થકોએ કર્યા છે. કેનેડા રહેતા મૂળ ભારતીય પત્રકાર રાજીવ શર્માએ મીડિયાને કહ્યું હતું કે, કેનેડામાં શીખો અને હિન્દુઓ સાથે રહે છે અને સાથે બિઝનેસ કરે છે. બંનેને એકબીજાની જરૂર છે. કેનેડામાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શનની મંજૂરી છે. ખાલિસ્તાન સમર્થકો અનેક વખત પ્રદર્શન કરે છે. અહીં ક્યારેય પોલીસની જરૂર નહોતી. કેનેડામાં જ્યારે નગર કીર્તન કે રથયાત્રા નીકળે છે ત્યારે પોલીસ ટ્રાફિક કંટ્રોલ કરવા આવે છે. સુરક્ષા માટે આવતા નથી. છેલ્લા એક વર્ષમાં ધાર્મિક ભાવનાઓને આધારે લોકોને ભડકાવવામાં આવી રહ્યા છે. ઓસ્ટ્રેલિયામાં પણ હિન્દુઓ સેફ નથી ઓસ્ટ્રેલિયામાં પણ ખાલિસ્તાની આતંક પહોંચ્યો….
ઓસ્ટ્રેલિયાના પર્થમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ વિનોદભાઈ હિરાણી પર અજાણ્યા નંબરથી એક ફોન આવ્યો. સામે છેડેથી અવાજ આવ્યો કે, જો તમારે ઓસ્ટ્રેલિયામાં સલામતીથી રહેવું હોય તો દરરોજ મંદિરમાં આરતી કરતા પહેલાં જોરથી પાંચ વખત ‘ખાલિસ્તાન ઝીંદાબાદ’ના નારા લગાવવા પડશે.. ફોન કરનાર વ્યક્તિએ પોતાની ઓળખ ગુરુપદેશ સિંઘ તરીકે આપી હતી. કેનેડાની જેમ ખાલિસ્તાની આતંક ઓસ્ટ્રેલિયામાં ફેલાઈ રહ્યો છે અને એ હિન્દુઓ માટે ખતરા સમાન છે. અઠવાડિયે, 15 દિવસે ઓસ્ટ્રેલિયાના વિવિધ વિસ્તારમાં એવી ઘટનાઓ બની રહી છે, જે ત્યાં રહેતા હિન્દુ સમુદાય માટે ખૂબ ચિંતાજનક મુદ્દો ગણી શકાય. છેલ્લા બે વર્ષમાં ઓસ્ટ્રેલિયામાં 8-10 મંદિરો પર હુમલાની ઘટના બની છે. જાન્યુઆરી, 2023માં મેલબર્ન સ્વામીનારાયણ મંદિરની દીવાલ પર ભારત વિરોધી લખાણ થયા હતા. એ જ અરસામાં મેલબર્નમાં શિવ-વિષ્ણુ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. બ્રિસબેનમાં લક્ષ્મીનારાયણ મંદિર પર મોદી વિરોધી લખાણ લખવામાં આવ્યા હતા. પર્થ સ્વામીનારાયણ મંદિરના પ્રમુખને ફોન પર ધમકી મળી હતી. આ રીતે ઓસ્ટ્રેલિયમાં પણ ખાલિસ્તાનીઓ બેફામ બન્યા છે અને તે હિન્દુ સંગઠનો માટે જોખમરૂપ સાબિત થઈ શકે તેમ છે. હવે તમે પણ તમારી વાત અમારા સુધી નીચેના નંબર પર પહોંચાડી શકો છો. +91 90231 17108 આ વ્હોટ્સએપ પર તમારું નામ અને પ્રોફેશન લખીને તમારું સૂચન મોકલી શકો છો. શક્ય હશે તો એડિટર્સ વ્યૂમાં અમે એની ચર્ચા પણ કરીશું. અને છેલ્લે, અત્યારે વિશ્વની વસ્તી 800 કરોડ છે. તેમાં 120 કરોડ હિન્દુઓ છે. 2050માં વિશ્વની વસ્તી 973 કરોડ અને સદીના અંત સુધીમાં 2100ની સાલમાં 1087 કરોડ થવાની સંભાવના છે. હવે વિચારો, ત્યારે હિન્દુઓની વસ્તી કેટલી હશે? સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી )