સોમવારે સવારે દિલ્હીની 40 શાળાઓને ઈ-મેલ દ્વારા બોમ્બની ધમકી મળી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેમાં મધર મેરી સ્કૂલ, બ્રિટિશ સ્કૂલ, સલવાન પબ્લિક સ્કૂલ, કેમ્બ્રિજ સ્કૂલનો સામેલ છે. સાવચેતીના પગલારૂપે તમામ શાળાના બાળકોને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે. દિલ્હી પોલીસે જણાવ્યું કે બોમ્બની ધમકીની માહિતી સૌપ્રથમ ડીપીએસ આરકે પુરમથી સવારે 7.06 વાગ્યે અને જીડી ગોએન્કા પશ્ચિમ વિહારથી સવારે 6.15 વાગ્યે મળી હતી. આ પછી પોલીસ, ડોગ સ્કવોડ, સર્ચિંગ સ્કવોડ અને ફાયર બ્રિગેડની ટીમો ત્યાં મોકલવામાં આવી હતી. જો કે તપાસમાં કશું જ શંકાસ્પદ મળ્યું ન હતું. આ ધમકી ઈ-મેલ દ્વારા આપવામાં આવી હતી. મેલ મોકલનાર વ્યક્તિએ બોમ્બ વિસ્ફોટ ન કરવા બદલ 30 હજાર યુએસ ડોલર માંગ્યા છે. આ પહેલીવાર નથી જ્યારે દિલ્હીની શાળાઓમાં બોમ્બની ધમકી મળી હોય. મે 2024માં પણ 150થી વધુ શાળાઓમાં બોમ્બની ધમકીઓના ઈમેલ મળ્યા હતા. દિલ્હીની 40થી વધુ શાળાઓને 8 ડિસેમ્બરના રોજ લગભગ 11:38 વાગ્યે એક ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેમના કેમ્પસમાં બોમ્બ મૂકવામાં આવ્યા છે. મેલમાં કહેવામાં આવ્યું હતું કે જો બોમ્બ વિસ્ફોટ થશે તો મોટું નુકસાન થશે. મેઈલ મોકલનારએ બ્લાસ્ટ રોકવાના બદલામાં 30 હજાર ડોલરની માંગણી કરી હતી. આ ઘટના બાદ દિલ્હી પોલીસે ઈમેલ મોકલનારને ઓળખવા માટે આઈપી એડ્રેસ અને અન્ય ટેકનિકલ પાસાઓની તપાસ શરૂ કરી છે. ધમકીને કારણે સાવચેતીના પગલારૂપે મોટાભાગની શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી. સવારે જ્યારે બાળકો શાળાએ પહોંચ્યા ત્યારે તેમને ઈમરજન્સી ટાંકીને ઘરે પરત મોકલી દેવામાં આવ્યા હતા. હાલ પોલીસ અને સંબંધિત એજન્સીઓ તપાસમાં લાગેલી છે, અને સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી છે.