સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના પીપળી ગામે બે શખસો દ્વારા એક વ્યક્તિની ઉપર ફાયરિંગ કરાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં પીપળી ગામની પાણીની ટાંકી પાસે અંદાજે બે શખસોએ કારમાં આવી ફાયરિંગ કર્યુ હોવાની ચર્ચા છે. ત્યારે બજાણા પીઆઇ સહિતનો પોલીસ કાફલો તાકીદે પીપળી ગામે દોડી જઈ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયો
સુરેન્દ્રનગર જિલ્લામાં પાછલા કેટલાંક સમયથી ફાયરિંગની ઘટના ચોંકાવનારી રીતે વધવા પામી છે. ત્યારે પાટડી તાલુકાના પીપળી ગામે મોડી સાંજે ફાયરિંગની ઘટના સામે આવી છે. જેમાં પીપળી ગામની પાણીની ટાંકી પાસે અંદાજે બે શખસોએ કારમાં આવી ફાયરિંગ કરતા એક વ્યક્તિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. જેમાં એ વ્યક્તિને લોહીલુહાણ હાલતમાં તાકીદે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ ફાયરિંગની ઘટનામાં મહેમુદખાન મલેક નામનો શખસ ઈજાગ્રસ્ત થયો હોવાનું સામે આવ્યું છે. અંગત અદાવતમાં ફાયરિંગની આશંકા
જ્યારે પાટડી તાલુકાના પીપળી ગામે અજાણ્યા શખસો ફાયરિંગ કરી નાસી છૂટ્યા હતા. જેમાં જૂની કોઈ અંગત અદાવતમાં ફાયરિંગ થયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે પીપળી ગામે ફાયરિંગની ઘટનાના પગલે બજાણા પીઆઇ એ.કે.વાઘેલા સહિતનો પોલીસ કાફલો તાકીદે પીપળી ગામે દોડી જઈ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. હાલમાં પીપળી ગામે કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. હાલ તો બજાણા પોલીસે ફાયરિંગ અંગેનો ગુનો દાખલ કરવાની તજવીજ સાથે ફરાર આરોપીઓને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. હાલમાં બજાણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.