back to top
Homeગુજરાતઅચાનક બેભાન થઈ યુવાઓના મોત વધવા લાગ્યા:સુરતમાં 6 દિવસમાં 24ના મોત, અચાનક...

અચાનક બેભાન થઈ યુવાઓના મોત વધવા લાગ્યા:સુરતમાં 6 દિવસમાં 24ના મોત, અચાનક ઢળી પડવું, ચક્કર બાદ બેભાન થઈ મોત, હાર્ટ એટેકની આશંકા, જાણો સારવાર-સાવધાની

સુરત શહેરમાં લાંબા સમયથી અચાનક બેભાન થવા અને છાતીમાં દુઃખાવો થયા બાદ મોત થવાના બનાવો સતત વધી રહ્યા છે. છેલ્લા 6 દિવસમાં શહેરમાં 24 જેટલા વ્યક્તિઓના અચાનક મોત થયા છે. આવા કેસોમાં દિવસે દિવસે વધારો જોવા મળી રહ્યો છે. આ મૃત્યુમાં લોકોને છાતીમાં દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ અને હાર્ટ એટેક સંબંધિત અન્ય લક્ષણો જોવા મળ્યા હતા. આ તમામ મૃતકોમાં 20 વર્ષથી લઈને 45 વર્ષની ઉંમરના યુવાનોનો સમાવેશ થાય છે. અત્યાર સુધી આ મૃત્યુનું કોઈ નક્કર કારણ બહાર આવ્યું નથી, પરંતુ ડોકટરોનું કહેવું છે કે, હાર્ટ એટેક જેવી ઘટનાઓ સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશર, માનસિક તણાવ, અસ્વસ્થ જીવનશૈલી, સ્થૂળતા અને દારૂ તેમજ તમાકુના વધુ પડતા સેવનને કારણે થઈ શકે છે. ખાસ કરીને યુવાવસ્થામાં સ્ટ્રેસ અને ખાવાની ખરાબ આદતોથી હૃદયરોગ થઈ શકે છે. આ સિવાય વધતું પ્રદૂષણ, ખરાબ હવાની ગુણવત્તા અને અન્ય પર્યાવરણીય પરિબળો પણ આ સમસ્યા માટે મુખ્ય પરિબળ હોય શકે છે. કેસ 1
પુણામાં કલ્યાણનગર સામે ઝુપડપટ્ટીમાં રહેતી 25 વર્ષીય નિકિતા અરવિંદ પંચોલીની સવારે ઘરમાં અચાનક તબિયત બગાડતા ઢળી પડતા બેભાન થઈ ગઈ હતી. જેથી તેને સારવાર માટે 108માં સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. તેના માતા-પિતાનું અવસાન થયું હતું. તે તેના ભાઇ સાથે રહેતી અને ખેત મજૂરી કામ કરતી હતી. તેનો ભાઇ છુટક મજુરી કરે છે. કેસ 2
સચીનમાં હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલમાં ટી.એફ.ઓ ખાતામાં રહેતો અને ત્યાં કામ કરતો 32 વષીય વિમલેશકુમાર ઉદય નારાયણ પાલ બપોરે કામ કરીને જમવા માટે રૂમમાં ગયો હતો. ત્યાં સ્નાન કરીને જમવાની તૈયારી કરતો હતો. તે સમયે અચાનક તબિયત બગાડતા ઢળી પડ્યો હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તે મુળ ઉતરપ્રદેશમાં કાનપુરનો વતની હતો. તેને સંતાનમાં એક પુત્ર છે. કેસ 3
ડીંડોલીમાં નવાગામમાં મોદી સ્ટ્રીટમાં રહેતો 45 વર્ષના રમેશ ભગુભાઈ રાઠોડ શનિવારે સવારે લિંબાયતમાં દુભાર્લ ખાતે એસ.કે નગરમાં પગપાળો પસાર થતો હતો. ત્યારે અચાનક ઢળી પડતા બેભાન થઈ ગયો હતો. આ અંગે 108ને જાણ કરતા ત્યાં એમ્બ્યુલન્સ પસીને તેને સ્ટાફે મૃત જાહેર કર્યો હતો. તેને સંતાનમાં બે પુત્ર છે. તે મજુરી કામ કરતો હતો. કેસ 4
ગોડાદરા મહારાણા પ્રતાપ સોસાયટી ખાતે રહેતા 38 વર્ષીય ચિંતામણ ઈશ્વર ફતપુરે મજુરી કામ કરતા હતા. શનિવારે સવારે પરવટ ગામ આરોગ્ય કેન્દ્ર પાસે અચાનક બેભાન થયા બાદ તેમનું મોત થયું હતું કેસ 5
મૂળ ઉત્તરપ્રદેશના વતની શિવમ નરેશ પટેલ (22 વર્ષ) મહિના પહેલા રોજગારીની શોધમાં પત્ની સાથે સુરત આવીને ડિંડોલી માર્ક પોઇન્ટ પાસે આવેલ ચિત્રકૂટ સોસાયટીમાં રહેતો હતો. તે ડાઇંગ મિલમાં નોકરી કરીને પરીવારનું ગુજરાન ચલાવતો હતો. બુધવારે બપોરે શિવમ ઘરમાં આરામ કરવા માટે સૂઈ ગયો હતો. ત્યારબાદ પત્ની શીતલે તેને ઉઠાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે ઉઠ્યો ન હતો. જેથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. શિવમના 10 માસ પહેલાં જ લગ્ન થયા હતા. કેસ 6
કોસાડ આવાસમાં H-1માં 38 વર્ષીય મુકેશ શંકરભાઈ રાઠોડ પરિવાર સાથે રહેતો હતો. તે છેલ્લા ઘણાં સમયથી બેકાર ઘરે બેસી રહેતો હતો. તેમજ તેની માતા અન્ય લોકોના ઘરમાં ઘર કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. રાત્રે મુકેશ ઘરમાં અચાનક બેભાન થઈને ઢળી પડ્યો હતો. જેથી તેને 108 એમબ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં લઈને ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. કેસ 7
મૂળ રાજસ્થાનના વતની અને હાલ ગૌરવપથ રોડ આવેલા પ્રિસ્ટેજ રેવાન્ટા રેસીડેન્સીમાં મદનલાલ મુદિટલાલ શૈની (47 વર્ષ) ગામના મિત્રો સાથે રહેતો હતો. તે ટાઈલ્સ ફીટિંગ કરવાનું કામ કરીને વતનમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવતો હતો. બુધવારે રાત્રે તે જમીને સૂઈ ગયો હતો. દરમિયાન ગુરુવારે સવારે તેના દિનેશ નામના મિત્રએ તેને ઉઠાવવાના પ્રયત્નો કર્યા હતા, પરંતુ તે ઉઠ્યો ન હતો. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ડોકટરોના મતે, અચાનક હૃદયરોગનો હુમલો સામાન્ય રીતે કેટલાક મુખ્ય લક્ષણો સાથે આવે છે. કેમ બેભાન થઈ જાય છે?
સામાન્ય રીતે આ અવસ્થા અસ્થાયી હોય છે, જે મગજને ઓક્સિજન ન પહોંચાડવાની સ્થિતિમાં થાય છે, પણ ઘણી વખત ગંભીર કારણોને લીધે પણ એવું થઈ શકે છે. હાઇપરટેન્શન કે લો બ્લડ પ્રેશરની સમસ્યા સર્જાય ત્યારે મગજ સુધી પૂરતા પ્રમાણમાં ઓક્સિજન પહોંચી શકતો નથી અને દર્દી અચાનક બેભાન થઈ જાય છે. ઘણી ‌વખત બેભાન થઈ જવાનું કારણ બહુ સામાન્ય હોય છે અને તાત્કાલિક થનારી પ્રતિક્રિયા હોય છે, પરંતુ ઘણી ‌વખત આ કોઈ ગંભીર બીમારી અથવા ડિસઓર્ડરનો સંકેત પણ હોઈ શકે છે. આ છે લક્ષણો
જો કોઈ વ્યક્તિને સતત બેભાન થવાની સમસ્યા થઈ રહી હોય, કોઈને પહેલાં હૃદયની બીમારી રહી હોય, ગર્ભાવસ્થા, ડાયાબિટીસના દર્દી હોય, બેભાન અવસ્થા અમુક મિનિટ કરતાં વધારે સમય સુધી રહે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. પગમાં ભાર લાગવો, આંખમાં ધૂંધ‌ળું દેખાવું, મતિભ્રમ થવો, વધારે ગરમી કે ઠંડી મહેસૂસ થાય, માથામાં હળવાપણું, ચક્કર જેવું મહેસૂસ થવું, ઊલટી, પરસેવો નીકળવો, ઊબકા આવવા, વારંવાર બગાસાં આવવાં સામાન્ય બેભાન થવાનાં લક્ષણ હોય છે. અમુક જરૂરી બાબતો
​​​​​​​સામાન્ય બેભાન અવસ્થામાં ફુદીનાનાં પાનની સુગંધથી વ્યક્તિ ભાનમાં આવી જાય છે.- જો કોઈ વ્યક્તિ હિસ્ટીરિયા જેવા માનસિક રોગથી પીડાતી હોવાને લીધે બેભાન થઈ જાય તો તેને ડુંગળીનો રસ સૂંઘાડવાથી બેભાન અવસ્થામાં રાહત મળે છે. શું સાવધાની રાખશો?
કોઈ ગંભીર બીમારીને લીધે બેભાન થવાની સમસ્યા થઈ રહી હોય તો એમાં તાત્કાલિક ડોક્ટરી સારવારની જરૂર પડે છે, પરંતુ સામાન્ય સ્થિતિઓમાં બેભાન થાય એ દરમિયાન અમુક સાવધાની રાખી શકાય છે.- જો દર્દીને એવું મહેસૂસ થાય કે તે જમીન પર પડી જશે કે બેભાન થઈ શકે છે તો ઊભા રહેવાને બદલે તરત જ જમીન પર બેસી જવું જોઈએ.- બેસી રહીએ એ દરમિયાન માથું ઉપર તરફ રાખવું ન જોઈએ, પરંતુ તેને ઘૂંટણ તરફ ટેકવીને રાખવો.- નીચે બેઠા હોવ તો તરત ઊભા થવાનો પ્રયત્ન ન કરો. ધીરેધીરે કોઈની મદદ લઈને ઊભા થાવ. આ ત્રણ મુખ્ય કારણો છે બેભાન થવાનાં 1. હાઇપોક્સિયા પ્રોબ્લેમ
​​​​​​​જો વાતાવરણમાં ઓક્સિજનનું સ્તર 16 ટકાથી પણ ઓછું થઈ જાય તો દર્દી હાઇપોક્સિયાને કારણે બેભાન થઈ જાય છે. હાઇપોક્સિયાને કારણે બેભાન અવસ્થા ફેફસાં સુધી યોગ્ય પ્રમાણમાં ઓક્સિજન ન મળવાને લીધે પણ થઈ શકે છે. ખાસ કરીને એવા લોકોમાં જેમનામાં લોહીના સંચારને લગતી મુશ્કેલી હોય છે. કાર્બન મોનોઓક્સાઇડ ગેસથી થનારું પોઇઝનિંગ પણ તેનું કારણ બની શકે છે. લક્ષણ: છાતીમાં દુખાવો, ત્વચા લીલી પડવી, શ્વાસ લેવામાં તકલીફ, મહેનત કર્યા વગર પરસેવો નીકળવો. સારવાર: આવી સ્થિતિમાં તરત હોસ્પિટલમાં જઈને સારવાર કરવાની જરૂર પડે છે. ઓક્સિજનની ઊણપને દૂર કરવા માટે ડોક્ટર ઇન્હેલર મોંના માધ્યમથી આપે છે. રોજના 8થી 10 ગ્લાસ પાણી જરૂર પીવું જોઈએ. અસ્થમા હોય તો તેને વધારનારાં કારણોથી બચવું જોઈએ. 2. ન્યુરોલોજિકલ પ્રોબ્લેમ
​​​​​​​મગજ કે ન્યુરોલોજીને લગતી બેભાન અવસ્થા એ નર્વસ સિસ્ટમ સુધી પૂરતું પોષણ ન પહોંચવાને કારણે થાય છે. આ અસ્થાયી સ્થિતિ હોય છે. કોઈ ખરાબ વસ્તુને જોઈ લેવી જેમ કે, લોહીને જોવું, અચાનક કોઈ ખરાબ અનુભવ થવો, કોઈ નજીકની વ્યક્તિના એકાએક મૃત્યુના સમાચાર મળે, કોઈને બહુ શરમજનક સ્થિતિમાંથી પસાર થવું પડે તો આ સમસ્યા વધવાની શક્યતા રહે છે. શારીરિક ટ્રિગર્સમાં ખાંસવું, કબજિયાતની સ્થિતિમાં શૌચાલયમાં જતી વખતે, કોઈ ખૂબ જ ભારે વજન ઊંચકતી વખતે છીંકવું. લક્ષણ: ધબકારા ઝડપી થઈ જવા, પાચનતંત્રને અસર થવી, લાળ બનવી, પરસેવો નીકળવાની પ્રક્રિયા પર અસર થવી, વારંવાર યુરિન આવવું. સારવાર: દર્દીની મેડિકલ હિસ્ટ્રીને ધ્યાનમાં રાખીને ડોક્ટર તેની સારવાર કરે છે. એક્સપર્ટ – ડો. જયદીપ બંસલ, ન્યુરોલોજિસ્ટ 3. હાર્ટ પ્રોબ્લેમ
​​​​​​​​​​​​​​હાર્ટ પ્રોબ્લેમને લગતી કાર્ડિએક સિન્કોપ હાર્ટના ધબકારા અનિયમિત હોવાથી કે આવી કોઈ પણ હાર્ટની બીમારી જેનાથી તેની પમ્પિંગ ક્ષમતા ઓછી થઈ જાય છે. હાર્ટના ધબકારા અનિયમિત થવા, હાર્ટનું પેસમેકર નબળું હોવું, હાર્ટની કરન્ટ સિસ્ટમમાં ગરબડ થવી, હાર્ટના વાલ્વની બીમારી, પલ્મોનરી એમ્બોલિઝમ હાઇપરટ્રોફિક કાર્ડિયોમાયોપેથી. અમુક જન્મજાત હાર્ટની કન્ઝેનાઇટલ બીમારીઓ. હાર્ટ ફેલ્યરને લીધે બેભાન થઈ શકે છે. લક્ષણ: અચાનક બેભાન થઈ જવું, શ્વાસ લેવામાં તકલીફ, ધબકારા વધી જવા, છાતીમાં દુખાવો, શરીર પીળું પડવું. સારવાર: દર્દીની સમસ્યાના આધારે સારવાર થાય છે. હાર્ટની કરન્ટ સિસ્ટમમાં ગરબડ હોય તો આર્ટિફિશિયલ પેસમેકર લગાવવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments