ગુજરાતના 1200 લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડો. રસેશ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે. આ શખસે 1200 લોકોને નકલી ડોક્ટર બનાવીને માત્ર ગુજરાતના લોકોના જીવ જ જોખમમાં નથી મૂકી દીધા છે, સાથે પોતે પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અત્યારસુધીમાં ડો. રસેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા છે, જેમાં સૌથી ગંભીર કેસ એક સગીરાના ગર્ભપાતનો છે. આ કેસમાં ડો. રસેશ જેલ પણ જઈ ચૂક્યો છે. સુરતની પાંડેસરા પોલીસે તેમના વિસ્તારના બોગસ ડોક્ટરોની ક્લિનિક પર મોટેપાયે કાર્યવાહી કરી છે. શ્રમિક વિસ્તારમાં ક્લિનિક શરૂ કરીને નિર્દોષ ગરીબ લોકોની સારવારના નામે ખોટો ઉપચાર કરીને તેમનો જીવ જોખમમાં મૂકનારા આ નકલી ડોક્ટરો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે. આ કેસમાં મુખ્ય આરોપી સહિત 13 નકલી ડોક્ટરની ધરપકડ કરવામાં આવી છે. મુન્નાભાઈ MBBS બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલ ડો. રસેશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું સામે આવ્યું છે. રસેશ ગુજરાતીની નિમણૂક 2019માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે કરાઈ હતી. ગુજરાત ડોક્ટરના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા ડો. રસેશ ગુજરાતીને આ પદ સોંપવામાં આવ્યું હતું. નિમણૂક સમયે ડો. રસેશ સામે એકપણ ગુનો નોંધાયેલો નહોતો: ડૉ. હેમાંગ વસાવડા
ગુજરાતના ડોક્ટર સેલના ચેરમેન ડૉ. હેમાંગ વસાવડાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ડો. રસેશ ગુજરાતીને વર્ષ 2019માં સુરત ડોક્ટર શહેરના ચેરમેન બનાવવામાં આવ્યા હતાં, પરંતુ ત્યારબાદથી તેઓ નિષ્ક્રિય છે. તેમની નિમણૂક થઈ ત્યારે ડો. રસેશ સામે એકપણ પ્રકારનો ગુનો નોંધાયેલો નહોતો. તેમની નિમણૂક જમીન ભલામણથી થઈ છે, તેઓ પણ હવે કોંગ્રેસમાં નથી. મારો સવાલ એ છે કે, વર્ષ 2002થી બોગસ ડોક્ટરની ટોળકી બનાવવાનું કામ ચાલતું હતું તો અત્યાર સુધી રાજ્યનું આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર શું કરતું હતું? આરોપી કોઈ પણ રાજકીય પક્ષનો હોય, પરંતુ તેને ગુનો આચર્યો હોય તો તેની સામે કડક પગલાં લેવા જોઈએ. ‘વર્ષોથી ભાજપની સરકાર સત્તા પર છે, તો કોંગ્રેસ કેવી રીતે છાવરી શકે’
આ સાથે જ કોંગ્રેસ પક્ષ આ પ્રકારના લોકોને છાવરે છે, એવું પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વર્ષોથી ભાજપની સરકાર સત્તા પર છે તો કોંગ્રેસ કેવી રીતે છાવરી શકે. અગાઉ ડ્રગ્સ અને રેપ જેવા ગંભીર ગુનાઓમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓને કાર્યકર્તાઓ ઝડપાયા છે. તો શું એમ કહેવાનું કે ભાજપ તેને છાવરતો હતો? આ પ્રકારનો ગંભીર ગુનો આચરતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારા સામે કોર્ટમાં ઠોસ ડોક્યુમેન્ટ સાથેના પુરાવાઓ રજૂ કરવા જોઈએ કે, જેથી આરોપી લાંબો સમય સુધી જેલમાં જ રહે. ડો. રસેશની પૂછપરછમાં 2017નો ગંભીર કેસ ખૂલ્યો
જ્યારે પોલીસે આરોપી ડો. રસેશ ગુજરાતીની પૂછપરછ શરૂ કરી ત્યારે 2017ના ગંભીર કેસ વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ હતી. તેણે 17 વર્ષની નાબાલિક સગીરાનું ગર્ભપાત કરાવ્યો હતો, જે માટે તે જેલ પણ ગયો હતો. નિયમ અને કાયદા વિરુદ્ધ જઈને તેને એક સગીરાનો ગર્ભપાત કરાવ્યો હતો. જેલથી બહાર આવ્યા બાદ પણ રસેશ સતત ગેરકાયદે પ્રવૃત્તિમાં સંકળાયેલો રહ્યો હતો. ગેરકાયદે ગર્ભપાત કરાવનાર અને પોતાને ડોક્ટર તરીકે રજૂ કરનાર ડો. રસેશ હાલ પાંડેસરા પોલીસના સકંજામાં છે. સુરતના પાંડેસરા પોલીસ સ્ટેશનમાં રસેશ ગુજરાતીને લઈને બે કેસ નોંધાયા છે. ડો. રસેશ વિરુદ્ધ છેલ્લા 24 કલાકમાં બે નવા કેસ નોંધાયા છે. જેમને ડિગ્રી આપી તેમને જ બ્લેકમેલ કરતા
ફરિયાદી વિજય યાદવે જણાવ્યું હતું કે જ્યારે તેને આ ડિગ્રી આપવામાં આવી ત્યારે તેને કોઈપણ રીતે ઉપયોગ કરી શકવાની ખાતરી આપવામાં આવી હતી. પછી તેને ખબર પડી કે આ ડિગ્રી તો નકલી છે. જ્યારે તેની પાસે વારંવાર પૈસા માગવામાં આવ્યા અને તેણે આપવાનો ઇનકાર કરી દેતાં આરોપીઓ ડો. રસેશ, ડો. રાવત અને શોભિતસિંહ દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી. જે રેન્યૂલ ચાર્જ ન આપે તેને નોટિસ પાઠવી ભયભીત કરાતા
રસેશ ગુજરાતીએ નકલી વેબસાઇટ શરૂ કરીને ગુજરાતમાં 1200 લોકોને નકલી ડિગ્રી આપી હતી. પ્રત્યેક વ્યક્તિ પાસેથી રૂ.70,000થી રૂ.80,000 વસૂલવામાં આવ્યા હતા. કોઈ તાલીમ કે દવાઓના જ્ઞાન વિના માત્ર 10 દિવસમાં સર્ટિફિકેટ આપીને લોકોને ઠગવામાં આવતા હતા. તે માત્ર નકલી ડિગ્રી જ આપતો નહોતો, પરંતુ ત્યાર બાદ રજિસ્ટ્રેશન અને રિન્યૂઅલના નામે દર મહિને રૂ 5,000 અને વર્ષમાં એક વખત રૂ 5,000 વસૂલી લેતો હતો. જે લોકો આ ફી આપતા ન હતા તેમને બ્લેકમેલ કરવા માટે તેણે એક વ્યૂહ રચેલો હતો. અમદાવાદમાં રહેતા ડૉ. બી. કે. રાવતના નામે નોટિસ મોકલાવીને તે ડર પેદા કરતો હતો. એ માટે તેણે ઇરફાન અને તાજેતરમાં ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપાયેલા નકલી ડોક્ટર શોભિત સિંહને વસૂલી માટે રાખ્યા હતા. રસેશ વિરુદ્ધ અત્યારસુધીમાં ત્રણ કેસ નોંધાયા છે. વિગતવાર વાંચવા માટે ક્લિક કરો…. સુરતમાં મેડિકલની બોગસ ડિગ્રીનો 32 વર્ષથી ચાલતો ખેલ જામીન માટે ડ્રગ્સ-માફિયાની પણ મદદ કરી
ડો. રસેશ માટે 1200 નકલી ડોક્ટર પાસેથી નાણાંની વસૂલાત કરનાર શોભિતસિંહને બે દિવસ પહેલાં જ સુરત ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે. તેની પાસે પણ આ જ પ્રકારની ડોક્ટરની નકલી ડિગ્રી હતી. વસૂલાત સાથે તે ગંભીર પ્રકારના ગુનાઓને પણ અંજામ આપતો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે 2020માં મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે પકડાયેલા આરોપી આદિલ નૂરાની અને તેના સાગરીતોનું નવું ગુનાહિત કૌભાંડ બહાર પાડ્યું છે. આદિલે લાજપોર જેલમાંથી વચગાળાના જામીન મેળવવા ખોટાં મેડિકલ સર્ટિફિકેટ રજૂ કર્યાં હતાં. આ સર્ટિફિકેટ ખોટી રીતે ક્રિષ્ણા જનરલ એન્ડ ટ્રોમા હોસ્પિટલના નરલી ડોક્ટર શોભિતસિંહ ઠાકુરે બનાવ્યાં હતાં, જેની પાસે તબીબી પ્રેક્ટિસની માન્ય ડિગ્રી નથી. દસ્તાવેજોમાં ડૉ. દિલીપ તડવીના નામના ખોટા સહી-સિક્કા કરી સુરત ક્રાઈમ બ્રાંચને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે ગુનો નોંધી ડૉ. શોભિતસિંહને ધરપકડ કરવામાં આવી છે. આ પણ વાંચો: સુરતની નકલી હોસ્પિ.માં ડોક્ટર પણ નકલી ચાર ઇન્જેક્શન આપ્યાં બાદ બાળકીનું મોત
રસેશ સાથે કુલ 13 જેટલા બોગસ ડોક્ટરોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક ડોક્ટર એવો છે, જેની ભેસ્તાન પોલીસે ફેબ્રુઆરી માસમાં ધરપકડ કરી હતી. ભેસ્તાનના વિશાલનગરમાં રહેતી સવા વર્ષીય ફાતિમા શેખને ગત 15 ફેબ્રુઆરીએ રમતાં-રમતાં ડાબા પગમાં ઇજા થવા પામી હતી. તેને પરિવારજનોએ સારવાર માટે રેહાના ક્લિનિકના ડૉ. શમીમ અંસારી પાસે લઈ ગયા. ડૉક્ટરે ચાર ઇન્જેક્શન આપ્યાં બાદ બાળકીની તબિયત વધુ બગડતાં તેને નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી. આ બાળકીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં બોગસ ઇન્જેક્શનને કારણે મોત નીપજ્યાનું સામે આવ્યું હતુ. એ બાદ તપાસમાં જાણવા મળ્યું કે ડૉ. શમીમ પાસે હોમિયોપેથીનું સર્ટિફિકેટ હતું છતાં તે બોગસ પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ભેસ્તાન પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ગતરોજ (5 ડિસેમ્બર) ઝડપાયેલા 13 બોગસ ડોક્ટરમાં તે પણ સામેલ હતો. અલગ-અલગ કલમ હેઠળ ફરિયાદ: DCP
આ મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે આ શખસોએ છેતરપિંડી કરવા માટે આખી યોજનાબદ્ધ રીતે આ કામ કર્યું છે. પ્રથમ એફઆઇઆર આઇપીસી કલમ 384 અને 420 હેઠળ નોંધવામાં આવી છે, સાથે જ મેડિકલ પ્રેક્ટિશનર અધિનિયમ હેઠળ પણ કલમો લગાવવામાં આવી છે. યાદવ નામના ફરિયાદીએ જ્યાં રિપોર્ટ નોંધાવ્યો છે ત્યાં જાનથી મારી નાખવાની ધમકી અને ખંડણી જેવા કેસ દાખલ કરાયા છે. રસેશ અને બી. કે. રાવતના આ ચિકિત્સા પદ્ધતિ સાથે કોઈ સંબંધ ન હોય, પરંતુ તેઓ ડિગ્રી આપ્યા પછી રિન્યૂઅલના નામે લોકો પાસેથી પૈસા વસૂલતા હતા. ઝડપાયેલા આરોપીઓ સુરત-અમદાવાદ ઓફિસે પોલીસ-આરોગ્યના અધિકારીઓએ રેડ કરી હતી
પોલીસે બાલાજીકૃપા સોસાયટી, પાલનપુર જકાતનાકા ખાતે રસેશના ઘરે રેડ કરતાં રજિસ્ટ્રેશન ફોર્મ, ડોક્ટરોના રજિસ્ટ્રેશનનું રજિસ્ટર, માર્કશીટ, BEMS ડિગ્રીનું એપ્લિકેશન ફોર્મ, ડો.બી.કે. રાવતે આપેલી નોટિસ, હાઇકોર્ટના ઓર્ડર, આઇકાર્ડ સાથેનાં સર્ટિફિકેટ-7, કોરા સર્ટિફિકેટ-5, સર્ટિફિકેટની ઝેરોક્સ-15થી વધારે, રિન્યૂઅલ ફોર્મ-8 દસ્તાવેજ મળ્યાં હતાં. જ્યારે અમદાવાદ ખાતે ડો. બી. કે. રાવતની ઓફિસમાંથી ખાલી ડિગ્રી નંગ 10, તૈયાર ડિગ્રી 30, એપ્લિકેશન ફોર્મ 160, આઇકાર્ડ નંગ 12, વેબસાઇટમાં રજિસ્ટર્ડ ડિગ્રીધારક 1250 જેટલા, ઓફિસમાંથી મળેલા રજિસ્ટરમાં રજિસ્ટ્રેશન થયેલા ડોકટર 1630 જેટલા તથા અન્ય દસ્તાવેજો મળ્યાં હતા. ગોપીપુરાની ક્લિનિકમાં લોકો સારવાર માટે ન આવતાં રસેશ નુકસાનીમાં ચાલતો હતો
રસેશે 2002માં ગોપીપુરા કાજીના મેદાન, રત્ન સાગર સ્કૂલની સામે ‘ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ ટ્રસ્ટ’ની સ્થાપના કરી હતી. આ ટ્રસ્ટના અંડરમાં ‘ગોવિંદપ્રભા આરોગ્ય સંકુલ કોલેજ’ની પણ સ્થાપના કરી હતી. ત્યાર બાદ તેને અનુભવ થયો કે લોકો ઇલેક્ટ્રો હોમિયોપેથીનો પ્રોપર ત્રણ વર્ષ અભ્યાસ કરવામાં રસ ધરાવતા નથી અને ઇલેક્ટ્રો હોમિયોપેથીનો અભ્યાસ અને સારવાર બહુમત મહેનતનું કામ છે અને લોકોમાં પણ ઇલેક્ટ્રો હોમિયોપેથી માટે જાગૃતિ નથી, જેથી લોકો પણ ઇલેક્ટ્રો હોમિયોપેથી પાસે સારવાર કરાવતા નથી અને જેથી તેઓ સતત નુકસાનીમાં ચાલતો હતો.