રાજકોટની યંગ પેરા સ્વિમર નિતી રાઠોડ રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા બની છે. માત્ર 19 વર્ષની ઉંમરે શ્રેષ્ઠ દિવ્યાંગજન તરીકેનો સર્વોચ્ચ પુરસ્કાર મેળવતી તે ગુજરાતની એક માત્ર દીકરી છે. માનસિક દિવ્યાંગતાને મ્હાત આપતી આ પેરા સ્વિમર તરવૈયાઓને પણ હંફાવે તેવી અદભૂત રીતે સ્વિમિંગ કરી રહી છે. સ્વિમિંગની 14 કેટેગરીમાં પારંગત આ દિકરી જ્યારે 7 વર્ષની હતી, ત્યારે પાણી પ્રત્યે ભારે લગાવને કારણે માતા-પિતાએ તેને સ્વિમિંગ શીખવવાનો નિર્ણય કર્યો. બાદમાં દિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક સ્વિમિંગ શીખવવાનો સેવાયજ્ઞ કરી રહેલા વિપુલ ભટ્ટ પાસે માતા-પિતા પહોંચ્યા અને ડાઉન સિન્ડ્રોમ ધરાવતી નિતીએ સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યુ. બાદમાં 10 વર્ષની ઉંમરે નિતીએ જિલ્લા અને રાજ્ય કક્ષાની સ્પેશ્યલ ઓલમ્પિકમાં પ્રથમ સ્થાન મેળવ્યું. જોતજોતામાં આ દીકરીની સફર રાષ્ટ્રીય કક્ષાએ પહોંચી ગઈ. જેથી આ દીકરીનું રાષ્ટ્રીય કક્ષાએ સર્વોચ્ચ સન્માન કરવાનું નક્કી થયુ અને 3 ડિસેમ્બરના દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુંના હસ્તે નિતીને શ્રેષ્ઠ દિવ્યાંગજન પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો. તેનાં બીજા જ દિવસે તે ચેન્નાઇમાં ઇન્ટરનેશનલ સિલેકશનમાં પહોંચી. એશિયન ગેમ્સ અને પેરા ઓલમ્પિક માટેની આ સિલેકશન ગેમમાં તેને બબ્બે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી તેના પરિવાર અને રાજકોટનું નામ રોશન કર્યુ છે. દિવ્યાંગ બાળકોની રોલ મોડેલ બનતી નિતીનુ વિશ્વની સર્વશ્રેષ્ઠ પેરા ઓલમ્પિક ગેમમાં ગોલ્ડ મેડલ મેળવી ભારત દેશનું નામ રોશન કરવાનું સ્વપ્ન છે. નિતીને પાણી સાથે લગાવ હતો, જેથી સ્વિમિંગ પસંદ કર્યુંઃ પિતા
પિતા રાકેશ રાઠોડે જણાવ્યું હતું કે, મારી પુત્રી નિતી ડાઉન સિન્ડ્રોમ છે. વર્ષ 2012થી તેને સ્વિમિંગ કરવાની શરૂઆત કરી હતી. જન્મથી જ અમને ખબર હતી કે, દીકરીને આ પ્રકારની તકલીફ છે. જેથી શરૂઆતથી અમે વિચારતા હતા કે તેને એવી કઈ સ્કીલ ગમે છે કે જેનાથી તેનું ડેવલપમેન્ટ સારું થાય. સામાન્ય રીતે આ પ્રકારના બાળકોને સમાજમાં કોઈ સ્વીકારતું નથી. પરંતુ આપણે તેની સ્કિલ ડેવલપ કરીએ તો તેનું પણ ડેવલપમેન્ટ થાય અને સમાજને સારું યોગદાન પણ મળે. નિતીને શરૂઆતથી પાણી સાથે ખૂબ જ લગાવ હતો. તે પાણીમાં ખૂબ જ રમતી હતી, જેથી અમને વિચાર આવ્યો કે, એવી ગેમ શોધીએ કે તેને પાણી સાથે મજા આવે. જેથી વર્ષ 2012માં અમને કોચ વિપુલભાઈ ભટ્ટને મળ્યા કે જેઓ આ પ્રકારના બાળકોને ટ્રેનિંગ આપવા માટેનો સેવાયજ્ઞ વર્ષ 2007થી ચલાવી રહ્યા હતા. ‘2014માં નિતીએ પ્રથમ વખત ખેલ મહાકુંભમાં ભાગ લીધો’
તેમણે ઉમેર્યું કે, વર્ષ 2012 બાદ કોચ પાસે સ્વિમિંગ શીખવાનું શરૂ કર્યું. જે બાદ વર્ષ 2014માં નિતીએ પ્રથમ વખત ખેલ મહાકુંભમાં ભાગ લીધો. તેની સાથેસાથે સ્પેશિયલ ઓલમ્પિકમાં રાજકોટમાં તેનો પ્રથમ ક્રમ આવ્યો હતો. જેથી બાદમાં નિતીને અલગ-અલગ કોમ્પિટિશન માટે આગળ મોકલવામાં આવી. સ્પેશિયલ ઓલમ્પિકમાં સૌ પ્રથમ રાજકોટ, ત્યારબાદ સ્ટેટ અને નેશનલ કક્ષા સુધી પસંદગી પામી હતી. પરંતુ તે વખતે દીકરી નાની હતી, જેથી તેને મોકલી શક્યા ન હતા. રાષ્ટ્રપતિ હસ્તે શ્રેષ્ઠ દિવ્યાંગનો પુરસ્કાર એનાયત કરાયો
વર્ષ 2021થી પેરા ઓલિમ્પિક શરૂ થઈ ત્યારથી તેમાં ભાગ લેવાનુ નિતીએ શરૂ કર્યુ. બાદમાં તાજેતરમાં 3 ડિસેમ્બરના શ્રેષ્ઠ દિવ્યાંગ પુરસ્કાર જે રાષ્ટ્રીય પુરસ્કાર ગણવામાં આવે છે. જે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો. તે સમયે ચેન્નઈમાં પણ તેની ઇવેન્ટ હતી, જે એશિયન ગેમ્સ, પેરા ઓલમ્પિક અને વર્લ્ડ ઓલમ્પિક માટે ઇન્ટરનેશનલ સિલેક્શન હતું. જેમાં પણ નિતીએ 2 ગોલ્ડ મેડલ મેળવ્યા છે. હાલ નિતી ધો. 11માં અભ્યાસ કરે છે. પેરા ઓલમ્પિકમાં ગોલ્ડ મેડલ લાવી ભારતનું નામ રોશન કરવાનું નિતીનું સ્વપ્ન છે. જે માટે તે હાલ તૈયારી કરી રહી છે. 250 જેટલા દિવ્યાંગ બાળકોને તાલિમ આપી છેઃ કોચ
જ્યારે કોચ રાજકોટ મનપાના મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્નાનાગાર ખાતે ચીફ ઇન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતા અને છેલ્લા 34 વર્ષથી સ્વિમિંગ કોચિંગ આપતા વિપુલ ભટ્ટે જણાવ્યુ હતુ કે, વર્ષ 2007થી દિવ્યાંગ બાળકોને નિઃશુલ્ક સ્વિમિંગની પ્રેક્ટિસ કરાવવાનો સેવાયજ્ઞ શરૂ કર્યો છે. અત્યારસુધીમાં 250 જેટલા દિવ્યાંગ બાળકોને તાલિમ આપી છે, પરંતુ વર્ષ 2019માં જીતેન્દ્રભાઈ હરખાણી કે જેને ઓલમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ જીત્યા હતા. જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે બાળ પ્રતિભા પુરસ્કાર મળી ચૂક્યો છે અને બીજી દીકરી છે નિતી રાકેશભાઈ રાઠોડ કે જેને રાષ્ટ્રપતિના હસ્તે રાષ્ટ્રીય પુરસ્કાર મળેલો છે. આ બાળકી વર્ષ 2012થી મારી પાસે સ્વિમિંગ શીખી રહી છે. નિતીએ 2012થી સ્વિમિંગ શરૂ કર્યું
રાજકોટમાં રહેતા તેજલબેન અને શિક્ષક રાકેશભાઈ રાઠોડને ત્યાં વર્ષ 2005માં નિતી રાઠોડનો જન્મ થયો હતો. તેણી બૌદ્ધિક વિકલાંગતા-ડાઉન સિન્ડ્રોમ સાથે જન્મી હતી. પરંતુ સ્વિમિંગ માટેની તેની નિશ્ચય અને જુસ્સાએ તેને રમતગમતમાં નોંધપાત્ર સિદ્ધિઓ હાંસલ કરવા માટે પ્રેરિત કર્યું છે. તેણીને સ્વિમિંગનો શોખ છે અને તેણીએ વર્ષ 2012માં સ્વિમિંગ શરૂ કર્યું હતું. રાજકોટના મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વિમિંગ પૂલ ખાતે પ્રશિક્ષિત કોચ વિપુલ ભટ્ટના માર્ગદર્શન હેઠળ નિતીએ તેની કુશળતા અને તેની સ્વિમિંગ તકનીક વિકસાવવાનું શરૂ કર્યું. નિતી દિવ્યાંગ બાળકો માટે રોલ મોડલ બની
જ્યારે તેણે પ્રથમ વખત પૂલમાં ડૂબકી મારી ત્યારે નિતીએ સ્વિમિંગ માટેની સ્વાભાવિક લગાવ દર્શાવ્યો. નિતીનું સ્વિમિંગમાં પ્રવેશ વ્યક્તિગત પડકારોને પાર કરવા અને રમતને સશક્તિકરણના સાધન તરીકે અપનાવવાની ઇચ્છાથી પ્રેરિત છે. અસંખ્ય પડકારોનો સામનો કરવા છતાં, નિતીએ ક્યારેય તેની વિકલાંગતાને તેની વ્યાખ્યા અથવા તેની ક્ષમતાઓ પર પ્રતિબંધ મૂકવાની મંજૂરી આપી નથી. તેના બદલે, તેણીએ પાણીને તેના ક્ષેત્ર તરીકે સ્વીકાર્યું, જ્યાં તેણી તેની સાચી ક્ષમતા દર્શાવી શકે. તેણે માત્ર તેની રમતમાં જ પ્રગતિ કરી નથી, પરંતુ તે દિવ્યાંગ બાળકો માટે ઉદાહરણરૂપ ‘પેરા સ્વિમર’ અને એક રોલ મોડલ પણ બની છે. સ્વિમિંગ ક્ષેત્રમાં નિતીની સિદ્ધિઓ અદભૂત છે. નિતીએ રાજકોટ તેમજ સૌરાષ્ટ્રનું નામ ગુંજતું કર્યું
નિતી સમગ્ર રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં એકમાત્ર એસ 14 કેટેગરીમાં પેરા સ્વિમર છે. જેને રાષ્ટ્રીય સ્તરે પોતાની આવડત અને મહેનત વડે રાજકોટ તેમજ સૌરાષ્ટ્રનું નામ ગુંજતું કર્યું છે. નિતી રાઠોડ દરેક એવા બાળકો અને માતા-પિતા માટે એક પ્રેરણા અને ઉદાહરણ છે જે કોઈને કોઈ વિક્લાંગતાથી પીડાઈ છે. ડાઉન સિન્ડ્રોમ ધરાવતી નિતી રાઠોડે આપણને બતાવ્યું છે કે મર્યાદાઓ માત્ર તેમના મનમાં જ અસ્તિત્વ ધરાવે છે જે તેને માનતા હોય છે. સ્વિમિંગમાં તેની અદભૂત સિદ્ધિઓએ માત્ર તેના પોતાના જીવનને જ ઊંચું કર્યું નથી, પરંતુ અનેક અન્ય લોકોને તેમની પોતાની ક્ષમતાઓમાં વિશ્વાસ રાખવા અને તેમના સપનાઓને અવિરતપણે અનુસરવા માટે પ્રેરણા આપી છે. નિતી રાઠોડની કહાની આપણાં બધા માટે એક તેજસ્વી ઉદાહરણ છે. સૌથી નાની વયમાં શ્રેષ્ઠ દિવ્યાંગજન સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ પેરા સ્વિમર
તાજેતરમાં તા.3 ડિસેમ્બર 2024ના રોજ શ્રેષ્ઠ દિવ્યાંગજન તરીકે રાષ્ટ્રીય પુરસ્કાર માટે પસંદગી પામેલ છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા શ્રેષ્ઠ દિવ્યાંગજન (માનસિક અસમર્થતા વિભાગ)માં સન્માનીત કરવામાં આવેલ છે. કોઈ પણ દિવ્યાંગજન માટે આ બહુ મોટી ઉપલબ્ધિ ગણવામાં આવે છે. નિતી રાઠોડ સમગ્ર રાજ્યના સૌથી નાની વયની માનસિક અસમર્થતા વિભાગમાં આ સન્માન પ્રાપ્ત કરનાર પ્રથમ પેરા સ્વિમર છે. 2013 થી તેણીએ સ્થાનિક સ્તર, રાજ્ય સ્તર અને રાષ્ટ્રીય સ્તરે આયોજિત ઘણી સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. નિતીની ઊંચી ઉડાન સ્વરૂપ સિધ્ધિઓ
વર્ષ 2015: SOG (સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત) દ્વારા આયોજિત જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો.
સ્થળ: રાજકોટ
ઇવેન્ટ: ફ્રી સ્ટાઇલ 25 મીટર અને 50 મીટર- રાજકોટમાં પ્રથમ સ્થાન મેળવ્યું વર્ષ 2015: SOG (સ્પેશિયલ ઓલિમ્પિક ગુજરાત) દ્વારા આયોજિત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લીધો.
સ્થળ: આણંદ
ઇવેન્ટ: ફ્રી સ્ટાઇલ 25 મીટર- પ્રથમ સ્થાન
ઇવેન્ટ: ફ્રી સ્ટાઇલ 50 મીટર- પ્રથમ સ્થાન વર્ષ 2018: રોટરી ક્લબ ઓફ ચિંચવાડ પુણે અને SOB (સ્પેશિયલ ઓલિમ્પિક ભારત) દ્વારા આયોજિત રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લીધો.
સ્થળ: ચિંચવડ, પુણે
ઇવેન્ટ: ફ્રી સ્ટાઇલ 50 મીટર- પ્રથમ સ્થાન મેળવ્યું (ગોલ્ડ મેડલ)
ઇવેન્ટ: બટરફ્લાય સ્ટાઇલ 50 મીટર- ત્રીજું સ્થાન મેળવ્યું (બ્રોન્ઝ મેડલ) વર્ષ 2019: ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાની સ્પર્ધા
સ્થળ: રાજકોટ
ઇવેન્ટ: ફ્રી સ્ટાઇલ 100 મીટર- દ્વિતીય સ્થાન મેળવ્યું
ઇવેન્ટ: બટરફ્લાય 100 મીટર- દ્વિતીય સ્થાન મેળવ્યું
ઇવેન્ટ: બેકસ્ટ્રોક 100 મીટર- દ્વિતીય સ્થાન મેળવ્યું વર્ષ 2020 અને 2021: કોવિડ રોગચાળો- કોઈ સ્પર્ધા નથી વર્ષ 2022: XXI-રાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક સ્પર્ધા આયોજિત પેરા ઓલિમ્પિક સમિતિ ઓફ ઇન્ડિયા
સ્થળ: ઉદયપુર- રાજસ્થાન
ઇવેન્ટ: બેકસ્ટ્રોક સ્ટાઇલ 100 મીટર- દ્વિતીય સ્થાન મેળવ્યું (સિલ્વર મેડલ)
ઇવેન્ટ: બટરફ્લાય 100 મીટર- પ્રથમ સ્થાન મેળવ્યું (ગોલ્ડ મેડલ) વર્ષ 2022: આંતરરાષ્ટ્રીય કક્ષાની (Special Olympic Bharat) વિશેષ ઓલિમ્પિક ભારત સ્પર્ધા માટે પસંદગી. વર્ષ 2022: 15મી ઓગસ્ટ 2022- ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા- જીતુ વાઘાણી- (શિક્ષણ મંત્રી- ગુજરાત રાજ્ય) અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સન્માન પત્ર દ્વારા સન્માનીત કરવામાં આવી. વર્ષ 2023: XXII-રાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક સ્પર્ધા આયોજિત ભારતની પેરા ઓલિમ્પિક સમિતિ
સ્થળ: ગૌહાટી- આસામ
ઇવેન્ટ: બટરફ્લાય સ્ટાઈલ 100 મીટર- પ્રથમ સ્થાન (ગોલ્ડ મેડલ)
ઇવેન્ટ: ફ્રી સ્ટાઇલ 200 મીટર- દ્વિતીય સ્થાન (સિલ્વર મેડલ)
ઇવેન્ટ: વ્યક્તિગત મીડલે (IM) શૈલી 200 મીટર- પ્રથમ સ્થાન (ગોલ્ડ મેડલ) વર્ષ 2023: 26મી જાન્યુઆરી 2023-ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા- ધોરાજી ખાતે જિલ્લા પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં શંકરસિંહ ચૌધરી- (વિધાનસભા અધ્યક્ષ- ગુજરાત રાજ્ય) અને અન્ય મહાનુભાવો હાજરીમાં સન્માન પત્ર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા. વર્ષ 2024: XXIII- રાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક સ્પર્ધા આયોજિત ભારતની પેરા ઓલિમ્પિક સમિતિ
સ્થળ: ગ્વાલિયર- મધ્ય પ્રદેશ
ઇવેન્ટ: બટરફ્લાય સ્ટાઈલ 100 મીટર- દ્વિતીય સ્થાન (સિલ્વર મેડલ) વર્ષ 2024: 15મી ઓગસ્ટ 2024- ગુજરાત સરકારના રમતગમત વિભાગ દ્વારા- લોધિકા ખાતે જિલ્લા કક્ષાની ઉજવણીમાં – જિલ્લા કલેક્ટર અને અન્ય મહાનુભાવોની હાજરીમાં સન્માન પત્ર દ્વારા સન્માનીત કરવામાં આવ્યા. વર્ષ 2024: XXIV- રાષ્ટ્રીય પેરા ઓલિમ્પિક સ્પર્ધા આયોજિત ભારતની પેરા ઓલિમ્પિક સમિતિ
સ્થળ: પણજી- ગોવા
ઇવેન્ટ: બટરફ્લાય સ્ટાઈલ 100 મીટર પ્રથમ સ્થાન (ગોલ્ડ મેડલ) ફ્રી સ્ટાઈલ 100 મીટર- દ્વિતીય સ્થાન (સિલ્વર મેડલ) વર્ષ 2024: સાઈવસ ઈન્ડિયા ઓપન રાષ્ટ્રીય સ્વિમિંગ સ્પર્ધા- 2024
સ્થળ: ચેન્નઈ- તમિલનાડુ
ઇવેન્ટ: બટરફ્લાય સ્ટાઈલ 200 મીટર- પ્રથમ સ્થાન (ગોલ્ડ મેડલ) ફ્રી સ્ટાઈલ 200 મીટર- પ્રથમ સ્થાન (ગોલ્ડ મેડલ) વર્ષ 2024: 3 ડિસેમ્બર, 2024ના દીવસે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા શ્રેષ્ઠ દિવ્યાંગજન (માનસિક અસમર્થતા) વિભાગમાં રાષ્ટ્રીય પુરસ્કાર દ્વારા સન્માનીત કરવામાં આવેલ છે. કોઈ પણ દિવ્યાંગજન માટે આ બહુ મોટી ઉપલબ્ધિ ગણવામાં આવે છે.