તેજસ રાવળ
આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં 2012માં ભરતી કરવામાં આવેલા લેબોરેટરી આસિસ્ટન્ટ અને લેબોરેટરી ટેક્નિશિયન મળી કુલ 94 કર્મચારીઓ કોર્ટના આદેશથી બનાવેલા નવા મેરિટમાં સમાવેશ ન થતા એક જ દિવસે એક સાથે ના કોઈ નોટિસ કે ના કોઈ ખુલાસો માત્ર ઇમેલ કે વોટ્સએપ મારફતે વિભાગમાંથી છૂટા કરી દેવામાં આવ્યા હોવાના લેટર બોમ્બ છોડવામાં આવતા આરોગ્ય વિભાગમાં હલચલ મચી જવા પામી છે.જેમાં સૌથી વધુ વડોદરામાં 24 અને અમદાવાદના 15 કર્મચારી છૂટા કર્યા છે. ઉત્તર ગુજરાતમાંથી પણ પાંચ કર્મચારીઓનો સમાવેશ થાય છે. આરોગ્ય વિભાગ દ્વારા વર્ષ 2012માં લેબોરેટરી ટેક્નિશિયન તથા લેબોરેટરી આસિસ્ટન્ટ વર્ગ 3ની જગ્યાઓ માટે મેરિટ આધારિત ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી. સીધી મેરિટ આધારે પસંદગી હોઈ મેરિટ યાદી બનાવી ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં વધુ મેરિટ હોવા છતાં કેટલાક ઉમેદવારોનો સમાવેશ ના થયો હોઈ બે ઉમેદવારોએ હાઇકોર્ટમાં મેરિટને પડકારતા કોર્ટ દ્વારા મેરિટ યાદી બનાવવામાં ભૂલ હોઈ ફરીથી મેરિટ યાદી બનાવી યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોનો સમાવેશ કરવા માટે આદેશ કરવામાં આવતા કોર્ટના હુકમ અનુસાર આરોગ્ય વિભાગ દ્વારા ફરીથી મેરિટ યાદી બનાવવામાં આવી છે.જેમાં મેરિટમાં સ્થાન ન ધરાવતા પરંતુ અગાઉ નિમણૂક પામેલા 94 કર્મચારીઓને નવા પરિણામ મુજબ મૂળથી જ તેમનો મેરિટ માટેનો હક ના રહેતો હોઈ નોકરીમાં રહેવાનો કોઈ હકક રહેતો ના હોઈ તાત્કાલિક અસરથી આરોગ્ય તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ કમિશનર કચેરી દ્વારા 4 ડિસેમ્બરના રોજથી છૂટા કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.