back to top
Homeગુજરાતબનાસકાંઠાનો લિટલ સ્ટાર:એક વીડિયો વાઇરલ થતાં જ યુ-ટ્યુબમાં છવાયો, પોતાના હુન્નરથી સાત...

બનાસકાંઠાનો લિટલ સ્ટાર:એક વીડિયો વાઇરલ થતાં જ યુ-ટ્યુબમાં છવાયો, પોતાના હુન્નરથી સાત વર્ષની ઉમરે કરે છે અપંગ માતા-પિતાને આર્થિક મદદ

ત્રીજા ધોરણમાં ભણતો એક સાત વર્ષનો બાળક..જેને દુનિયાદારીની કંઇ ખબર નથી પણ નાચવાનો અને ગાવાનો શોખ.. આ શોખ જોઇને એના પિતરાઇ ભાઇએ એક વીડિયો બનાવ્યો અને સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો..આ વીડિયો એટલો વાયરલ થયો કે એક જાણીતા સિંગરે બાળકનો સંપર્ક કર્યો અને એક સોંગ બનાવીને યુ-ટ્યુબમાં અપલોડ કર્યું.. સોંગ એટલું વાયરલ થયું કે આ બાળક લિટલ સ્ટાર બની ગયો અને એના ગરીબ અને અપંગ માતા-પિતાને ઘર ચલાવવામાં મદદરૂપ થવા લાગ્યો.. કોણ છે આ બાળક અને એનું છુપાયેલુ હુન્નર કંઇ રીતે બહાર આવ્યું…? આજના વિષેશ અહેવાલમાં જાણીએ બનાસકાંઠાના લિટલ સ્ટારની સંપૂર્ણ કહાની… બાળકના હુન્નરથી માવતરને મળે છે મદદ
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના જામરૂ ગામમાં રહેતા વાદાભાઈ તરાલ અને એમના પત્ની દિવાબેન બંને અપંગ છે. જે ખેતી કરીને માંડ માંડ પોતાનું ગુજરાન ચલાવે છે. જેમને સંતાનમાં ચેતન નામનો એક પુત્ર છે. જે ત્રીજા ધોરણમાં અભ્યાસ કરે છે. ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતા ચેતનને દુનિયાદારીની કંઇ ખબર નથી. એ પોતાની કાલીઘેલી ભાષામાં ગીતો ગાતો રહે છે અને નાચતો રહે છે, પણ એના આ હુન્નરથી એના ગરીબ અને અપંગ મા-બાપને ઘર ચલાવવામાં ઘણી મદદ મળે છે. પિતરાઇ ભાઇએ વીડિયો બનાવી ઇનસ્ટ્રાગ્રામ અપલોડ કર્યો
સાત વર્ષીય ચેતન તરાલને કંઇ રીતે મોકો મળ્યો એ વિશે વિસ્તારથી વાત કરીએ તો ચેતનના પિતરાઇ ભાઇ મુકેશ તરાલે બે વર્ષ અગાઉ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇનસ્ટ્રાગ્રામ પર એક Chetu_star_07 નામની આઇડી બનાવી હતી. જેમાં મુકેશ તરાલ અને એનો કૌટુંબીક ભાઇ કાળુ તરાલ આ નાનકડા ચેતન જોડે ડાન્સ કરાવી-ગીતો ગવડાવીને વીડિયો બનાવીને અપલોડ કરતા હતા. શરૂઆતમાં સાવ મોળો પ્રતિસાદ મળતો હતો, પરંતું સમય જતાં ચેતનના વીડિયોને સારા એવા વ્યુવર્સ મળવા લાગ્યા હતા. વીડિયો જોઇ જાણીતા સિંગરે સપર્ક કર્યો
આમ મુકેશ તરાલ અને કાળુ તરાલ નિયમિત રીતે ચેતનના બેથી ત્રણ વીડિયો બનાવીને અપલોડ કરતા રહેતા હતા. આ દરમિયાન જાણીતા સિંગર ગબ્બર ઠાકોરના ધ્યાને ચેતનના વીડિયો આવ્યા હતા. જેમણે ઇનસ્ટ્રાગ્રામ દ્વારા ચેતનના પરિવારનો સંપર્ક કર્યો હતો અને પોતાના ડીસા ખાતેના સ્ટુડિયોમાં આવવા માટે વાત કરી હતી. જાણીતા સિંગરે સામેથી સંપર્ક કરતાં શરૂઆતમાં પરિવારને મજાક લાગી હતી. જોકે, બાદમાં આ પરિવાર ડીસાના ઝાબડીયા ખાતે આવેલા ગબ્બર ઠાકોરના સ્ટુડિયો પર ચેતનને લઇને પહોંચ્યો હતો. સોંગને પોણા બે મિલિયન જેટલા વ્યુવર્સ મળ્યા
ડીસાના ઝાબડીયા ખાતે આવેલા ગબ્બર ઠાકોરના સ્ટુડિયો પર ચેતનને લઇને પરિવાર પહોંચ્યો તો ગબ્બર ઠાકોરે આ બાળક અને એક અન્ય બાળક પાસે એક ‘ઝેણાં ઝેણાં ઘૂઘરા વાગે સે’ નામનું સોંગ ગવડાવ્યું હતું અને લોકોને સહકાર આપવ માટે અપીલ કરી હતી. આમ ગબ્બર ઠાકોરની મહેનતથી લગભગ ત્રણ અઠવાડિયામાં જ આ સોંગને પોણા બે મિલિયન જેટલા વ્યુવર્સ મળી ચૂક્યા છે અને હજી પણ સોંગ સ્થાનિક લેવલે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે. જેમાંથી આવક મળતાં હાલ માત્ર સાત વર્ષનો ચેતન તરાલ એના અપંગ માવતરને ઘર ચવાવવામાં મદદ કરી રહ્યો છે. મહત્વનું છે કે, ઇનસ્ટ્રાગ્રામ આઇડી Chetu_star_07 પર હાલ અઢી લાખ જેટલા ફોલોવર્સ છે, જે પણ સાત વર્ષના ચેતન માટે મોટી સિદ્ધિ કહી શકાય… અમારા નાનાકડા કલાકારને સ્પોર્ટ કરજો: માતા-પિતા
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ચેતનના અપંગ માતા-પિતાએ પોતાની વ્યથા ઠાલવી હતી અને ભારે હૈયે જણાવ્યું હતું કે, અમે અપંગ હોવા છતાં ખેત મજૂરી કરીને માંડ માંડ ઘરનું ગુજરાન ચલાવ્યું, ગરીબાઇમાં અડધી જીંદગી પસાર કરી દીધી છે. પણ ઉપરવાળાની કૃપાથી અમારા પુત્રમાં હુન્નર છે, આટલી નાની વયે ચેતનના સોંગથી અમને આર્થિક મદદ મળી છે. આપ સૈને અપીલ કરીએ છીએ કે અમારા નાનાકડા અને બાળ કલાકાર ચેતનને સ્પોર્ટ કરજો, જેથી અમને તો મદદ મળશે જ પણ સાથે સાથે એનું ભવિષ્ય પણ ઉજળું થશે. શરૂઆતમાં પ્રતિસાદ ન મળ્યો, બાદમાં મહેનત રંગ લાવી: મુકેશ તરાલ
દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં ચેતન તરાલનો પિતરાઇ ભાઇ મુકેશ તરાલ જણાવે છે કે, શરૂઆતમાં અમે ચેતનની રિલ્સ બનાવવાનું શરૂ કર્યું હતું. નવી આઇડી બનાવી ત્યારે વીડિયોને વ્યુવર્સ નહોતા મળતા પણ અમે મહેનત ચાલુ રાખી હતી. બાદમાં ધીરે ધીરે અમારી મહેનત રંગ લાવતી હોય એવું અને લાગ્યું અને વ્યુવર્સ મળવા લાગ્યા છે. ચેતનનો કુટુંબિક ભાઈ કાળુ તરાલ જણાવે છે કે, આ છોકરાના માવતર અપંગ છે અને ઘરની આર્થિક સ્થિતિ ખુબ જ નબળી છે. બસ અમારી તો એવી જ લાગણી છે કે ચેતનને વધુમાં વધુ લોકો સ્પોર્ટ કરે અને એના માવતરને મદદ મળે.. મને છોકરાનું હુન્નર ગમ્યું એટલે સ્ટુડિયો બોલાવ્યો: ગબ્બર ઠાકોર
સાત વર્ષીય ચેતનને સ્પોર્ટ કરીને મોકો આપનાર જાણીતા કલાકાર ગબ્બર ઠાકોર દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવે છે કે, મેં સોશિયલ મીડિયામાં આ છોકરાનો વીડિયો જોયો તો મને એનું હુન્નર ગમ્યું એટલે મેં એના પરિવારનો સંપર્ક કરીને મળવા બોલાવ્યો હતો. શરૂઆતમાં મને આ છોકરા જોડે સોંગ ગવડાવવાનો કોઇ ઇરાદો નહોતો પણ એનો પરિવાર મારા સ્ટુડિયો પર આવ્યો ત્યારે મને જાણ થઇ કે આના માવતર તો અપંગ છે. બાદમાં મને થયું કે આવા ટેલેન્ટને મોકો આપીને હું શરૂઆત કરીશ તો એના માવતરને થોડી આર્થિક મદદ મળશે અને સોશિયલ મીડિયામાં વધુ દેખાશે તો આગળ જતાં અન્ય કોઇ પણ આ છોકરાને મદદ કરશે અને એનું સારૂ ભવિષ્ય બનશે.. સોંગ ગવડાવવામાં મારે ઘણી મહેનત કરવી પડી: ગબ્બર ઠાકોર
ગબ્બર ઠાકોર વધુમાં જણાવે છે કે, ચેતન સાવ નાનો હોવાથી એની બોલવાની ભાષા પણ હજી કાલીઘેલી જ છે. એને સોંગ ગવડાવવામાં મારે ઘણી મહેનત કરવી પડી અને આ છોકરાએ પણ મહેનત કરી. બાદમાં અમે સોંગ બનાવ્યા બાદ વીડિયો બનાવીને યુ-ટ્યુબમાં અપલોડ કર્યો. જેને લોકોએ સારો પ્રતિસાદ આપ્યો છે. લગભાગ ત્રણેક અઠવાડિયામાં જ સોંગને પોણા બે મિલિયન જેટલા વ્યુવર્સ મળી ચૂક્યા છે. હજી પણ આ છોકરાના ત્રણ-ચાર સોંગ આવી રહ્યા છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments