અમેરિકામાં વોલમાર્ટની વેબસાઇટ પર ભગવાન શ્રીગણેશજીની તસવીરને આપત્તિજનક ઉત્પાદનો પર પ્રિન્ટ કરીને વેચવા પર વિવાદ થઈ ગયો હતો. ત્યાં હિન્દુ સમુદાયના લોકોએ વાંધો ઉઠાવ્યો છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને ધાર્મિક ભાવનાઓનું અપમાન કરવાનો આરોપ લગાવતાં વોલમાર્ટને આ ઉત્પાદનોના વેચાણ પર તરત જ પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. તેમણે વોલમાર્ટને લેટર લખીને હિન્દુ ભગવાન શ્રીગણેશજીની તસવીરનો ઉપયોગ અયોગ્ય અને અપમાનજનક રીતે કરવામાં આવ્યો છે એવું જણાવ્યું છે. વોલમાર્ટે પણ આ અંગે કાર્યવાહીનું આશ્વાસન આપ્યું છે. ચપ્પલ અને સ્વિમસૂટ પર ગણેશજીની પ્રિન્ટ
હિન્દુ અમેરિકી ફાઉન્ડેશનના સભ્ય પ્રેમ કુમાર રાજના જણાવ્યા પ્રમાણે, વોલમાર્ટ હિન્દુ દેવતા ભગવાન શ્રી ગણેશજીની તસવીરનો ઉપયોગ ચપ્પલ અને સ્વિમસૂટ પર કરી રહ્યું છે અને
એને પોતાની વેબસાઈટ પર વેચી રહ્યું છે. વેબસાઇટ પર આ આઇટમ્સ ચેપ્સ (Chaps)નામની કંપની વેચી રહી છે. તેમણે વોલમાર્ટ પાસે માફીની માગ કરી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ વસ્તુઓનું વેચાણ તરત જ બંધ થવું જોઈએ. તેમણે કહ્યું હતું કે ભગવાન ગણેશને દુનિયાભરમાં એક અબજથી વધારે શ્રદ્ધાળુઓ દ્વારા ‘વિઘ્નહર્તા’ તરીકે પૂજવામાં આવે છે. તેમણે આ પ્રકારના ચપ્પલો અને સ્વિમસૂટ પર ઉપયોગ ધાર્મિક ભાવનાઓને નુકસાન કરે છે. ફાઉન્ડેશને એમ પણ કહ્યું છે કે જો હિંદુ પ્રતીકોની છબિનો બિઝનેસ માટે ઉપયોગ કરવો હોય તો ફાઉન્ડેશન આ માટે વાતચીત કરવા અને માર્ગદર્શિકા શેર કરવા તૈયાર છે. પ્રોડક્ટ અંગે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને પણ ઉત્પાદનોનું વેચાણ રોકવા માટે વોલમાર્ટનો સંપર્ક કર્યો હતો. આ પછી વોલમાર્ટે પણ પ્રતિક્રિયા આપી અને ખાતરી આપી કે આ અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. વોલમાર્ટ દ્વારા આપવામાં આવેલા જવાબમાં કહેવામાં આવ્યું છે કે- અમે ખરેખર દિલગીર છીએ કે તમે જે ફરિયાદ નોંધાવવા માગો છો એ એક એવું કૃત્ય છે, જે વેચનારની ધાર્મિક લાગણીઓ અને માન્યતાઓને ઠેસ પહોંચાડે છે. અમે સમજીએ છીએ કે તમે અત્યારે કેવું અનુભવી રહ્યા છો, કારણ કે જો અમે તમારી સ્થિતિમાં હોત તો અમને પણ એવું જ લાગ્યું હોત. ચિંતા કરશો નહીં, અમે ટૂંક સમયમાં આ મામલાને ઉકેલવા માટે પગલાં લઈશું.