બહુતુલ આદિવાસી વિસ્તાર ધરાવતા તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના બુહારી ગામે આધુનિકતાની વિવિધ સેવાઓથી સજ થઈ સ્માર્ટ વિલેજનું બિરુદ મેળવ્યું છે.ત્યારે તાપી જિલ્લાના સ્માર્ટ વિલેજ બુહારીના વિકાસથી પ્રભાવિત થઈ ને વડોદરા જિલ્લાના વિવિધ ગામોના સરપંચોએ બુહારીની મુલાકાત લીધી હતી. સાથે સ્માર્ટ વિલેજ બુહારીની વિવિધ આધુનિકતાઓ અંગે માર્ગદર્શન મેળવ્યું હતું. વાલોડ તાલુકાના એકમાત્ર સ્માર્ટ વિલેજ બુહારીએ વિકાસની હરણફાળ ભરી છે. બુહારી ગામમાં વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. C.C.T.V કેમેરા, ફ્રી-વાઈફાઇ, ઓનલાઈન ફરિયાદ નિવારણ, સુંદર તળાવ, ડોર ટુ ડોર ગાર્બેજ કલેશન સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે વડોદરા જિલ્લાના વિવિધ 20 થી વધુ ગામો જેવા કે પાલડી, કાયાવરોહણ , હનુમાનપુરા, ઢોલારા, ભાનપુર, અંકલીયા, જૂની જયાણી, સુખલીપૂરા, પરથમપૂરા, જૂની જથેરડી, લતવા, ગામટા, નવી જીઠેરડી, આંબલી જેવા ગામોના સરપંચોએ સ્માર્ટ વિલેજ બુહારીની વિકાસ ગાથાથી પ્રેરિત થઈને એક દિવસીય મુલાકાત માટે બુહારી પધાર્યા હતા. ગામના સરપંચ વનિતાબેન ગામિત, ઉપસરપંચ સુરજભાઈ દેસાઇ અને પંચાયત ની સમગ્ર ટીમે પધારેલા સરપંચોનું સ્વાગત કર્યું હતું. સરપંચોને બુહારી ગામની પ્રગતિની વિસ્તૃત માહિતી ઉપસરપંચ સુરજભાઈ દેસાઇએ આપી હતી. વિવિધ સરકારી યોજનાઓ સહિત પંચાયતની આવક કેવી રીતે વધારવી, ગ્રાન્ટ કેવી રીતે મેળવવી વિગેરે જેવા અનેક પ્રશ્નોના જવાબો ઉપસરપંચ એ આપ્યા હતા. પંચાયત ભવનની મુલાકાત બાદ પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ પામેલ તળાવની મુલાકાત લેવામાં આવી હતી. ત્યાર બાદ પ્રવાસન વિભાગની જ ગ્રાન્ટ માથી જીર્ણોધ્ધાર પામી રહેલ રામજી મંદિરની મુલાકાત લીધી હતી. ત્યારબાદ શૈક્ષણિક સંકૂલ માનવ કલ્યાણ ટ્રસ્ટ બુહારીની પણ મુલાકાત સરપંચશ્રીઓએ લીધી હતી. ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાનું એકમાત્ર બુહારી જ એવું ગામ છે કે જેના નિરીક્ષણ માટે રાજ્યભર માથી સરપંચો પધારે છે. સ્માર્ટ વિલેજ બુહારીના વિકાસની વાત રાજયભરમાં થઈ રહી છે. ત્યારે વડોદરા જિલ્લાના વિભિન્ન ગામોના સરપંચોએ બુહારી ગામના વિકાસની ગાથા જોઈ અને પ્રેરણા મેળવી હતી. ગુજરાતના વિવિધ જિલ્લામાથી સરપંચો જ્યારે બુહારીના વિકાસથી પ્રભાવિત થઈને ગામની મુલાકાત માટે આવે છે. એનો શ્રેય સમસ્ત બુહારી ગ્રામવાસીઓને જાય છે. > સુરજ દેસાઇ, ઉપસરપંચ