રાજકોટની મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિની વિદ્યા હરિરામ શર્માએ સાઉથ-વેસ્ટ ઝોન ઇન્ટર યુનિવર્સિટી વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024-25માં વેઇટ લિફ્ટિંગ મહિલા વર્ગમાં સિલ્વર મેડલ જીત્યો છે. આ સ્પર્ધાનું આયોજન આંધ્રપ્રદેશની આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટી ખાતે 26થી 30 નવેમ્બર દરમિયાન કરવામાં આવ્યું હતુ. ટોટલ 171 કિ.ગ્રા. વજન ઊંચકી વિદ્યાએ સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો હતો. હવે આ ખેલાડી હિમાચલ પ્રદેશની સેન્ટ્રલ યુનિવર્સિટી ઑફ ધર્મશાલા ખાતે ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં ભાગ લેવા માટે જશે. વિદ્યા શર્મા મૂળ સુરતની વતની છે. મેં 55 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં ભાગ લીધો હતોઃ વિદ્યા શર્મા
મારવાડી યુનિવર્સિટીની સ્પોર્ટ્સ ક્વોટાની વિદ્યાર્થિની વિદ્યા શર્માએ જણાવ્યું હતુ કે, તાજેતરમાં જ આંધ્રપ્રદેશની આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટીમાં ઇન્ટર યુનિવર્સિટી વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ 2024-25 યોજવામાં આવી હતી. જેમાં મેં 55 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં ભાગ લીધો હતો. જેમાં ટોટલ 171 કિલોગ્રામ વજન ઊંચકી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થિની મૂળ સુરતની છે અને દરરોજ તનતોડ પ્રેક્ટિસને કારણે વેઇટ લિફ્ટિંગમાં સાઉથ વેસ્ટ ઝોન સુધી પહોંચી શકી છે. તેમાં પણ ખૂબ જ સારું પ્રદર્શન કરી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી સુધી પહોંચવાનું બહુમાન પ્રાપ્ત કર્યુ છે, જે રાજકોટની યુનિવર્સિટી માટે ગૌરવરૂપ બાબત છે. આયુષી ગજ્જર છઠ્ઠા ક્રમે રહી
વિદ્યાએ કુલ 171 કિ.ગ્રા. (77 કિ.ગ્રા. સ્નેચ+94 કિગ્રા ક્લીન એન્ડ જર્ક) વજન ઊંચક્યું હતુ. જેમાં તેણીની રમત પ્રત્યેની શક્તિ અને સમર્પણનું પ્રદર્શન હતુ. આ યુનિવર્સિટીની અન્ય વિદ્યાર્થિની આયુષી ગજ્જર પણ છઠ્ઠા ક્રમે રહી હતી અને બંને સ્ટુડન્ટ ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી વેઈટ લિફ્ટિંગ સ્પર્ધા માટે ક્વોલિફાઈ થઈ છે. મારવાડી યુનિવર્સિટીના ટ્રસ્ટી ધ્રુવ મારવાડી અને મારવાડી યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા વિદ્યા અને આયુષીને તેમની સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતાં. તેમના કોચ સારથી ભંડારીને ભાવિ સ્પર્ધા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સ્પર્ધા 26થી 30 નવેમ્બર દરમિયાન યોજાઇ હતી
ઉલ્લેખનિય છે કે, વેઇટ લિફ્ટિંગ બહેનોની વેસ્ટ સાઉથ ઝોન સ્પર્ધા આંધ્રપ્રદેશની આચાર્ય નાગાર્જુન યુનિવર્સિટી ખાતે તારીખ 26થી 30 નવેમ્બર દરમિયાન યોજાઇ હતી. જેમાં 200થી વધારે યુનિવર્સિટીમાંથી 1000થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું ગૌરવ વધે એવું પર્ફોર્મન્સ કુંડલીયા કોલેજની 3 ખેલાડીનુ હતુ. જેઓ ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં રમવા માટે ક્વોલિફાઇડ થઈ છે. જેમાં -71 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં પરમાર નયના કેશુભાઈ, -76 કિલોગ્રામ વરાણ ખુશી હેમંતભાઈ અને -87 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં પ્રસાદ પૂજા શ્રીકાંતભાઈએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટી માટે પસંદગી પામી છે. જોકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની એક પણ ખેલાડી મેડલ પ્રાપ્ત કરી શકી નથી.