રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ તેમજ એસીબીના અપ્રમાણસર મિલ્કત કેસમાં જેલવાસ ભોગબી રહેલા રાજકોટ મનપાના ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાની ટેમ્પરરી જામીન અરજી કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવી છે. પિતરાઈ ભાઈના લગ્ન હોવાથી તારીખ 5 ડિસેમ્બરમાં રોજ કરવામાં આવેલ જામીન અરજી અંગે સુનાવણી હાથ ધરી નામદાર કોર્ટ દ્વારા પોલીસ જાપ્તા સાથેના ટેમ્પરરી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. પોલીસ જાપ્તા સાથેના ટેમ્પરરી જામીન મંજૂર કરાયા
પ્રાપ્ત વિગત મુજબ, રાજકોટ મહાનગર પાલિકાના તત્કાલીન ડેપયિતું ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબા દ્વારા ગત તારીખ 05.12.2024ના રોજ ટેમ્પરરી જામીન અરજી કરવામાં આવી હતી જેમાં તેમને કારણમાં તેમના પિતરાઈ ભાઈના લગ્ન હોવાનું કારણ દર્શાવ્યું હતી જે અંગે આજ રોજ નામદાર કોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરી આગામી તારીખ 10 ડિસેમ્બર સવારના 9 વાગ્યાથી 11 ડિસેમ્બર સાંજના 6 વાગ્યા સુધીના પોલીસ જાપ્તા સાથેના ટેમ્પરરી જામીન મંજૂર કરવામાં આવ્યા છે. રેગ્યુલર જામીન અરજી ગઈકાલે સેશન્સ કોર્ટ દ્વારા રદ કરાઈ
અત્રે ઉલ્લેખનીય છે કે, તત્કાલીન ડેપ્યુટી ચીફ ફાયર ઓફીસર ભીખા જીવાભાઈ ઠેબાની રેગ્યુલર જામીન અરજી ગઈકાલે સેશન્સ કોર્ટ દ્વારા રદ કરવામાં આવી છે. જયારે આગામી સપ્તાહમાં તેમના કાકાના દીકરા એટલે કે પિતરાઈ ભાઈના લગ્ન હોવાથી ગોંડલના નાના મહીકા ગામે આ લગ્ન પ્રસંગે હાજરી આપવા ટેમ્પરરી જામીન માંગ્યા હતા જે મંજુર કરવામાં આવ્યા છે. આ ટેમ્પરરી જામીન અરજીના કામે આરોપી ભીખા ઠેબા વતી એડવોકેટ વિજયરાજસિંહ જાડેજા રોકાયેલ છે.