બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર છેલ્લા કેટલાક સમયથી ઘણો સંઘર્ષ કરી રહ્યો છે. તેની ફિલ્મો થિયેટરોમાં એટલો સારો દેખાવ કરી રહી નથી જેટલી તે લોકડાઉન પહેલા કરતી હતી. લોકડાઉન પહેલા એક સમય એવો હતો જ્યારે અક્ષયે સામાજિક સંદેશ આપતી ઘણી ફિલ્મો કરી હતી. હવે તેણે કહ્યું છે કે તેને એવી ફિલ્મો ગમે છે જે આવા સામાજિક સંદેશ આપે છે. તે જાણે છે કે આવી ફિલ્મો બનાવવામાં બિઝનેસ ગુમાવવાનું જોખમ રહેલું છે, તેથી તે આવી ફિલ્મો જાતે બનાવે છે. અક્ષય શા માટે કરે છે સામાજિક સંદેશવાળી ફિલ્મો?
અક્ષયે એ.એન.આઈને આપેલા ઈન્ટરવ્યૂમાં આવી ફિલ્મો વિશે વાત કરતાં તેણે કહ્યું, ‘આ મારી રીત છે સમાજને કંઈક પાછું આપવાની. હું જાણું છું કે જો હું ‘સિંઘ ઈઝ કિંગ’, ‘સૂર્યવંશી’ કે ‘રાઉડી રાઠોડ’ કરીશ… જો હું આવી ફિલ્મો કરીશ તો ત્રણથી ચાર ગણી વધુ કમાણી કરીશ. હું આ સરળતાથી કરી શકું છું.’ સામાજિક સંદેશ સાથેની ફિલ્મો કરવા પર અક્ષયે આગળ કહ્યું, ‘સાચું કહું તો મને ‘એરલિફ્ટ’ કરવામાં મજા આવે છે, મેં ટોયલેટ પર ‘ટોયલેટ એક પ્રેમ કથા’ બનાવી, મેં સેનેટરી પેડ્સ પર ફિલ્મ બનાવી… એવી ઘણી બાબતો છે આપણા સમાજમાં ઘૂસી ગઈ છે . જે એક આદત બની ગઈ છે અને લોકો તેમની આદતને સુધારતા નથી, તેમાં સુધારા કરવાની બાબતને એક નિષેધ કે મનાઈ તરીકે જોવામાં આવે છે. આથી મને ફિલ્મો બનાવવાનું મન થાય છે અને હું તે કરું છું. જ્યારે હું જાણું છું કે મને આટલા પૈસા પણ પાછા મળતા નથી, તો પણ તે બનાવું છું. હું જાણું છું કે આ ફિલ્મો વધુ બિઝનેસ નહીં કરે, પરંતુ તે બિઝનેસ વિશે નથી. માસ્ટરબેશન અને સેક્સ એજ્યુકેશન પર ફિલ્મો બનાવવાની કોઈની હિંમત છે? તમે મને કહો કે કોઈ અભિનેતાએ આવી ફિલ્મો બનાવી છે? અહીં જુઓ કે હોલીવુડમાં જુઓ કોઈ નહીં મળે. ‘મને બાળપણથી જ આ પ્રકારની ફિલ્મો પસંદ છે’
અક્ષયે કહ્યું કે તેને બાળપણથી જ સામાજિક સંદેશ આપતી ફિલ્મોનો શોખ છે. તે હંમેશા આવી ફિલ્મો બનાવવા માંગતો હતો પરંતુ પહેલા તેની પાસે એટલા પૈસા નહોતા. તેથી જ્યારે તેને પૂરતા પૈસા મળ્યા અને તેણે પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું ત્યારે તેણે આવી ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું. અક્ષયની ફિલ્મો વિશે વાત કરીએ તો, તેની છેલ્લી કેટલીક ફિલ્મો નિષ્ફળ ગઈ હોવા છતાં, તેની પાસે નવા પ્રોજેક્ટ્સની કોઈ કમી નથી. અક્ષય 2025માં ‘સ્કાયફોર્સ’, ‘જોલી એલએલબી. 3’ , ‘હાઉસફુલ 5’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.