ભારતીય લગ્નો માત્ર આયોજન નહીં, પરંતુ લાંબા સમય સુધી ચાલતું એક ભવ્ય સેલિબ્રેશન બની ગયાં છે. બોલિવૂડ-સ્ટાઈલના સમારોહ અને ડેસ્ટિનેશન વેડિંગ પર ખાસ ખર્ચ કરવામાં આવે છે. તેથી માતા-પિતા પર વધુ બોજ ન પડે તે માટે યુવાનો હવે બચતના પૈસા વાપરે છે, લોન પણ લઈ રહ્યા છે. દેશનાં 20 શહેરોમાંથી 1,200 મિલેનિયલ્સના સરવેમાં જાણવા મળ્યું છે કે 42% લોકો પોતાનાં લગ્ન માટે પોતે નાણાં એકત્ર કરવાની યોજના બનાવી રહ્યા છે. ઈન્ડિયાલેન્ડ્સના વેડિંગ સ્પેન્ડ્સ રિપોર્ટ 2.0 મુજબ 41% તેમની બચતમાંથી પૈસા ખર્ચ કરવાનો ઇરાદો ધરાવે છે, 26% વ્યક્તિગત લોન લેવાનું વિચારી રહ્યા છે જ્યારે 33% લોકોએ હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. રિપોર્ટ અનુસાર 68% યુવાનો 1 લાખથી 5 લાખ રૂપિયાની લોન લેવાનું વિચારી રહ્યા છે. તેનું કારણ લગ્નના કાર્યક્રમોનો વધતો ખર્ચ છે. વેડિંગ પ્લાનર વેડમિગુડનો અંદાજ છે કે આ વર્ષે લગ્નનું સરેરાશ બજેટ 36.5 લાખ રૂપિયાને પાર પહોંચ્યું છે, જ્યારે ડેસ્ટિનેશન વેડિંગ માટે સરેરાશ 51 લાખ રૂપિયા છે. જે ગયા વર્ષ કરતાં 7% વધુ છે. સ્થળ અને કેટરિંગ ખર્ચમાં પણ 10%નો વધારો થયો છે. આવી સ્થિતિમાં યુવા યુગલો લોન લઈને તેમની ખર્ચ કરવાની ક્ષમતા વધારી રહ્યાં છે. તાજેતરમાં વેડિંગ લોન માટે સમર્પિત ફિટનેક પ્લેટફોર્મ વેડિંગલોન ડોટકોમ લોન્ચ કરાયું છે. જેમાં આઈડીએફસી, તાતા કેપિટલ અને એલએન્ડટી ફાઇનાન્સ પણ તેમાં ભાગીદાર છે. મેટ્રિમોનીડોટકોમના મયંક ઝાનું કહેવું છે કે 25થી 30% પર્સનલ લોન લગ્નો સાથે સંબંધિત છે. છેલ્લાં બે વર્ષમાં તેમની માંગમાં 20%નો વધારો થયો છે. વેડિંગ લોનનું મુખ્ય આકર્ષણ તેમની સુલભતા છે. જેમ કે એક્સિસ બેન્ક સિક્યોરિટી વગર લોન આપે છે. આઈસીઆઈસીઆઈ બેન્ક 50 લાખ રૂપિયા સુધી આપે છે, જ્યારે IDFC બેન્ક 1 કરોડ રૂપિયા સુધી લોન આપે છે. વ્યાજ દરો 10%થી શરૂ થાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, ભારતીયોમાં મહત્ત્વાકાંક્ષા ઝડપથી વધી રહી છે અને તેઓ પ્રાયોગિક ખર્ચને મહત્ત્વ આપે છે. જેમ જેમ અર્થવ્યવસ્થા વધે છે. વેડિંગ ઈન્ડસ્ટ્રીને આ વર્ષે 28% વધુ કમાણીનો અંદાજ
વેલ્થ મેનેજમેન્ટ એક્સપર્ટના મતે આ વેડિંગ સિઝન આ ટ્રેન્ડને પ્રોત્સાહન આપવા જઈ રહી છે. માત્ર નવેમ્બર-ડિસેમ્બરમાં અંદાજિત 48 લાખ લગ્નો થવાની ધારણા છે. ગયા વર્ષની સરખામણીમાં આ 38 લાખ લગ્ન (27%) વધુ છે. આ વર્ષે લગ્ન ઉદ્યોગમાંથી 6 લાખ કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે. 2023માં તે 4.7 લાખ કરોડ રૂપિયા હતી.