સુરતમાં બીઆરટીએસ બસના ડ્રાઈવરો આજે હડતાળ ઉપર ઉતરી ગયા છે. થોડા દિવસો પહેલા એક અકસ્માતમાં મહિલાનું મોત થતાં પોલીસ દ્વારા બસ ડ્રાઈવરને મારમારી સરઘસ કાઢી તેને જેલ હવાલે કરવામાં આવ્યો છે. આ મામલે આજે વેસુ ડેપોના 250 ડ્રાઈવરો હળતાળ ઉપર ઉતર્યા હતાં અને વિરોધ નોંધાવ્યો હતો. તેઓએ જેલમાં બંધ બસ ડ્રાઈવરને તાત્કાલિક મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે. સાથે જ શહેરમાં દારૂ વેંચતા લોકોને પોલીસ કઈ નથી કરી રહી તેવા રોષ સાથે આક્ષેપો કરી ભૂખ હડતાળની ચીમકી ઉચ્ચારી હતી. બસે મહિલાને હડફેટે લેતા મોતને ભેંટી
સુરતના અડાજણ વિસ્તારમાં તારીખ 3 ડિસેમ્બર 2024ના રોજ સવારે એક અકસ્માતની ઘટના બની હતી. શ્રીરામ પેટ્રોલ પંપ પાસે એક મોપેડ ચલાવતી મહિલાને બીઆરટીએસ બસના ડ્રાઈવરે અડફેટે લીધી હતી. જેથી આ અકસ્માતની ઘટનામાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે મૃતક મહિલાના પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જે ફરિયાદના આધારે પોલીસે બસ ડ્રાઇવરની ધરપકડ કરી હતી. પોલીસના સરઘસથી નારાજ ડ્રાઈવરોનો વિરોધ
પોલીસે બસ ડ્રાઇવર લાલજી નાગેશ્રીની તાત્કાલિક જ ધરપકડ કરી તેનું સરઘસ કાઢ્યું હતું. ત્યારે બસ ડ્રાઈવર વિરુદ્ધ કાર્યવાહી થતા આજે બીઆરટીએસ બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતરી ગયા છે. 250 જેટલા ડ્રાઇવરો આજે અચાનક હડતાલ પર ઉતરી જતા બસમાં મુસાફરી કરતા મુસાફરો પરેશાન થયા હતા. દોસનો ટોપલો ડ્રાઇવરો પર ઢોળાય છેઃ મુકેશભાઈ
આ અંગે મુકેશભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું કે , દર વખતે બસ ડ્રાઇવરોનો વાંક હોતો નથી. સીસીટીવીમાં આપણે જોયું છે કે અડાજણ વાળી ઘટનામાં મહિલા બેફામ રીતે અચાનક જ બસ પાસે આવે છે. ચાલુ બસને કઈ રીતે બ્રેક લાગી શકે અને દર વખતે બીઆરટીએસ રૂટમાં નાગરિકો પોતાના વાહનો લઇ આડેધડ રીતે ચલાવતા હોય છે. જેના કારણે ઘણી વખત અકસ્માતની ઘટનાઓ બને છે અને દોસનો ટોપલો ડ્રાઇવરો પર ઢોળાય છે. ‘બસ ડ્રાઇવરોને કોઈપણ જાતની સેફ્ટી મળતી નથી’
અમારી એટલી જ માંગ છે કે, જે પોલીસ કર્મચારીઓએ જે અમારા બસ ડ્રાઈવરને માર માર્યો છે અને તેનું સરઘસ કાઢ્યું છે, તેમને સસ્પેન્ડ કરવામાં આવે. આ સાથે અમારા સુપરવાઇઝર અને ગ્રીન સેલ ડેપો વાળા તમામ અધિકારીઓને પણ સસ્પેન્ડ કરો. કેમ કે, બસ ડ્રાઇવરોને કોઈપણ જાતની સેફ્ટી મળતી નથી. કોઈ પણ વ્યક્તિ અમારા પર ગાળગલોચ કરે છે. ‘માગ નહિ સંતોષાય તો ભૂખ હડતાળ કરીશું’
જ્યારે વાંક અમારો હોતો નથી છતાં પણ અમને ઘણી વખત માર પણ પડ્યો છે. આ વખતે હવે આ સહન થતું નથી. જેથી આ બસ ડ્રાઈવરને જેલમાંથી મુક્ત કરવામાં આવે અને આ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી જ અમારી માંગ છે. જો અમારી માંગ નહીં સંતોષાય તો આવનારા સમયમાં અમે ભૂખ હડતાલ પર ઉતરીશું.