ગુજરાત સરકાર હંમેશા મહિલાઓ પગભર બને અને આજના યુગમાં કદમ સે કદમ મિલાવી કામકાજ કરે તે હેતુસર અનેક યોજનાઓ લાવી તેમને આત્મનિર્ભર બનાવવામાં આવે છે. ભરૂચ નગરપાલિકામાં નેશનલ અર્બન લાઈવલી હુડ મિશન યોજના હેઠળ સ્વસહાય જૂથ ચલાવવામાં આવી રહ્યા છે. જેમાં સ્વસહાય જૂથની બહેનોને રોજગારી પણ મળી રહે તેવા અભિગમથી ભરૂચ નગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતગર્ત મહિલાઓ પાલિકા હદ વિસ્તારમાં ઘરે ઘરે જઈ ભીનો અને સુકો કચરો અલગ અલગ કરવાની સમજૂતી લોકોને આપી રહ્યા છે. આ અંગે ભરૂચ નગરપાલિકા સેનેટરી ચેરમેન હેમાલી રાણાએ જણાવ્યું હતું કે, સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ભરૂચ નગરપાલિકા દ્વારા 16 મહિલા સ્વસહાય જૂથોમાંથી બે બે મહિલાઓ લઈને કુલ 32 મહિલાઓને પસંદગી કરીને તેઓને શહેરના વિવિધ વિસ્તારોમાં ઘરે ઘરે જઈને ભીનો અને સૂકો કચરો અલગ અલગ કરવાની સમજૂતી લોકોને આપી રહી છે. જે અંતર્ગત મહિલાઓ ની ડોર ટુ ડોરની કામગીરી માટે 16 ટીમ બનાવી તેમને તેનું વળતર પણ ચૂકવવા આવે છે. આ ટીમ પાલિકા હદ વિસ્તારના દરેક વોર્ડમાં ઘરે ઘરે જઈને ભીનો અને સૂકો કચરો અલગ અલગ કરવાની સમજૂતી આપી રહી છે. જયમતાજી સ્વસહાય જૂથના બીના સોદાગરે જણાવ્યું હતું કે, આ કામગીરી તેમના સખી મંડળને સોંપતા તેમના જૂથની મહિલાઓ પગભર બની રહી છે તે ઘણી જ સારી વાત કહેવાય. આનાથી અમારો આત્મવિશ્વાસ પણ વધે છે અને આજના સમયમાં આગળ વધી શકીએ છે. હાલમાં અમે ઘરે ઘરે જઈને લોકોને સૂકો અને ભીનો કચરાની અલગ ડોલ રાખી બંનેને અલગ અલગ નાખવા સમજાવીએ છીએ. આ સાથે જ કચરો ગમે ત્યાં નહિ નાખવા અપીલ પણ કરીએ છે. આ કામગીરી કરતા અમને ઘણી ખૂશી પણ થાય છે. આ મહિલાઓની કામગીરી સ્થાનીક લોકો પણ બિરદાવી સૂકો અને ભીનો કચરો અલગ રાખવા પણ પોતાની તૈયારીઓ બતાવી રહ્યા છે.