ભાજપના ધારાસભ્ય રાહુલ નાર્વેકરને 15મી મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ તરીકે બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. નાર્વેકર 1960 માં રાજ્યની રચના પછી વિધાનસભાના અધ્યક્ષ પદ માટે ફરીથી ચૂંટાયેલા બીજા વ્યક્તિ છે. તેમના પહેલા, બાળાસાહેબ ભારદે મહારાષ્ટ્ર વિધાનસભાના એકમાત્ર સભ્ય હતા જેઓ સતત બે ટર્મ માટે અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. અંતિમ દિવસે બાકીના 4 ધારાસભ્યોએ શપથ લીધા હતા. તેમાં જયંત પાટીલ અને તેમની પાર્ટીના વધુ 3 ધારાસભ્યો હતા. શિવસેનાના વિલાસ ભુમરે, શિવસેનાના (યુબીટી) વરુણ સરદેસાઈ, મનોજ જામસુતકર અને એનસીપીના શેખર નિકમે હજુ સુધી શપથ લીધા નથી. જો કે તે બાદમાં સ્પીકર ઓફિસમાં શપથ લઈ શકે છે. અહીં મહારાષ્ટ્ર વિધાનસભાના ત્રીજા અને છેલ્લા દિવસે સીએમ દેવેન્દ્ર ફડણવીસનો વિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવ શિવસેનાના ધારાસભ્ય ઉદય સામંતે રજૂ કર્યો હતો. આ સિવાય વિધાનસભામાં 14 વટહુકમ પણ રજૂ કરવામાં આવ્યા હતા. રાજ્યપાલ સીપી રાધાક્રિષ્નને હજુ રાજ્ય વિધાનસભાના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધવાનું બાકી છે. વિધાનસભાનું શિયાળુ સત્ર 16 ડિસેમ્બરથી 21 ડિસેમ્બર સુધી નાગપુરમાં ચાલશે. MVAએ નાર્વેકર સામે ઉમેદવાર ઉભા રાખ્યા ન હતા ભાજપના કોલાબા સીટના ધારાસભ્ય રાહુલ નાર્વેકરે 8 ડિસેમ્બરે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેઓ બિનહરીફ ચૂંટાયા હતા કારણ કે વિરોધ પક્ષ મહા વિકાસ અઘાડી (MVA) એ ચૂંટણી ન લડવાનો નિર્ણય લીધો હતો. જો કે, નાના પટોલે સહિત ઘણા વિપક્ષના ધારાસભ્યો સીએમ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને પ્રોટોકોલ મુજબ, વિપક્ષ ગઠબંધનના સભ્યોમાંથી એકને ડેપ્યુટી સ્પીકરનું પદ આપવાની માંગ કરી હતી. એકનાથ શિંદે શિવસેનાથી અલગ થયા અને 2022માં સીએમ બન્યા પછી, રાહુલ નાર્વેકરને સ્પીકર બનાવવામાં આવ્યા. 14મી વિધાનસભામાં અઢી વર્ષ સ્પીકર હતા. ત્યારે શિવસેના ઠાકરે જૂથે તેમના પર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવાના નિર્ણયમાં વિલંબ કરવાનો આરોપ લગાવ્યા હતા. વિપક્ષી નેતાઓને હજુ પણ શંકા, કોઈપણ વિપક્ષ પાર્ટી પાસે 10% સીટો નથી 20 નવેમ્બરના રોજ મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકો પર મતદાન થયું હતું. પરિણામ 23 નવેમ્બરે આવ્યું. મહાયુતિને 230 બેઠકો મળી હતી. જેમાં ભાજપે 132 ધારાસભ્યો, શિવસેનાએ 57 અને એનસીપીના 41 ધારાસભ્યો જીત્યા હતા. જ્યારે મહાવિકાસ અઘાડી (MVA)ને 46 અને અન્યને 12 બેઠકો મળી હતી. MVAમાં, શિવસેના (UBT) 20 બેઠકો જીતી, કોંગ્રેસ 16 અને શરદ પવારની NCP 10 બેઠકો જીતી. બહુમતીનો આંકડો 145 છે. વિપક્ષના નેતૃત્વનો દાવો કરવા માટે પાર્ટી પાસે 10% બેઠકો હોવી જરૂરી છે. આ પદનો દાવો કરવા માટે 288 બેઠકોવાળી મહારાષ્ટ્ર વિધાનસભામાં 29 બેઠકો જરૂરી છે. હાલમાં કોઈપણ વિરોધ પક્ષ પાસે આટલી બેઠક નથી. આવી સ્થિતિમાં, વિધાનસભામાં મુખ્ય વિપક્ષ પાર્ટી અને તેના નેતા નહીં હોય.