દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી… 40 વર્ષની વય મર્યાદાના નિર્ણયથી એકપણ વોર્ડમાં યોગ્ય ચહેરો મળતો નથી
ભાજપ દ્વારા સંગઠન પર્વ અંતર્ગત વોર્ડ અને તાલુકાઓમાં નવા પ્રમુખની વરણીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 7 અને 8 ડિસેમ્બરના રોજ વોર્ડ પ્રમુખ માટે ઉમેદવારી પત્રો પણ સ્વિકારવામાં આવ્યા છે. વોર્ડ પ્રમુખની વરણીમાં હાઇકમાન્ડ દ્વારા વય મર્યાદાનું બાંધણું કરવામાં આવતા કમળમાં કકળાટ વ્યાપી જવા પામ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. 40 વર્ષની ઉંમર ધરાવતા કાર્યકરને જ વોર્ડ પ્રમુખ બનાવવા તેવા નિયમના કારણે હાલ રાજકોટ શહેરના 18 પૈકી એકપણ વોર્ડમાં ભાજપને યોગ્ય ચહેરો મળતો ન હોવાનું ચર્ચાઈ રહ્યું છે. બીજી તરફ 45 વર્ષ સુધીની વય મર્યાદા ધરાવતા કાર્યકરને જો નાછૂટકે પ્રમુખ બનાવવો પડે તો તેના માટે ઘણા ખુલાસા સાથે પ્રદેશ હાઇકમાન્ડ પ્રમુખ પાસેથી ખુલાસા માંગવા પડે તેવી સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે જેના કારણે હાલ નેતાઓ પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. સૌરાષ્ટ્રના એક નેતાનો આવનાર સમયમાં ‘ઉદય’ નિશ્ચિત
ગુજરાત રાજ્યમાં ભાજપ દ્વાર સરકાર અને સંગઠન બન્નેમાં ફેરફાર કરવાની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. સંગઠનમાં પ્રદેશ પ્રમુખથી લઇ સરકારના મંત્રીમંડળમાં ફેરફારની તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે અને આ બધા વચ્ચે હવે ફરીથી સૌરાષ્ટ્રને મહત્વ આપવામાં આવશે તેવી પુરી શક્યતા સેવાઈ રહી છે. સરકાર અને સંગઠન બન્ને જગ્યાએ સૌરાષ્ટ્રના નેતાઓને પણ સમાવવામાં આવશે તેવી ચર્ચાઓ ભાજપના આંતરિક વર્તુળોમાં ચર્ચાઈ રહી છે. જ્ઞાતિ આધારિત સમીકરણોને જોતા હવે ઓબીસી સમાજને પ્રાધાન્ય આપવામાં આવશે તે વાત નિશ્ચિત માનવામાં આવી રહી છે અને તેમાં એક નામ મુખ્ય સ્થાને ચર્ચામાં છે. ચર્ચા મુજબ સૌરાષ્ટ્રના આ નેતાનો આવનાર સમયમાં “ઉદય” નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે. કારણ કે ઓબીસી સમાજનો સક્ષમ ચહેરો છે તેમજ સરકાર અને સંગઠન બન્નેમાં તેઓ મજબૂત પકડ બનાવી શકે તેમ છે જેથી તેઓનો “ઉદય” નિશ્ચિત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભાજપમાં માનીતા કાર્યકર્તાને વોડ પ્રમુખ બનાવવા લોબિંગ શરૂ
ભાજપના નવા સંગઠનની જાહેરાત માટે વોર્ડ પ્રમુખ બનાવવા માટે પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે અંતર્ગત ઉમેદવારી પત્રો ભરાઈ ચૂક્યા છે. જેમાં વોર્ડ પ્રમુખ બનવા માટે કેટલાક નેતાઓ ચોક્કસ કાર્યકર્તાને જ વોર્ડ પ્રમુખ બનાવવા માટે જાતે લોબિંગ કરી રહ્યા છે. અમદાવાદનાં પશ્ચિમ વિસ્તારમાં મુખ્યમંત્રીના નજીકના ગણાતા એક કાર્યકર્તાને વોર્ડ પ્રમુખ બનાવવા માટે નામ મોકલવામાં આવ્યું હોવાની ચર્ચા છે. ગાંધીનગર લોકસભામાં પણ ત્રણથી ચાર વોર્ડમાં માત્ર બે કે ત્રણ લોકોના જ નામ મોકલવામાં આવ્યા છે. જોકે, કેટલાક વોર્ડમાં 40થી 45 વર્ષની વય મર્યાદા નડતરરૂપ બની છે. કેટલાક વોર્ડમાં યોગ્ય ઉમેદવાર જ નથી તો બીજી તરફ કેટલીક જગ્યાએ ચોક્કસ લોકોના જ નામો મોકલવામાં આવ્યા હોવાથી કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી છે કે વોર્ડ પ્રમુખ બનવામાં પણ વય મર્યાદા અને લોબિંગ જ જવાબદાર બનશે. સ્નેહમિલનમાં બધાને આમંત્રણ આપ્યું પણ શહેર ભાજપ પ્રમુખની બાદબાકી કરાઈ
નવું વર્ષ શરૂ થયાનો એક મહિનો પૂર્ણ થઈ ગયો છતાં પણ હજી ભાજપના નેતાઓના સ્નેહમિલન કાર્યક્રમો ચાલી રહ્યા છે. કોંગ્રેસનો હાથ છોડીને ભાજપમાં આવેલા એક નેતાએ સ્નેહમિલન સમારંભનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં આમંત્રિત તરીકે મુખ્યમંત્રીથી લઈને મંત્રીઓ અને ધારાસભ્યોના તેમજ પૂર્વ મંત્રીઓના નામ લખ્યા હતા, પરંતુ શહેર ભાજપ પ્રમુખનું નામ જ લખવામાં આવ્યું નહોતું. ભાજપમાં આવીને હવે ચૂંટણી લડવાની તૈયારીમાં રહેલા મૂળ કોંગ્રેસી નેતાજી ભાજપ પાર્ટીના શહેરના મુખ્ય નેતા ગણાતા એવા પ્રમુખને જ પોતાના સ્નેહમિલન કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું ન હોવા અંગેની ચર્ચા કાર્યકરોમાં જાગી છે. ભાજપ પાર્ટીમાં સિનિયોરીટી અને પ્રોટોકોલ મુજબ કાર્યકરો ચાલતા હોય છે, પરંતુ મૂળ કોંગ્રેસમાંથી આવેલા અને ભાજપમાં કાર્યકરથી લઈને નેતા બની ગયેલા ભાજપના નેતાઓને મહત્વ આપતા નથી. જોકે, આ બધું થાય છે તો કાર્યકરોમાં ચર્ચા છે કે હવે નેતાઓને પણ ખબર પડશે કે ભાજપના કાર્યકર્તાઓને અવગણવાનું કેટલું ભારે પડશે. બે ટર્મથી કોર્પોરેટર હોય તેને ભાજપ ટિકિટ નહીં આપે! અનેકના સપના ચકનાચુર થશે
ભાજપ માટે ગુજરાત એક રાજકીય લેબોરેટરી સમાન બની ગયું છે. અહિં કોઈપણ પ્રકારના નિર્ણય લેવામાં આવે તેનો કાર્યકરો દ્વારા સ્વિકાર કરવામાં આવતો હોય છે. અને એજ રીતે હવે નવો પ્રયોગ કરવા માટે ભાજપ દ્વારા સંગઠન અને સત્તામાં યુવા પેઢીને લાવવા માટે મથામણ કરવામાં આવી રહી છે. જે રીતે સંગઠન માળખાની નવી નિયુક્તીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. એ જ રીતે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે. જેમાં બે ટર્મ કે તેથી વધુ સમયથી ચૂંટાતા નેતાઓને હવે ભાજપ ટિકિટ નહિં આપે તેવી ચર્ચા છે અને જો એવું થાય તો અનેક નેતાઓના સપના ચકનાચૂર થઇ જશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2021માં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં એવા નિયમો ઘડવામાં આવ્યા હતા કે, સતત 3 ટર્મ કે તેથી વધુ સમયથી કોર્પોરેટર રહેલા, 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના હોય તો ટિકિટ મળશે નહિ. આ ઉપરાંત સંગઠનમાં હોદ્દો ધરાવતા હોદ્દેદારે જો ચૂંટણી લડવી હશે તો સંગઠનમાંથી રાજીનામું આપી દેવું પડશે. આ નિર્ણયથી શરૂઆતમાં થોડો હોબાળો ચોક્કસ થયો હતો, પરંતુ કાર્યકરોએ હાઈકમાન્ડના નિર્ણયને વધાવી લીધો હોય તેમ રાજ્યની 8 મહપાલિકાઓ અને 31 જિલ્લા પંચાયતોમાં રેકોર્ડબ્રેક વિજય થયો હતો. સરકારના જળસંચય અભિયાનમાં તેમના જ MLA અને કોર્પોરેટરોને જ રસ નથી
વરસાદી પાણીના સંગ્રહ માટે જળસંચય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. વડાપ્રધાનથી લઇ કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પણ જળસંચય માટે અપીલ કરવામાં આવી છે કે, અમદાવાદમાં જળસંચય અભિયાન અંતર્ગત બનાવવા માટે ભાજપના ધારાસભ્યો અને કોર્પોરેટરો જ રસ નથી ધરાવતા. પરકોલેટીંગ વેલ બનાવવા માટે ધારાસભ્યો અને કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી રકમ ફાળવવામાં આવે તેવું નક્કી કરવામાં આવ્યું છે, પરંતુ કોર્પોરેટરોનું પૂરતું બજેટ હોતું નથી તેમજ પરકોલેટીંગ વેલ બનાવવામાં પણ ક્યાય નામ હોતું નથી જેના કારણે થઈને કોર્પોરેટરો આ માટે બજેટ ફાળવવા તૈયાર થતા નથી. સોસાયટીના ચેરમેન-સેક્રેટરીઓ પણ પરકોલેટીંગ વેલ બનાવવા માટે રસ દાખવી રહ્યા નથી. પરકોલેટીંગ વેલ બનાવ્યા પછી તેનું મેન્ટેનન્સ કરવાની જવાબદારી સોસાયટી ઉપર આવી જતી હોય, ત્યારે તેનો ખર્ચો પણ પછી સોસાયટીને ભોગવવો પડે જેના કારણે લોકો રસ લઈ રહ્યા નથી. AMCના અધિકારીઓ દૂર કરે ને હપ્તાખોરી કરવા પોલીસ જ દબાણો ઉભા કરી દે
અમદાવાદમાં દિન પ્રતિદિન ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. રોડ ઉપર લારી-ગલ્લા સહિતના અનેક દબાણો છે. દરેક વિસ્તારમાં મુખ્ય રોડ પર અનેક જગ્યાઓમાં લારીઓ અને ફૂડવાન ઉભી કરી દેવા માટે પોલીસ જવાબદાર છે. રોડ પરના દબાણો દૂર કરવા માટે કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની ટીમ દબાણ દૂર કરવા માટે જતી હોય છે, ત્યારે સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ અથવા ઇન્સ્પેક્ટર એસ્ટેટ વિભાગના અધિકારીઓને પોતાના હપ્તા ચાલતા હોવાથી દબાણો દૂર કરવા માટેની ના પાડી દે છે, અથવા પોલીસ બંદોબસ્ત આપતા નથી. જો દબાણો દૂર કરવા માટે જાય તો પોલીસ સાથે મદદમાં રહેતી નથી. અમદાવાદના મુખ્ય વિસ્તારોમાં દરેક જગ્યાએ પોલીસ કર્મચારીના જ લારી-ગલ્લા અને ફૂડ વાન હોય છે. પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી ચાની કીટલી પણ ના હટાવવા માટે એસ્ટેટ વિભાગના અધિકારીઓને ફોન કરે છે. પોલીસના કારણે રોડ પર દબાણો દૂર ન થતા હોવાની એસ્ટેટ વિભાગ અને ઝોનના અધિકારીઓએ અધિકારી સુધી રજૂઆત કરી છે. બાંકડાકાંડની તપાસથી AMCએ ટેન્ડરમાં ગૂંચવણ ભરી શરતો મુકતા કોર્પોરેટેરો અટવાયા
સાંસદસભ્ય, ધારાસભ્ય અને કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી સોસાયટીઓ અને ફ્લેટોમાં મૂકવામાં આવતા બાંકડાઓને લઈને ચર્ચા થઈ રહી છે. બાંકડાઓમાં થયેલા ભ્રષ્ટાચારના કારણે કમિશનર દ્વારા વિજિલન્સ તપાસ સોંપવામાં આવી છે, જે બાદ બે વર્ષથી બાંકડાઓ મૂકવામાં આવ્યા નથી. બાંકડાઓમાં કોર્પોરેશનના ઇજનેર વિભાગના અધિકારીઓ અને ભાજપના કોર્પોરેટરોનું નાનું મોટું સેટિંગ થતું હોય છે. પશ્ચિમ વિસ્તારના એક નેતાએ તો પોતાના વિસ્તારમાં બાંકડાઓ મૂકવા માટે તેમની જાણીતી કંપનીના કોન્ટ્રાક્ટ આપવા માટે થઈને અધિકારીઓ પર દબાણ કરી હવે બાંકડાઓ મૂકવાનું શરૂ કર્યું છે તો તપાસના ડરના કારણે હવે કોર્પોરેશનના એન્જિનિયરો દ્વારા ટેન્ડરમાં ગૂંચવણ ભરી શરતો મૂકી દીધી છે. જેના કારણે ટેન્ડર પ્રક્રિયા પણ અટકી પડી છે. સોસાયટીમાં બાંકડાઓ મુકવા માટે હવે ભાજપના કોર્પોરેટરો પણ આઘા પાછા થઈ રહ્યા છે. ભાજપના નેતાઓએ દબાણો દૂર કરાવતા કેટલાક કોર્પોરેટરો નારાજ
અમદાવાદના પશ્ચિમ વિસ્તારના લો ગાર્ડન ખાતે લારી-ગલ્લા સહિતના દબાણોને દૂર કરવા માટે ભાજપના નેતાઓએ દબાણ કરી કામગીરી કરાવી છે. જોકે, આ કામગીરીમાં ભાજપના જ કેટલાક કોર્પોરેટરો નારાજ છે. કેટલાક કોર્પોરેટરો આ દબાણો દૂર થાય તેમાં રસ ધરાવે છે તો કેટલાક કોર્પોરેટરોને સ્થાનિક પોલીસ સાથે અને લારી-ગલ્લામાં હપ્તાનું સેટિંગ હોવાથી દૂર ન કરાવવામાં રસ છે. લો ગાર્ડન ખાતે એસ્ટેટ વિભાગના અધિકારીઓ જ્યારે આ દબાણો દૂર કરવા જાય છે, ત્યારે સ્થાનિક કોઈ લારી ગલ્લાવાળા નથી પરંતુ પૂર્વ વિસ્તારમાંથી પોલીસ કર્મચારીઓના કહેવાથી ત્યાં આવીને લારી ગલ્લા શરૂ કર્યા હોવાની ચર્ચા જાગી છે. ભદ્ર વિસ્તારના કેટલાક પાથરણાવાળાઓ પણ હવે લો ગાર્ડન બાજુ રોડ પર બેસવાની શરૂઆત કરી છે.