ગાંધીધામમાં EDની નકલી ટીમે જ્વેલર્સ પેઢીને ત્યાં દરોડો પાડી રૂ.25.25 લાખની ઉઠાંતરી કરી હતી. આ સમગ્ર ઘટનાક્રમ ગત 2 ડિસેમ્બરના સવારે બન્યો હતો. ચકચારીત ઘટનામાં પૂર્વ કચ્છ પોલીસે નકલી ઈડીના 13માંથી 12 આરોપીઓની અટકાયત કરી લીધી હતી. જે તમામ 12 આરોપીઓના 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. આ વચ્ચે નકલી EDની ટીમનો અસલી દેખાડો સામે આવ્યો છે. ગાંધીધામમાં જ્વેલર્સના ઘરે બોગસ ઓફિસરની એક્ટિંગ કેમેરામાં કેદ થઈ છે. વીડિયોમાં પરિવારનો ડર અને ઠગનો રોફ જોવા મળી રહ્યો છે. નકલી અધિકારી જ્વેલર્સના ઘરે રોફ જમાવતો જોવા મળ્યો
ગાંધીધામમાં નકલી EDની ટીમે જવેલર્સને ત્યાં દરોડો પાડ્યો હતો અને તે એક તબક્કે સફળ પણ રહ્યો હતો. ગાંધીધામની જાણીતી જવેલર્સ શોપમાં નકલી EDના અધિકારીઓએ પહેલા રેડ પાડી હતી. જે બાદ જ્વેલર્સના ઘરે રેડ પાડવા પહોંચ્યા હતા. આ દરમિયાન નકલી અધિકારી દ્વારા ઘરના સભ્યો સામે રોફ જમાવતો જોવા મળ્યો હતો. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. વીડિયોમાં દેખાતો આરોપી અધિકારીની જેમ ટ્રીમ કરેલા હેરકટ, ટટ્ટાર ઉભા રહી જેમ અસલી ઈડીનો અધિકારી હોય તે રીતે મોભો પાડવાનો પ્રયાસ કરતો જોવા મળી રહ્યો છે. તે નકલી હોય તેવું લાગતું ન હતું. ઘટનાક્રમનો વીડિયો નકલી EDની ટીમે જ શૂટ કર્યો
આ વીડિયોમાં ઘરના સભ્યોના ચહેરાઓ ઉપર પણ તે ઉચાટ લાવવામાં સફળ દેખાઈ રહ્યો છે. ખૂબીની વાત એ છે કે, આ તમામ ઘટનાક્રમનો વીડિયો પણ નકલી ઈડીની ટીમના કોઈ સભ્યે જ શૂટ કર્યો છે. જો કે, આ બોગસ દરોડામાં રૂ. 25.25 લાખની છેતરપિંડી કરનાર 13માંથી 12 આરોપી હાલ તો હવાલાતની હવા ખાઈ રહ્યા છે. ઝડપાયેલા તમામ આરોપીઓ 11 દિવસના રિમાન્ડ પર
અમદાવાદની એક મહિલા સહિત ઝડપાયેલા 12 આરોપીઓને આજે ગાંધીધામની સેસન્સ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસે માંગેલા 14 દિવસના રિમાન્ડ સામે 11 દિવસના રિમાન્ડ નામદાર કોર્ટે મંજૂર કર્યા હતા. કોર્ટ પ્રક્રિયા બાદ 11 પુરુષ આરોપીઓને ઘટનાસ્થળે લઈ જવાયા હતા, જ્યાં ગાંધીધામ એ ડિવિઝન પોલીસના ચુસ્ત બંદોબસ્ત હેઠળ આરોપીઓનું રિ કન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ઘટનાક્રમનું રિ કન્ટ્રક્શન કરવામાં આવ્યું
આ અંગે અંજાર વિસ્તારના નાયબ પોલીસ વડા મૂકેશ ચૌધરીએ જણાવ્યું કે, પકડાયેલા તમામ 12 આરોપીઓને આજે રિમાન્ડ અર્થે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. ત્યારબાદ ઘટનાક્રમનું આરોપીઓ સાથે ડેમો ટ્રેશન કરાયું હતું. આ પણ વાંચો- સ્પે.-13: IT રેડ પડી ને નકલી EDનો પ્લાન ઘડ્યો:15 દિવસ પહેલાં 13 ભેજાંબાજની ટીમ બની, ગાંધીધામના જ્વેલર્સને ટાર્ગેટ બનાવી 25 લાખનાં સોનાનાં બ્રેસ્લેટ-બિસ્કિટ ઉઠાવ્યાં શું છે સમગ્ર મામલો?
અત્રે મહત્વનું છે કે, નકલી ઈડી મામલે અમદાવાદની રેલવે ડીઆરએમ ઓફિસમાં ટ્રાન્સલેટરની ફરજ નિભાવતા એક શખ્સે પોતાનું ખોટુ ઈડીનું આઈડી કાર્ડ બનાવીને 13 લોકોની ટીમ બનાવી અલગ અલગ કામ સોંપીને ગાંધીધામની એક જવેલર્સને ત્યાં દરોડો પાડવાનું તરકટ કરી મહિલા આરોપીએ જવેલર્સ પેઢીના માલીકોનું ધ્યાન ચુકવીને 1 સોનાનું બિસ્કીટ, 6 સોનાના લેડીઝ બ્રેસલેટ પોતાના બેગમાં સરકાવી દીધા હતા. ત્યારબાદ આ લોકો ત્યાંથી ફરાર થઇ ગયા હતા. પરંતુ તેમણે કરેલી કેટલીક ભુલોથી તેમની સાચી ઓળખ છતી થઈ ગઈ હતી. બે દિવસની મહેનત બાદ પુર્વ કચ્છ પોલીસની એલસીબી અને એ ડિવીઝન પોલીસે નકલી ઇડી ટીમના 13માંથી 12 આરોપીને ઝડપી પાડયા હતા. ઝડપાયેલા આરોપીઓને નામ.અધિક ચીફ જયુ. મેજી. કોર્ટ ગાંધીધામ ખાતે આજરોજ 14 દિવસના રીમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં કોર્ટે સરકારી વકીલ બીએચ પટેલની રજુઆતોને ધ્યાને રાખીને આરોપીઓના 11 દિવસના રીમાન્ડ મંજૂર કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓનાં નામ
(1) ભરતભાઈ શાંતિલાલ મોરવાડિયા, ગાંધીધામ
(2) દેવાયત વિસુભાઈ ખાચર, અંજાર
(3) અબ્દુલસતાર ઈશાક માંજોઠી, ભુજ
(4) હિતેશભાઈ ચત્રભુજ ઠક્કર, ભુજ
(5) વિનોદ રમેશભાઈ ચૂડાસમા, ભુજ
( 6) ઇયુઝીન અગસ્ટીન ડેવિડ, અંજાર
(7) આશિષ રાજેશભાઈ મિશ્રા, અમદાવાદ
(8) ચન્દ્રરાજ મોહનભાઈ નાયર, અમદાવાદ
(9) અજય જગન્નાથ દુબે, અમદાવાદ
(10) અમિત કિશોરભાઈ મહેતા, અમદાવાદ
(11) શૈલેન્દ્ર અનિલકુમાર દેસાઈ, અમદાવાદ
(12 ) નિશા વા/ઓ અમિત કિશોરભાઈ મહેતા, અમદાવાદ
આરોપીઓ પાસેથી શું શું જપ્ત કર્યું?
આ કેસમાં પોલીસે 100 ગ્રામ વજનનું રૂ. 7.80 લાખનું સોનાનું બિસ્કિટ, સોનાનાં લેડીઝ બ્રેસ્લેટ નંગ-6 રૂ. 14 લાખ 47 હજાર, EDનું નકલી આઈકાર્ડ, 2.25 લાખના 13 મોબાઈલ ફોન. રૂ.7.50 લાખની મહિન્દ્રા XUV500 કાર નંબર GJ-01-RL-8025, રૂ.8 લાખની મહિન્દ્રા બોલેરો નિયો, કાર નંબર GJ-12-FB-5251, રૂ 5 લાખની રેનોલ્ડ ડસ્ટર રજિ.નં- GJ-12-BR-8081, રૂ. 50 હજારની હોન્ડા એક્ટિવા રજિ.નં- GJ-12-DD-3776 મળી કુલ .રૂ. 45.82 લાખ 206નો મુદ્દામાલ કબજો લીધો હતો. આરોપીનો ગુનાહિત ઈતિહાસ
ભુજનો પત્રકાર અબ્દુલસતાર ઈશાક માંજોઠી વિરુદ્ધ અગાઉ જામનગર જિલ્લાના પંચકોશી પોલીસ સ્ટેશનમાં ખંડણી સાથે હત્યાનો ગુનો તથા ભુજ સિટી પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશનો ગુનો દાખલ થયેલા છે.