પાકિસ્તાની નાગરિકો હવે સુરક્ષા મંજૂરી વિના પણ બાંગ્લાદેશમાં પ્રવેશ કરી શકશે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે પાકિસ્તાની નાગરિકો માટે વિઝા માટે અરજી કરતા પહેલા સુરક્ષા મંજૂરીની શરત નાબૂદ કરી છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બાંગ્લાદેશના ગૃહ મંત્રાલયના સુરક્ષા સેવા વિભાગ (SSD)એ વિદેશ મંત્રાલયને આ અંગે માહિતી આપી હતી. 2019થી પાકિસ્તાની નાગરિકોએ બાંગ્લાદેશી વિઝા માટે અરજી કરતા પહેલા SSD પાસેથી નોન-ઓબ્જેક્શન પ્રમાણપત્ર મેળવવું જરૂરી હતું. તે જ સમયે, બાંગ્લાદેશ માટે ભારતીય નાગરિકોને આપવામાં આવતા વિઝાની સંખ્યામાં ઘટાડો થયો છે. ઢાકાએ આ અંગે બાંગ્લાદેશના કોલકાતા મિશનને આદેશ મોકલ્યો છે. ભારત સમજશે કે બાંગ્લાદેશ સાથે સંબંધોને કેવી રીતે આગળ વધારવું બાંગ્લાદેશ અને ભારત વચ્ચેના સંબંધોમાં તણાવ સતત વધી રહ્યો છે. બાંગ્લાદેશના વિદેશ સલાહકાર તૌહીદ હુસૈને પણ આ ફેરફારનો સ્વીકાર કર્યો હતો. તેમણે કહ્યું- 5 ઓગસ્ટ પછી ભારત સાથેના સંબંધોમાં પરિવર્તન આવ્યું છે અને આ વાસ્તવિકતા છે. હું માનું છું કે બદલાયેલા સંજોગોમાં બાંગ્લાદેશ સાથેના સંબંધોને કેવી રીતે આગળ વધારવું તે ભારત સમજશે. મોહમ્મદ યુનુસની સરકાર પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા માટે સતત પ્રયાસ કરી રહી છે. ગયા મહિને જ પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે સીધું દરિયાઈ જોડાણ શરૂ થયું હતું. ત્યાર બાદ પાકિસ્તાનના કરાચીથી એક માલવાહક જહાજ બંગાળની ખાડી થઈને બાંગ્લાદેશના ચટગાંવ બંદરે પહોંચ્યું. બાંગ્લાદેશી કમિશનમાં તોડફોડના કેસમાં 7ની ધરપકડ
ગુરુવારે યુનુસ સરકારે કોલકાતા અને ત્રિપુરાથી પોતાના 2 રાજદ્વારીઓને પાછા બોલાવ્યા છે. 2 ડિસેમ્બરે અગરતલામાં બાંગ્લાદેશના ડેપ્યુટી હાઈ કમિશનમાં તોડફોડની ઘટનાને કારણે આ કાર્યવાહી કરવામાં આવી છે. બંને દેશો વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે બાંગ્લાદેશ સરકારે ભારતીય રાજદ્વારીને પણ બોલાવ્યા હતા. બાંગ્લાદેશ મિશનમાં તોડફોડની ઘટનામાં સંડોવાયેલા સાત લોકોની ત્રિપુરા પોલીસે સુઓમોટોએ કેસ નોંધ્યો હતો અને ધરપકડ કરી હતી.