મકરબા રેલવે ક્રોસિંગ પર વાહનચાલકોને લાંબો સમય સુધી ઊભા રહેવું ના પડે તે માટે મ્યુનિ. દ્વારા 70 કરોડના ખર્ચે ફ્લાયઓવર બનાવવામાં આવી રહ્યો છે. બ્રિજનું મોટાભાગના કામ લગભગ પૂરું થઈ ગયું છે. જો કે, આ બ્રિજ તૈયાર થઈ ગયા પછી ટ્રાફિક જામનું નવું હોટસ્પોટ બનશે. કારણ કે બ્રિજનો એક છેડો કોર્પોરેટ રોડ પર ઉતારવામાં
આવ્યો છે. જ્યાં ચાર રસ્તા પડતાં કોર્પોરેટ રોડ પર ટ્રાફિકજામની સમસ્યા સર્જાવાની સંભાવના છે.
બ્રિજનો છેડો થોડો આગળ એટલે કે એસજી હાઈવે નજીક ઉતાર્યો હોત તો ટ્રાફિકજામમાંથી બચી શકાય. ચાર રસ્તા પર જ બ્રિજનો છેડો ઉતરતો હોવાથી બ્રિજ પરથી ફૂલ સ્પીડમાં આવતાં વાહનોના કારણે અકસ્માત થવાનું જોખમ પણ વધી જશે. સ્થાનિકોએ પણ આ બ્રિજ ચાર રસ્તા પર ઉતરી રહ્યો હોવાથી નારાજગી વ્યક્ત કરી છે. તેમનું માનવું છે કે, આ કારણે ટ્રાફિકજામની સમસ્યા વકરશે. ઉલ્લેખનીય છે કે, શહેરનો કદાચ આ પ્રથમ બ્રિજ હશે જે ચારરસ્તા પર ઉતરશે. બ્રિજનું કામ મે 2025 સુધીમાં પૂરું થવાની શક્યતા છે. મકરબા રેલવે ક્રોસિંગ પર વારંવાર ટ્રાફિકજામ થતાં ફ્લાયઓવર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. બ્રિજ ચઢવો-ઉતરવો સરળ હશે પણ વળાંકમાં બ્રિજને લેફ્ટ હેન્ડ કોર્પોરેટ રોડ પર એક તરફથી બીજી તરફ રસ્તા માટે રિ-ડિઝાઇન કરવી પડશે. જો બ્રિજ તે જગ્યા પર ઉતરતો હોય તો ભવિષ્યમાં રાહદારીઓને રોડ ક્રોસ કરવા માટેની વ્યવસ્થાનું ધ્યાન રાખવું પડશે. > પ્રિયંક ત્રિવેદી, રોડ સેફ્ટી એક્સપર્ટ