રાજકોટ પોલીસ કમિશનર પાસે રાજકોટ કોંગ્રેસ સમિતિએ ધરણાં માટે મંજૂરી માગી હતી, પરંતુ જિલ્લા પંચાયત ચોકમાં ટ્રાફિકની સમસ્યાને લઇ મંજૂરી ન મળતા આજે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને મંજૂરી વગર ધરણાં કાર્યક્રમ યોજ્યો હતો. જે બાદ પત્રકાર પરિષદ યોજી કોંગી નેતાઓ સરકાર પર વરસ્યાં હતા અને પોલીસ ભાજપ નેતાના ઇશારે કામ કરી મંજૂરી ન આપતી હોવાનું જણાવ્યું હતું, જ્યારે ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ગુજરાતમાં વધતા ગુંડારાજને લઇ સરકારને ફોનની જેમ હેંગ થઈ ગઈ હોવાનું જણાવી ફક્ત જજ નહીં સરકાર અને CMને પણ નકલી ગણાવ્યા હતા. મંજૂરી વગર કોંગ્રેસે ધરણાં કાર્યક્રમ યોજ્યો
એક અઠવાડિયા અગાઉ રાજકોટ કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત અને રાજકોટમાં વધી રહેલા ગુંડારાજને લઈ તેનો વિરોધ કરવા ધરણાં પ્રદર્શન કરવા માટે રાજકોટ પોલીસ કમિશનર જોડે મંજૂરી માંગવામાં આવી હતી. ટ્રાફિકની સમસ્યાને લઈ મંજૂરી ન મળતાં અંતે કોંગ્રેસે આજે મંજૂરી વગર જ કાર્યક્રમ યોજી દીધો હતો અને રસ્તા પર ઉતરી ધરણાં પ્રદર્શન કર્યું હતું. સાથે મંજૂરી ન આપવા બદલ રાજકોટ પોલીસને ભાજપના ઇશારે કામ કરતા ગણાવી હતી. ધરણાં કાર્યક્રમના અંતે રાજકોટ કોંગ્રેસના નેતાઓ અને પૂર્વ કોંગ્રેસ MLA દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ‘રાજ્યમાં ગુંડારાજ જેવી સ્થિતિ જોવા મળી રહી છે’
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ હવે સાવ કથળી છે. શહેરમાં હત્યા સહિત ઘટનાઓ વધતા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવા માટે મંજૂરી માંગવામાં આવી હતી. જોકે ભાજપના ઈશારે કામ કરતી પોલીસે આ મંજૂરી આપી નથી. છતાં જિલ્લા પંચાયત ચોક ખાતે શાંતિપૂર્ણ રીતે વિવિધ બેનરો સાથે વિરોધ કરાયો હતો. રાજકોટ જ નહીં સમગ્ર રાજ્યમાં ગુંડારાજ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક વર્ષથી ભાજપના કારણે રાજ્યમાં અને રાજકોટમાં આખું તંત્ર હેંગ થઈ ગયું છે. રામના નામે મત લઈને ભ્રષ્ટાચારની દુકાન ખોલી છે
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સૌ કોઈ વાકેફ છે. રામના નામે મત લઈને ભ્રષ્ટાચારની દુકાન ખોલવામાં આવી છે. પોલીસની ધાક નથી રહી એટલે નકલી પોલીસ પણ બની રહી છે. તો ખૂન ખરાબા અને ભ્રષ્ટાચારને લઈને સવારથી રાત સુધી ભાજપ માટે પૈસા ભેગા કરવામાં પોલીસ વ્યસ્ત છે. એટલે જ સામાન્ય લોકોની ફરિયાદ લેવામાં આવતી નથી. ત્યારે નાગરિકો પોતાની ફરિયાદ કે તકલીફ ક્યાં લઈને જાય, ગંભીર ગુના બનવા પાછળ આવી સ્થિતિ જવાબદાર છે. પોલીસની નિષ્ક્રિયતાને કારણે ભાજપનાં ગુંડાઓ બેફામ બન્યા
કોંગ્રેસ દ્વારા સરકારને જગાડવા માટે દેખાવ કરવાની મંજૂરી માંગવામાં આવી હતી પણ અમને એ મળી નથી. હાલ પોલીસની નિષ્ક્રિયતાને કારણે ભાજપનાં ગુંડાઓ બેફામ બન્યા છે. ત્યારે લોકોને કહેવું છે કે, જો તમારું કોમ્યુટર કે ફોન હેંગ થઈ જાય તો તમે ચિંતિત થઈ જાવ છો ત્યારે હાલ આખી સરકાર હેંગ થઈ ગઈ છે. માટે જનતા આ સ્થિતિમાં જાગૃતિ બની સરકારને જગાડે તે ખૂબ જરૂરી છે. વિપક્ષ તરીકે અમારું કામ સરકારની નિષ્ક્રિયતા અને નિષ્ફળતા જનતા સામે લાવવાનું છે. જે અમે કરી રહ્યા છીએ. ભાજપની અધિકારીઓ પાસે કાંડા કપાવી લેવા અને ખોટું કામ કરવાની વૃત્તિ છે જેથી અહીં કોઈ આવવા તૈયાર નથી. ‘નકલી જજ નહીં સરકાર અને CM પણ નકલી છે’
હાલ ભાજપનાં રાજમાં રાજકોટમાં ગમે તેવા સારા મ્યુ.કમિશ્નર કે પોલીસ કમિશનર કે કલેક્ટર આવે તેને પણ ભાજપ કહે તેમ કરવું પડે છે તેવું સ્થિતિ બની છે. આખા ગુજરાતમાં બધું જ નકલી પકડાઈ રહ્યું છે. નકલી ઘીથી લઈને નકલી અધિકારીઓ અને બધું જ નકલી પકડાઈ રહ્યું છે. ત્યારે હવે અસલીનો યુગ આથમી ગયો હોય તેવું લાગે છે. નકલી જજ અને હું તો એમ કહું છું કે સરકાર પણ નકલી અને સીએમ પણ નકલી છે. ત્યારે હવે લોકો જાગૃત થાય તે ખૂબ જ જરૂરી છે. તેમજ કોંગ્રેસ સતત પ્રજાને જાગૃત કરવા પ્રયાસ કરતી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. પ્રમોશન સારા મળે માટે અમારી અરજી નામંજૂર કરી
રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ આ તકે જણાવ્યું હતું કે, અમે રાજકોટ પોલીસ કમિશ્નરની પાસે એક સપ્તાહ પહેલા ધરણા માટે મંજૂરી માંગી હતી. પણ જિલ્લા પંચાયત ચોકમાં ટ્રાફિકની સમસ્યા હોવાનું બહાનું આપી અમારી મંજૂરી રદ્દ કરવામાં આવી હતી. હકીકતમાં આવી કોઈ સમસ્યા નથી પણ રાજકોટની પોલીસે ભાજપને સારું લાગે અને તેના પ્રમોશન સારા મળે તે માટે અમારી અરજીને નામંજૂર કરી છે. આ છતાં અમે આજે જિલ્લા પંચાયત ચોકમાં જ વિવિધ બેનરો સાથે દેખાવો કર્યા છે. રાજકોટમાં ગુંડાઓએ માજા મૂકી છે અને ભાજપના રાજમાં ભ્રષ્ટાચારીઓ બેફામ બન્યા છે. કાયદો-વ્યવસ્થા પહેલાની જેમ મજબૂત થાય તેવી માગ
મહિલા કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે, આજે અમે લોકોનો અવાજ બની આવ્યા છીએ. રાજકોટમાં ધોળા દિવસે લુખ્ખા તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. કોઈને પણ છરી મારવી, ગોળી મારવી કે લૂંટ ચલાવવી જેવી ઘટનાઓ સામાન્ય બની રહી છે. ત્યારે ગુજરાતને બિહાર થતું અટકાવવા માટે કોંગ્રેસ દ્વારા આ પહેલ કરવામાં આવી છે. તેમજ કાયદો-વ્યવસ્થા પહેલાની જેમ મજબૂત થાય તેવી માગ પણ અમારા દ્વારા કરવામાં આવી છે. રાજકોટ શહેરની પોલીસ ફરિયાદ પણ લેતી નથી. માત્ર અરજી લઈને જ સંતોષ માને છે. જેના કારણે ઘણા લોકોને અન્યાય થાય છે અને ગુનાખોરી વધી રહી છે. ત્યારે આ મામલે જરૂરી પગલાં લેવાય તેવી અમારી માગ છે.