બોલિવૂડ સિંગર અભિજીત ભટ્ટાચાર્યએ સુપરસ્ટાર શાહરુખ ખાનના ઘણાં આઇકોનિક ગીતોને પોતાનો અવાજ આપ્યો છે. તેણે 1990 અને 2000ના દાયકામાં કિંગ ખાન માટે ઘણા હિટ ગીતો ગાયાં છે. જેમાં ‘તૌબા તુમ્હારે ઈશારે’ અને ‘વો લડકી જો સબ સે અલગ હૈ’નો સમાવેશ થાય છે. તાજેતરમાં જ અભિજીત ભટ્ટાચાર્યએ કિંગ ખાન સાથેના તેના વણસેલાં સંબંધો વિશે ખૂલીને વાત કરી હતી. તેણે કહ્યું કે સમસ્યાઓ ત્યારે શરૂ થઈ જ્યારે તેમને લાગ્યું કે તેમના કામને યોગ્ય ક્રેડિટ આપવામાં આવી રહી નથી. ન્યૂઝ એજન્સી ANI સાથેની વાતચીત દરમિયાન અભિજીત ભટ્ટાચાર્યએ જણાવ્યું કે શા માટે તેણે શાહરુખ ખાન માટે ગાવાનું બંધ કર્યું. તેણે કહ્યું, ‘જ્યારે સ્વાભિમાનને ઠેસ પહોંચે છે, ત્યારે એવું લાગે છે કે બસ બહુ થઈ ગયું. હું તેના (શાહરુખ ખાન) માટે ગાતો નહોતો. હું મારા કામ માટે ગાતો હતો, પરંતુ જ્યારે મેં જોયું કે તે સેટ પર ચા પીરસનારાને સન્માન આપી રહ્યો હતો પરંતુ સિંગરને નહીં, ત્યારે મને લાગ્યું કે હું તેનો અવાજ કેમ બનું?’ શાહરુખ માટે ગાવાની ના પાડી
તેણે આગળ કહ્યું, ‘સૌથી ખરાબ વાત એ છે કે મારી સાથેના ગાયકો, જેમણે તે ફિલ્મોમાં કામ કર્યું હતું. તે મારી પાસે આવ્યા અને કહ્યું દાદા આ ખોટું છે. મેં તેમને કહ્યું કે તમે બધા ગાવાનું પણ બંધ કરો. હું જોઈશ કે આગળ શું થાય છે. આવું માત્ર એક જ વાર નહીં પરંતુ બે ફિલ્મોમાં થયું. મેં તેમને કહ્યું કે જાવ અને ફરાહ (ખાન) સાથે વાત કરો. કહો કે જ્યાં સુધી તમે અમને ક્રેડિટ નહીં આપો ત્યાં સુધી અમે ફિલ્મ માટે ગીત નહીં ગાઈએ. તેમણે કહ્યું કે ‘તું ફરાહ સાથે જઈને વાત કર’. મેં કહ્યું કે હું ફરાહને કેમ કહું, હું શાહરૂખ ખાનને સીધો કહીશ. જ્યાં સુધી તમે અમને ક્રેડિટ નહીં આપો ત્યાં સુધી હું તમારા માટે ગીત નહીં ગાઉં.’ અભિજીત અપમાનિત થયાનું અનુભવે છે
અભિજીત ભટ્ટાચાર્યએ વધુમાં કહ્યું, ‘તે મને ખટકે છે, જ્યારે મારા પરિવારના જુએ છે ત્યારે હું અપમાનિત અનુભવું છું. સારું નથી લાગતું. આ બધું મારામાં ધુંધવાઈ રહ્યું છે,મેં કહ્યું કે હું નહીં ગાઉં.’ જોકે, તેણે કહ્યું કે તેના મનમાં કોઈ નારાજગી નથી. એવું નથી કે તેનો અને શાહરુખનો સંબંધ તૂટી ગયો છે. બંનેનો પોતપોતાનોનો અહંકાર છે
સિંગરે કહ્યું, ‘શાહરુખ ખાન એટલો મોટો સ્ટાર બની ગયો છે કે તે હવે માત્ર એક માણસ નથી રહ્યો. કદાચ તે પોતે પણ નથી જાણતો કે તે કઈ કક્ષાએ પહોંચી ગયો છે, તો પછી હું તેની પાસેથી કંઈ અપેક્ષા શા માટે રાખું? હું હજુ પણ એ જ વ્યક્તિ છું જે પહેલા હતો. હું મારી રીતે આગળ વધી રહ્યો છું. હું તેના કરતા 5-6 વર્ષ મોટો છું. કોઈએ માફી માંગવાની જરૂર નહોતી. અમારા બંનેને પોતપોતાનો ઈગો છે. અમારા જન્મદિવસમાં માત્ર એક જ દિવસનો તફાવત છે. મને તેના કે તેના સપોર્ટની જરૂર નથી.’