back to top
Homeગુજરાતભાજપના કાર્યકરનું ધડાધડ ફાયરિંગ, CCTV:સુરતમાં લગ્નપ્રસંગમાં નાચતાં નાચતાં ભાન ભૂલ્યો, પાંચ રાઉન્ડ...

ભાજપના કાર્યકરનું ધડાધડ ફાયરિંગ, CCTV:સુરતમાં લગ્નપ્રસંગમાં નાચતાં નાચતાં ભાન ભૂલ્યો, પાંચ રાઉન્ડ ફાયર કરતાં બે લોકોને પગમાં ગોળી વાગી

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં લગ્નપ્રસંગે ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં ડી.જે.ના તાલે નાચતાં-નાચતાં ભાજપના કાર્યકર ઉમેશ તિવારીએ પોતાની રિવોલ્વર કાઢી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં નાચી રહેલા બે યુવકને પગમાં ગોળી વાગતાં સારવાર માટે ખસેડવા પડ્યા છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. આરોપી છેલ્લા ઘણાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સદસ્ય છે, સાથે શહેરના મોટા નેતાઓ સાથે પણ તેની તસવીર જોવા મળી રહી છે. પોલીસ દ્વારા આરોપીનો વરઘોડો કાઢી ઘટનાસ્થળે લાવી પંચનામું કરવામાં આવ્યું હતું. આરોપી દ્વારા હવામાં 3 રાઉન્ડ અને નીચે 2 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. બૉમ્બ-સ્ક્વોડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયરિંગની ઘટના સીસીટીવીમાં કેદ થઈ
ગઈકાલે (8 ડિસેમ્બર) ડિંડોલીની શક્તિ સોસાયટીમાં રાત્રિના 11 વાગ્યાની આસપાસ ભાજપ કાર્યકર અને ડેનિશ કેકનો માલિક ઉમેશ તિવારી મિત્રના લગ્નપ્રસંગમાં નાચી રહ્યો હતો. આ સમયે ઉમેશે પોતાનો પ્રભાવ બતાવવા માટે લાઇસન્સવાળી રિવોલ્વર કાઢી ધડાધડ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ અને અન્ય બે રાઉન્ડ લોકો વચ્ચે નાચતાં-નાચતાં કર્યું હતું. આ ઘટનામાં ઉમેશ તિવારીની બેદરકારીને કારણે ડીજેમાં નાચી રહેલી બે વ્યક્તિને ઈજા પહોંચી છે. ભાજપ કાર્યકર ઉમેશ તિવારીએ કરેલું ધડાધડ ફાયરિંગ સ્થળે લાગેલા સીસીટીવી કેમેરામાં પણ કેદ થયું છે. ઈજાગ્રસ્ત યુવક ખુરસીમાંથી ઢળી પડ્યો
સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે ફાયરિંગ બાદ ઈજાગ્રસ્ત યુવાન ખુરસી પર બેસી જાય છે અને થોડીવારમાં તે નીચે ઢળી પડે છે. આ બાદ પણ ઉમેશ તિવારી રિવોલ્વર લઈ નાસ્તો દેખાય છે. આ રિવોલ્વર ઉમેશ તિવારીની લાઇસન્સવાળી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ફાયરિંગની ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલો એક યુવાન પાણીપૂરીના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને તેના પગમાં ગોળી વાગી હતી. પોલીસે ઉમેશની ધરપકડ કરી
વટ મારવા માટે હવામાં ફાયરિંગ કરનાર ભાજપના કાર્યકર ઉમેશ તિવારી સામે ડિંડોલી પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે. પોલીસ દ્વારા રિવોલ્વર પણ જપ્ત કરવામાં આવી છે. હવે લાઇસન્સ રદ કરવા માટેની કાર્યવાહીઃ DCP
આ સમગ્ર મામલે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે તેના પરિવારના સભ્યના લગ્નમાં તેણે ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું છે. હાલ આ સીસીટીવી કેમેરામાં દેખાય છે, સાથે મિનિમમ એક અને મેક્સિમમ બે રાઉન્ડ ફાયરિંગ તેણે અલગથી કર્યું છે, જેમાં બે વ્યક્તિને ઈજા થઈ છે. એકનું નામ સંતોષ દુબે છે, જે આ પ્રકરણમાં ફરિયાદી છે અને તેના પગમાં ગોળી વાગી છે. અન્ય વિરેન્દ્ર વિશ્વકર્મા, તેને પણ ગોળી વાગી છે. જે બે લોકોને ગોળી વાગી છે તેમને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે. લાઇસન્સધારક જે વ્યક્તિ છે, તેણે નિયમ વિરુદ્ધ ફાયરિંગ કરી બેદરકારી બતાવી છે, એ સંદર્ભે ફરિયાદ નોંધાય છે, સાથે રિવોલ્વરનું લાઇસન્સ રદ કરવા માટેની પણ કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. હાલ જાણવા મળ્યું છે કે છેલ્લાં ચાર વર્ષથી તે રિવોલ્વર લાઇસન્સ ધરાવે છે. કોર્પોરેશન ચૂંટણી અને વૉર્ડ પ્રમુખ માટે દાવેદારી કરી
ઉમેશ તિવારી છેલ્લાં ઘણાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સદસ્ય છે. શહેરના મોટા નેતાઓ સાથે તેની તસવીર જોવા મળે છે. તે ઉત્તરપ્રદેશનો રહેવાસી છે અને સુરત શહેરમાં પણ વર્ષોથી રહે છે. હાલ વોર્ડ નંબર 27 ડિંડોલીના વોર્ડ પ્રમુખ માટે તેણે દાવેદારી કરી છે. અગાઉ પણ સુરત મહાનગરપાલિકા કોર્પોરેશનની ચૂંટણીમાં પણ તેણે ટિકિટની માગ કરી હતી. તે પોતાની દબંગ છબિ પોતાના વિસ્તારમાં બતાવવા માગે છે. પોતાના કમર પર રિવોલ્વર લટકાવીને હંમેશાં ફરતો રહે છે. કયા આધારે લાઇસન્સ આપવામાં આવ્યું?
પોતાની તસવીર શહેરના કેટલાક નેતા અને પોલીસ અધિકારીઓ સાથે ખેંચીને સોશિયલ મીડિયા પર પણ મૂકે છે. ઉમેશ તિવારી આમ તો કેક શોપ ચલાવે છે. ત્યારે તેના જીવને એવું તો શું જોખમ હોઈ શકે કે તેને રિવોલ્વરનું લાઇસન્સ આપવામાં આવ્યું છે! અત્યારે આ ચર્ચાનો વિષય છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments