back to top
Homeગુજરાતકાટમાળમાં રૂ. 75 કરોડનો વાયદો:‘સરસ્વતી સાધના’ની 1.57 લાખ સાઈકલો ભંગારમાં..!

કાટમાળમાં રૂ. 75 કરોડનો વાયદો:‘સરસ્વતી સાધના’ની 1.57 લાખ સાઈકલો ભંગારમાં..!

જૈનુલ અન્સારી (અમદાવાદ), ચન્દ્રસી મહેશ્વરી (ભુજ), લખન દેસાઇ (નખત્રાણા), દીપુભા જાડેજા (રાપર)

ગુજરાતમાં ‘સરસ્વતી સાધના’ યોજના હેઠળ ધોરણ 9ની વિદ્યાર્થિનીઓને પ્રવેશોત્સવ 2023માં કુલ 1.70 લાખ સાઇકલો આપવાની હતી. દોઢ વર્ષ વિત્યા બાદ પણ માત્ર 7% એટલે કે 12 હજાર સાઇકલનું વિતરણ કરવામાં આવ્યું છે. વડોદરા, સુરત સહિત 15 જિલ્લા એવા છે જ્યાં એક પણ વિદ્યાર્થિનીને સાઇકલ આપવામાં નથી. રાજ્ય સરકારની કંપની ‘ગુજરાત રુરલ ઈન્ડસ્ટ્રીઝ માર્કેટિંગ કોર્પોરેશન લિમિટેડ’એ આળસ કરી અને એક વર્ષ મોડો માર્ચ 2024માં 75 કરોડમાં લુધિયાણાની બે કંપનીને ઓર્ડર આપ્યો હતો. બે મહિનામાં સાઇકલો પૂરી પાડવાની હતી. પરંતુ હજી સુધી માત્ર 41 હજાર સાઇકલો જ પ્રાપ્ત થઇ છે અને તેમાં પણ 27 હજાર ખામીયુક્ત સાઇકલ પાછી મોકલી દેવામાં આવી છે. મહેસાણામાં કાટ ખાઇ ગયેલી સાઇકલોનું મજૂરો દ્વારા સમારકામ શરૂ કરાયું છે. કચ્છમાં 46 લાખની 1200થી વધુ સાઇકલ વિતરણ કર્યા વિના પડી રહેતા કાટ ખાઇ રહી છે. છાત્રાલય, આશ્રમશાળામાં રખાયેલી સાઇકલો સાચવવા માટે સ્ટાફને રાત્રિ દરમિયાન ઉજાગરા કરવા પડે છે અને શાળાના મેદાનમાં સાઇકલો હોવાથી બાળકો રમી પણ નથી શકતાં. ઉપરોક્ત યોજના હેઠળ એસસી, એસટી અને ઓબીસી કેટેગરીની વિદ્યાર્થિનીઓને સાઇકલ આપવામાં આવે છે. સામાજિક ન્યાય-અધિકારીતા અને આદિજાતિ વિભાગને 2023-24ના સત્રમાં 1.70 લાખ સાઇકલોની માગ આવી હતી.
મહેસાણામાં કાટવાળી સાઇકલનું સમારકામ
મહેસાણાના સરકારી બક્ષીપંચ છાત્રાલયમાં 6 મહિના પહેલાં 1,776 સાઇકલો મુકાઇ હતી. અત્યાર સુધી 850 સાઇકલનું વિતરણ કરવામાં આવ્યું છે જ્યારે 900થી વધુ સાઇકલો હજી પડી રહી છે. ચોમાસા દરમિયાન સાઇકલો કાટ ખાઇ ગઇ હતી. મજૂરો થકી તેને સુધારવાનું કામ શરૂ થયું છે. સમાજ કલ્યાણ ઇન્ચાર્જ અધિકારી ભારતીબેન ઓઝાએ કહ્યું હતું કે એજન્સીએ છાત્રાલય સંકુલમાં સાઇકલો ઉતારી ફિટિંગ કરેલી છે. સાઇકલ વપરાશલાયક છે કે નહીં તેના ઇન્સ્પેક્શન પછી જ શાળાઓને વિતરણ કરાય છે. રાજ્યના આ જિલ્લામાં સૌથી વધુ સાઇકલ આપવાની બાકી છે ડાંગ જિલ્લામાં માત્ર 1 સાઇકલ અપાઈ
ડાંગમાં 805 સાઇકલની માગ સામે માત્ર 1 સાઇકલ આપવામાં આવી છે જ્યારે બોટાદમાં 1490 સામે 13 સાઇકલ અપાઇ છે. ભરૂચ, છોટાઉદેપુર, દાહોદ , દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, મહિસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર, સાબરકાંઠા, સુરત, તાપી, વડોદરા અને વલસાડમાં 70 હજારથી વધુ સાઇકલ આપવાની હતી પણ એકપણ અપાઈ નથી. એજન્સીએ સાઇકલ આપવામાં વિલંબ કર્યો સમાજ કલ્યાણ વિભાગના અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે સાઇકલ પૂરી પાડતી એજન્સીએ સાઇકલ આપવામાં વિલંબ કર્યો હતો. બાદમાં તેની ગુણવત્તા તપાસવામાં આવી હતી. જેના કારણે વધુ વિલંબ થયો અને હવે 25 નવેમ્બર સુધીમાં સાઇકલ વિદ્યાર્થિનીઓને મળી જાય તેવા પ્રયાસો કરવામાં આવશે. બાળકો મેદાનમાં રમી શકતાં નથી
કચ્છમાં અંજાર આશ્રમશાળા, નચિકેતા કુમાર અને નખત્રાણા છાત્રાલય, વલ્લભપુર પ્રાથમિક શાળા ખાતે 46 લાખની 1200થી વધુ સાઇકલ કાટ ખાઇ રહી છે. સાઇકલો શાળાના મેદાનમાં રખાતાં બાળકો રમત-ગમતનાં મેદાનમાં પણ રમતો રમી શકતાં નથી. સાઇકલો લાભાર્થીઓને આપવાની હતી પણ વિતરણ અટકી ગયું છે. એમડીએ મંત્રી સાથે વાત કરવા કહ્યું
દિવ્ય ભાસ્કરે ગુજરાત રુરલ ઇન્ડસ્ટ્રી માર્કેટિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર એ.કે.પ્રજાપતિ સાથે સાઇકલ વિતરણમાં બેદરકારી મુદ્દે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે વાત કરવાની ના પાડી હતી. સાથે જ તેમણે આ મુદ્દે રાજ્યના સમાજ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયા સાથે વાત કરવી જોઈએ એવું સૂચન કર્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments