ગાંધીનગરના રાયપુર બ્રિજ નજીક ગઈકાલે ટ્રકના ચાલકે માતેલા સાંઢની માફક પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારી બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક સવાર પિતા પુત્ર ઉછળીને રોડ પર પટકાયા હતા. એજ ઘડીએ ટ્રક નીચે આવી જતાં ગંભીર ઈજાગ્રસ્ત બંનેના ઘટનાસ્થળે કમકમાટીભર્યા મોત નિપજતા ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દહેગામ તાલુકાના વટવા ગામમાં રહેતા ફુલાજી પુંજાજી સોલંકી (ઉ.વ.76 ) તથા તેમના પુત્ર જસાજી ફુલાજી સોલંકી (ઉ.વ.46) ગઈકાલે નરોડા હંસપુરા ખાતે સામાજીક પ્રસંગ લગ્નમાં ગયા હતા. જ્યાં પ્રસંગ પતાવીને બન્ને બાપ દીકરો બાઈક પર પરત ઘરે જવા રવાના થયા હતા. આ દરમિયાન દહેગામથી નરોડા હાઇવે પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે રાયપુર બ્રિજ પાસે માતેલા સાંઢની માફક ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઇકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જાતા બાઈક સવાર પિતા પુત્ર ઉછળીને રોડ પર પટકાયા હતા અને બન્ને જણા ટ્રક નીચે આવી જવાથી ગંભીર રીતે ઘાયલ થયા હતા. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં રાહદારીઓ એકઠા થઈ ગયા હતા. અને બન્નેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે બંનેને મૃત જાહેર કર્યા હતા. આ બનાવ ની જાણ થતાં ડભોડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ વસંતભાઈ પણ દોડી ગયા હતા. અને ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે અકસ્માતમાં કમકમાટીભર્યા પિતા પુત્ર નાં મોત થતાં પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.