રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સૂચિત દરમાં કરાયેલા તોતિંગ વધારાની સામે બિલ્ડર્સે હવે સરકાર સામે બાંયો ચડાવી છે. સરકારે વાંધા અરજી રજૂ કરવા માટેની મુદત તો એક મહિનો વધારી આપી છે. આ ઉપરાંત CREDAI દ્વારા અરજી માટે ઓફલાઈન વિકલ્પ આપવા સહિતની અન્ય માગણીઓ પણ કરવામાં આવી છે. જંત્રી દરમાં કરાયેલા સૂચિત વધારાનો જો અમલ કરવામાં આવે તો મકાનના ભાવમાં 30થી 40 ટકાનો વધારો થવાની ભીતિ વ્યકત કરવામાં આવી છે. જેના કારણે સામાન્ય માણસનું ઘરના ઘરનું સ્વપન અધૂરું રહી જાય તેમ છે. જેથી ક્રેડાઈ દ્વારા આ અસહ્ય વધારો પરત લેવાની માગ કરવામાં આવી છે. જંત્રીદરમાં કરાયેલા સૂચિત વધારાના વિરોધમાં આજે ક્રેડાઈ, બિલ્ડર એસોસિયેશન દ્વારા અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત સહિતનાં શહેરોમાં રેલી યોજી વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. રાજકોટમાં મૌન રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું
રાજ્ય સરકાર દ્વારા નવી સૂચિત જંત્રીમાં સરેરાશ 200થી 2000 ટકા સુધીનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. આ જંત્રીના અમલ સામે ક્રેડાઇ અને બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આ જંત્રી કોઇપણ સંજોગોમાં સ્વીકારવા લાયક નથી તેવું નક્કી કરી રાજકોટના બિલ્ડરો દ્વારા રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી જંત્રી વધારો પાછો ખેંચવા તેમજ આ જંત્રીનો અમલ 31 માર્ચ સુધી રોકી દેવા અનુરોધ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ છેલ્લા 6 મહિનાથી રાજકોટ બાંધકામ વ્યવસાય મૃતપાય હાલતમાં હોવાનો દાવો રાજકોટ બિલ્ડર એસોશિએશન દ્વારા કરવામાં આવ્યો છે અને આના થકી મનપાને આ વર્ષે 50થી 100 કરોડનું નુકશાન થશે જયારે સરકારને પણ સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં મોટો ઘટાડો થવાનો છે. આ પણ વાંચોઃ હાલ બની રહેલા ફ્લેટનો ભાવ જંત્રી વધારા બાદ કેટલો વધશે? રાજકોટ બિલ્ડર એસોસિયેશનના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું હતું કે, દોઢ વર્ષ સરકારે જંત્રીમાં સરવે કરી 20 નવેમ્બર 2024ના રોજ સૂચિત જંત્રીની જાહેરાત કરી દીધી છે. રાજ્યમાં 40 હજાર વેલ્યૂઝોન છે. જેમાંથી 17 હજાર અર્બન વિસ્તારમાં અને 23 હજાર ગ્રામ્ય વિસ્તારમાં વેલ્યૂઝોન આવેલા છે. સરકારે પોતે દોઢ વર્ષ સરવે માટે લીધો અને જનતાને સૂચન માટે માત્ર 1 મહિનાનો સમય આપ્યો તે વાજબી નથી. અમારા સર્વે પ્રમાણે નવી સૂચિત જંત્રીમાં 200થી 2000 ટકાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ક્રેડાઇ માગણી કરે છે કે, અમને રિવ્યૂ કરવા માટે 31 માર્ચ 2025 સુધીનો સમય આપવામાં આવે. તેમને વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટમાં તો હાલ પ્લાન પાસ કરવા માટે જરૂરી ફાયર એન.ઓ.સી. આપવામાં આવતા નથી. કંપલીશન સર્ટીફીકેટ માટે જરૂરી ફાયર એન.ઓ.સી. પણ આપવામાં આવતા નથી. ટી.પી. સ્કીમ હેઠળ લાગુ પડતી 40%ની કપાત, કોઈ અગમ્ય કારણોસર રાજકોટમાં નવા પ્લાન તેમજ કંપલીશન સર્ટીફીકેટ લાંબા સમયથી આપવામા આવતા નથી આવા અનેક પ્રશ્નો સાથે ગુજરાત સરકાર સમક્ષ રજુઆત કરવામાં આવશે અને યોગ્ય ઉકેલ લાવવા માંગણી કરવામાં આવશે. રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ બાંધકામ ક્ષેત્રની પરિસ્થિતિ ખૂબ જ કફોડી બની છે. રાજકોટ મનપામાં પેઈડ FSIની બજેટમાં આવક 200 કરોડથી વધુની દર્શાવવામાં આવી હતી જેની સામે આ વર્ષે મનપામાં મોટું નુકશાન થશે અને લગભગ 50થી 100 કરોડનું નુકશાન થાય તેવી પુરી શક્યતા છે. સરકારને પણ સ્ટેમ્પ ડ્યુટીમી આવકમાં ઘટાડો થશે. બાંધકામ ઇન્ડસ્ટ્રી સાવ ઠપ્પ છે. નવા 32 પ્લાન ઇન્વર્ટ થયા હતા જેમાંથી માત્ર 2 ને મંજૂરી આપવામાં આવી છે, કંપ્લીશન સર્ટિફિકેટ માત્ર એક ને જ આપવામાં આવ્યું છે. અગાઉ દર મહિને 25 મીટર થી વધુ ઊંચાઈ વાળા 8થી 10 પ્લાન મંજુર થતા હતા જે હવે નથી થતા. નવા પ્લાન મંજુર અને પ્લાન કંપ્લીશન 30 દિવસમાં થઇ જાય તે મુજબ વ્યવસ્થા કરી દેવામાં આવે એવી અમારી માંગ છે. રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, જંત્રી દરમાં વધારા મામલે રજૂઆતો મળી રહી છે. સરકાર દ્વારા પણ રજુઆત ધ્યાનમાં રાખી ઓફલાઈન વાંધા અરજી સ્વીકારવાનું શરૂ કર્યું છે. રાજકોટમાં અત્યારસુધી 150 જેટલી વાંધા અરજી મળી છે જેનો અભ્યાસ કમિટી દ્વારા કરવામાં આવશે. જિલ્લા કલેકટર અધ્યક્ષતામાં આ કમિટી અભ્યાસ કરી સરકાર સુધી આ વાંધા અરજી અંગે રજુઆત પહોંચાડવામાં આવશે. AC કેબીનમાં બેસી જંત્રીનો ભાવ નક્કી કરાયો- વડોદરા ક્રેડાઈ
રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરવામાં આવેલા જંત્રીના નવા સૂચિત દરના કારણે શહેરનો વિકાસ રૂંધાય કે વધારે ધીમો થાય તેવી શક્યતાઓને લઈ આજે આ દરો પરત લેવાઇ તેવી માંગ સાથે વડોદરા બિલ્ડર અને ડેવલોપર્સ ભેગા મળી રેલી સ્વરૂપે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી. જેમાં મોટી સંખ્યામાં બિલ્ડરો અને ડેવલોપર્સ સહિત અસરગ્રત ખેડૂતો હાજર રહ્યા હતા. સરકારના આ નિર્ણય સામે બિલ્ડરોનું કહેવું છે કે, સરકાર દ્વારા જંત્રીના જે સૂચિત દર નક્કી કરવામાં આવ્યા છે, તે દર વાસ્તવિકતાથી વિપરીત છે. જંત્રી નક્કી કરતા સમયે જમીનના હાલના બજાર ભાવ, રિયાલીસ્ટીક માર્કેટ તેમજ સાયન્ટીફિક ગણતરી કરવામાં આવી હોય તેમ લાગતું નથી. જેના કારણે જો, હાલની સૂચિત જંત્રી લાગુ કરવામાં આવે તો મકાન, દુકાન અને ફ્લેટના ભાવમાં 50થી 100 % નો વધારો આવશે તે નક્કી છે. આ અંગે ક્રેડાઈ વડોદરાના વાઇસ ચેરમેન મયંક પટેલે જણાવ્યું હતું કે, જે રીતે વર્ષ 2023માં જંત્રીના ભાવમાં જે રીતે વધારો થયો છે અને એક વર્ષ કરતાં ઓછા સમયમાં ફરીથી મોટો ધરખમ ભાવ વધારો કરવામા આવ્યો છે. વર્ષ 2011 ની જંત્રી કરતાં 2 હજાર ટકા કરતાં વધારે વધારો જોવા મળી રહ્યો છે. આ જંત્રીના ભાવમાં થયેલો વધારો સામાન્ય જનતા પર ભારે અસર કરશે જેથી આટલા મોટાં ધારખમ વધારાને સરકારે પરત લેવો જોઈએ. આ બાબતનો વિરોધ નોંધાવવા માટે ક્રેડાઇ વડોદરા અને અન્ય અસરગ્રસ્ત ખેડૂતો સહિત કેટલીક સંસ્થાઓ મારી સાથે જોડાઇ છે અને સરકાર સામે વિરોધ નોંધાવવા માટે આજે કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું છે. આ અંગે રાજ્યના મુખ્યમંત્રી સાથે પણ બેઠક કરવામાં આવી છે. આ બાબતે પણ જ્યાં પણ ધરખમ વધારો થયો છે ત્યાં તે બાબતે ફરી વિચારણા થશે તેવી વાત કરવામાં આવી છે અને હૈયાધારણા આપ્યાં બાદ નિર્ણય લેવાશે તેવી વાત કરવામા આવી છે. જંત્રીના ભાવ અંગે એસી કેબીનમાં બેસીને જંત્રી નક્કી કરવામાં આવી છે કેવી રીતે ન હોવું જોઈએ. યોગ્ય વેલ્યુએશનના આધારે જંત્રીનો ભાવ નક્કી કરવો જોઈએ તેવી અમારી માંગ છે.આ અંગે કલેક્ટર બિજલ શાહે જણાવ્યુ હતુ કે, આજે બધાજ ક્રેડાઈના આગેવાનો એક સાથે આવી જંત્રીના ભાવ અંગે રજુઆત છે. આ બાબતની ચકાસણી બાદ નિર્ણય લેવાશે. આજે આવેદન પત્ર આપ્યું છે, આ બાબતે અમે સરકારમાં મોકલી આપીશું. આ સરકાર દ્વાર પેરામીટર આધારે નક્કી કરવામા આવતાં હૉય છે. આ ક્રેડાઈની રજુઆત અમે સરકાર સમક્ષ મુકીશું અને જે કોઈ ફેરફાર લાગશે તે સરકાર કરશે. ક્રેડાઈ સુરતના હોદેદારોએ રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો
સુરતના બિલ્ડરો દ્વારા આજે મોટી સંખ્યામાં જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપીને જંત્રીમાં કરેલા ધરખમ વધારાને લઈને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. સરકાર દ્વારા મન ફાવે તે રીતે જંત્રીના ભાવમાં વધારો કરી દેવાયો છે કયા વિસ્તારમાં કેવી રીતે સર્વે કરવામાં આવ્યો છે તે પણ કોઈ ખુલાસો કરવામાં આવી રહ્યો નથી. જેથી અમારી દ્રષ્ટિએ આટલા વર્ષોથી રિયલ એસ્ટેટ ક્ષેત્રની અંદર કામ કર્યા પછી જંત્રીમાં એકાએક સરકારે કયા કારણસર વધારો કર્યો છે તે અમને પણ સમજાતું નથી. માત્ર જંત્રી નહીં પરંતુ તેના કારણે અન્ય પ્રક્રિયાઓમાં પણ ગ્રાહકોએ વધુ રૂપિયા ચૂકવવા પડશે જેને કારણે ફ્લેટના હાલ જે ભાવ છે તેમાં 30 થી 40% જેટલો વધારો થશે. ગાંધીનગર ખાતે રજૂઆત કરીશું
ક્રેડાઈના પ્રમુખ જીગ્નેશ પટેલે જણાવ્યું કે સરકારે જે નિર્ણય લીધો છે તે યોગ્ય જણાતો નથી. જંત્રીના ભાવમાં થયેલા વધારાને કારણે તેને ખૂબ મોટી અસર રીયલ એસ્ટેટ ઉપર થવાની છે. માત્ર બિલ્ડરો ઉપર જ નહીં પરંતુ ગ્રાહક તરીકે સામાન્ય પરિવારના લોકો જે ઘર ખરીદશે તેમને પણ ખૂબ મોટી કિંમત ચૂકવવી પડવાની છે. અમે સતત રજૂઆત કરી રહ્યા છે અને 3 જાન્યુઆરીના દિવસે ગુજરાત બિલ્ડર કોન્ફરન્સ ના આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના તમામ બિલ્ડર્સ તેમજ તેની સાથે સંકળાયેલા લોકો હાજર રહેવાના છે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી પણ હાજર રહેવાના છે. તેમ જ સંબંધિત વિભાગના મંત્રીઓ પણ હાજર રહેવાના છે અમે જંત્રી બાબતે રજૂઆત કરવાના છે કારણ કે આ પ્રકારનો નિર્ણય એ ક્યારેય ચલાવી લેવાય તેમ નથી. વડાપ્રધાન નું જે સપનું છે કે સામાન્ય અને ગરીબ લોકોને ઘરનું ઘર મળી રહે તે પણ સફળ થશે નહીં. વાંધા-સૂચનો રજૂ કરવા માટે ઓફલાઇનનો વિકલ્પ આપવા પણ માગ કરી હતી
CREDAI દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે રાજ્ય સરકારે જે વાંધા-સૂચનો મગાવ્યાં છે એ ઓનલાઇન મગાવવામાં આવ્યાં છે, પરંતુ દરેક વ્યક્તિ ઓનલાઈન વાંધા-સૂચન રજૂ કરી શકે નહીં. ખાસ કરીને ખેડૂતો અને સામાન્ય માણસો ઓનલાઇન પ્રક્રિયા કરવા જાય તોપણ તેમને તકલીફ પડે છે. બિલ્ડરો દ્વારા પણ પોતાનાં વાંધા-સૂચન ઓનલાઇન કરવામાં આવ્યાં, એમાં પણ ખૂબ વધારે તકલીફ પડે છે. ઝડપથી ઓટીપી મળતા નથી. ઘણી બધી વિગતો એમાં ભરવી પડે છે. KYCમાં ખૂબ તકલીફ પડે છે, જેના કારણે બધી સૂચન-પ્રક્રિયા ઓનલાઇનની સાથે હવે ઓફલાઈન પણ કરવાની માગ કરવામાં આવી રહી છે. કલેક્ટર ઓફિસ અથવા તો મામલતદાર ઓફિસમાં સૂચિત જંત્રીદરના વધારા સામે વાંધા-સૂચન માટેની ઓફલાઈન વ્યવસ્થા ગોઠવવામાં આવે, જેનાથી સામાન્ય માણસો અને ખેડૂતો પણ સરળતાથી પોતાની વાત રજૂ કરી શકે. દર વર્ષના બદલે 12 વર્ષે અચાનક વધારો કરતાં બિલ્ડર્સ નારાજ
CREDAI અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011માં નવી જંત્રી બહાર પાડવામાં આવી હતી. ત્યાર બાદ બાર વર્ષ સુધી વધારો કરવામાં આવ્યો નથી. શહેરમાં ડેવલપમેન્ટને લઈને જંત્રીદરમાં વધારો કરવો જોઈએ, પરંતુ સમયસર દર વર્ષે વધારો કરવો જોઈએ એવું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે 12 વર્ષ સુધી કોઈ વધારો કર્યો નહીં અને વર્ષ 2023માં માર્ચ મહિનામાં જંત્રી ડબલ કરી દેવાની રાતોરાત જાહેરાત કરી દેવામાં આવી હતી. જે-તે સમયે પણ CREDAI ગુજરાત અને અમદાવાદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકારે રિવ્યૂ કર્યા વગર બજાર પર કેવી અસર થશે એ અંગે વિચાર કર્યા વિના જ આ જાહેરાત કરી દીધી હતી. 200થી લઈ 2000 ટકા સુધીનો વધારો કરાયો
ક્રેડાઈ અમદાવાદ દ્વારા સૂચિત જંત્રીદરને લઈને અભ્યાસ કર્યો છે, જેમાં પ્રાથમિક લેવલે જાણવા મળ્યું છે કે 200થી લઈ 2000 ટકા સુધીનો સૂચિત વધારો કરવામાં આવ્યો છે. શહેરી વિસ્તારમાં ટકાવારી ઓછી હશે, પરંતુ ગામડાં અને નાનાં શહેરોમાં ખૂબ વધારે ટકાવારી આ પહોંચશે. 12 વર્ષ સુધી સરકારે જંત્રીદર વધાર્યો નથી, પરંતુ રાતોરાત આ જંત્રીદર વધારી દેવામાં આવ્યો છે. શહેરના વિકાસ માટે જંત્રીદર વધારવો એ યોગ્ય છે, પરંતુ એકસાથે આટલો બધો વધારો અમલમાં મૂકવા જાય એ સ્વીકાર્ય નથી.