ઉનાના અહેમદપુર માંડવી બીચ પાસેના દરિયા કિનારાના ભાગના વિસ્તારમાં બે સિંહો મસ્તી સાથે લટાર મારતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો કિનારે ફરવા આવેલા અજાણ્યા યુવકે પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હતો. જે હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે. બે સિંહની દરિયા કિનારે ડણક સાથે મસ્તી
છેલ્લા ઘણા સમયથી ગીરના સિંહો દરિયા કિનારે વિહરતા જોવા મળે છે. આ સિંહો ગીર જંગલ વિસ્તાર છોડી હવે ગ્રામ્ય વિસ્તારો તરફ જોવા મળી રહ્યા છે. જેની અનેક ઘટનાઓ જોવા મળી છે. જે બાદ હવે આ સિંહો અહેમદપુર માંડવી બીચ અને ઘોઘલા બીચના દરિયા કિનારાના ભાગે જોવા મળે છે. જેમાં બે જેટલા સિંહ ધોળા દિવસે દરિયા કિનારાના ભાગે રેતીમાં ડણક સાથે સામસામે મસ્તી કરતા હતા. જે બાદ એકબીજાથી અલગ થઈ જતાં દરિયા કિનારા પર લટાર મારતા જોવા મળ્યા હતા. ધોળા દિવસે સિંહો જોવા મળતાં લોકોમાં ભય
અંદાજિત 22 જેટલા દિવસોથી ગુજરાતના અહેમદપુર માંડવી અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં સિંહો હોવાની માહિતી મળી છે. હાલ આ ધોળા દિવસે મસ્તી કરતા સિંહોનો વીડિયો વાઇરલ થતાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ઘણા દિવસોથી સિંહનું એક ગ્રુપ દીવમાં આવી ચડ્યું
દીવમાં છેલ્લા ઘણા દિવસોથી સિંહનું એક ગ્રુપ આવી ચડ્યું છે. આ ગ્રુપ દ્વારા દીવના વિસ્તારોમાં રાત્રિના સમયે આંટાફેરા મારતું જોવા મળે છે. દસેક દિવસ પહેલાં પણ વહેલી સવારે વણાકબારા નાગવા બીચ રોડ ઉપર એક સિંહ આવી ચડ્યો હતો. રોડ ઉપર આવી ચડેલા સિંહને વાહનચાલકો અને રાહદારીઓએ મોબાઇલ કેમેરામાં કેદ કર્યો હતો. જોકે હાઇવે રોડ ઉપર લગાવેલી જાળીના લીધે સિંહ આમતેમ ભાગવા માટે પ્રયત્ન કરતો જોવા મળ્યો હતો. અંતે, હાઈવે પર પસાર થતાં વાહનોની અવરજવરના કારણે સિંહ આગળ જતાં અચાનક વળાંક લઇને પાછો વળી ગયો હતો અને ફરી દરિયાઈ કાંઠા વિસ્તાર તરફ ચાલ્યો ગયો હતો. જોકે અવારનવાર સિંહ કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં પ્રવેશ કરતાં લોકોમાં ભયનું વાતાવરણ જોવા મળ્યું હતું.