રાજ્યસરકાર દ્વારા તારીખ 4 ડિસેમ્બરના રોજ IAS અધિકારીની બદલીની યાદી જહેર કરી તેમાં રાજકોટ ચર્ચામાં હતું. કારણ કે, રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડ બાદ જેમને રાજકોટ મનપાના કમિશનર તરીકે ચાર્જ સોંપવામાં આવ્યો તે જ દેવાંગ દેસાઈની 6 મહિનામાં બદલી કરી તેમના સ્થાને 2012 બેયના તુષાર સુમેરાની રાજકોટ મનપાના કમિશનર તરીકે નિમણૂક કરવામાં આવી છે. તુષાર સુમેરા મૂળ સૌરાષ્ટ્રના પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગર જિલ્લાના વતની છે. 2012માં UPSCની પરીક્ષા પાસ કરી IAS ઓફિસર બન્યાં
તુષાર સુમેરાને સૌરાષ્ટ્રનું ગૌરવ કહેવામાં આવે છે અને તેઓને વિદ્યાર્થી માટે પ્રેરણારૂપ કહેવામાં આવે છે. પ્રેરણારૂપ કહેવા પાછળનું કારણ એ છે કે, ધોરણ 10માં તેઓને દરેક વિષયમાં ઓછા માર્ક્સ આવ્યા હતા. ત્યારબાદ ધોરણ 11-12 આર્ટ્સમાં અભ્યાસ કરી બાદમાં ટીચર બન્યા હતા. આ દરમિયાન તેઓએ માત્ર ગુરૂ બનીને કોઈ એક-બે ગામ કે જિલ્લાના લોકોને સુધારવા બદલે દેશને સુધારવા માટે સ્વપન જોઈ UPSC પરીક્ષા આપવાનું નક્કી કર્યું. તેઓએ 2012માં પરીક્ષા પાસ કરી IAS ઓફિસર બનવાનું સ્વપ્ન સાકાર કર્યું છે. આજકાલ યુવાનોમાં આત્મહત્યાના બનાવો સતત વધતા જોવા મળી રહ્યા છે. તેમાં પણ વિદ્યાર્થી ઓછા માર્ક્સ અને નાપાસ થવાના ડરથી હારી જઇ પોતાની અમૂલ્ય જિંદગીને છોડી દેતા હોય છે, માટે આવા વિદ્યાર્થીઓ માટે RMC કમિશનર સુમેરા ખાસ પ્રેરણારૂપ કહી શકાય. ધો. 10ના પરીણામથી હતાશ ન થઈ મહેનત શરૂ કરી
રાજકોટના નવ નિયુક્ત મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરના ધોરણ 10ના પરિણામ પર નજર કરવામાં આવે તો તેઓએ ધોરણ 10માં અંગ્રેજીમાં 35 માર્કસ, ગણિતમાં 36 માર્કસ અને વિજ્ઞાનમાં 38 માર્કસ આવ્યા હતા. પોતાના આ પરિણામથી હતાશ થવાના બદલે તેમને આગળનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. ધોરણ 11-12 આર્ટ્સ ફેકલ્ટીમાં પૂરું કરીને કોલેજમાં પ્રવેશ મેળવી અભ્યાસ શરૂ કર્યો હતો. આમ છતાં તેઓ નિરાશ કે હતાશ થયા વગર પોતાની ભૂલ સુધારીને આગળ વધવાના દ્રઢ સંકલ્પ સાથે ભણતા રહ્યા હતા. પિતાને કલેક્ટર બનવાની ઈચ્છા વ્યક્ત કર્યા બાદ નોકરી મૂકી
કોલેજનો અભ્યાસ અને બીએડ પણ પૂરું કરી લીધું પછી ચોટીલાની એક સ્કૂલમાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી મળી હતી, જેમાં મહિનાનો પગાર લગભગ માત્ર 2500 રૂપિયા હતો. આ નોકરી દરમિયાન જ આ તેઓએ એક વિચાર કર્યો કે, એક બે ગામ કે જિલ્લામાં અભ્યાસ કરાવવા બદલે હું આખા દેશને સુધારવા માટે કૈક કરું તેવો વિચાર આવ્યો અને એના માટેની પરીક્ષાની તૈયારી કરવાનું નક્કી કર્યું. કલેક્ટર બનવા યુપીએસસીની અધરી પરીક્ષા આપવી પડે માટે તેઓએ પોતાના પિતાને આ બાબતે વાત કરી હતી. પિતાએ પણ પ્રોત્સાહન આપ્યું અને સારી રીતે તૈયારી કરી શકે એટલે નોકરી પણ મૂકી દેવાની મંજૂરી આપી હતી. પાંચ-પાંચ ટ્રાયલ પછી અંતે સફળતા મળી
2007માં પ્રાથમિક શિક્ષક તરીકેની નોકરી મૂકીને કલેકટર બનવાની તૈયારીમાં લાગી ગયા હતા. 2007માં સ્પીપામાં સિકેલ્શન થતા આગળ તેમના માટે તમામ તૈયારીઓ શરૂ કરી અને સમાજશાસ્ત્ર અને ગુજરાતી સાહિત્યમાં અંગ્રેજી મિડિયમમાં પરીક્ષાઓ આપી હતી. ચોથી ટ્રાય 2011માં આપી હતી. જો કે, પાસ ન થતા નાસીપાસ થવાના બદલે વધુ મહેનત શરૂ કરી હતી. અંતે 2012માં સફળતા મળી હતી. સુમેરાની કામગીરી મોદી પણ ખુશ થયા હતાં
સુરેન્દ્રનગરની એમ. પી. શાહ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં અભ્યાસ કરી રાજકોટમાં એમએનો અભ્યાસ કરી જૂનાગઢની કોલેજમાંથી બીએડ પૂરું કરીને ટિચરમાંથી આજે આઈએએસ ઓફિસરોમાં સિલેક્ટ થયેલા તુષાર સુમેરાના પિતા દલપતભાઈ સુમેરા ગુજરાત જમીન વિકાસ નિગમમાં અધિકારી હતા અને માતા વઢવાણમાં પ્રાઇમરી ટીચર હતા. ઉલ્લેખનીય છે કે, બે વર્ષ પૂર્વે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તુષાર સુમેરાએ ભરૂચ જિલ્લામાં ઉત્કર્ષ પહેલ અભિયાન અંતર્ગત કરેલા કામની નોંધ લઇને ટ્વીટર પર પણ તેનો ઉલ્લેખ કર્યો હતો.