દિનેશ જોષી
ડિજિટલ વીજ મીટરના સ્થાને વીજ સ્માર્ટ મીટર નાખવાની પ્રક્રિયામાં હોબાળો થતાં રાજ્ય સરકારે આખી પ્રક્રિયા બદલવી પડી છે. અગાઉ પ્રીપેઇડ સ્માર્ટ મીટરને બદલે હવે પોસ્ટપેઇડ કરવું પડ્યું છે. સાથે જ પોસ્ટપેઇડ કર્યા પછી વીજ વપરાશકર્તા એડવાન્સ બિલ પેમેન્ટ કરે તો સરકાર દ્વારા 2 ટકા ડિસ્કાઉન્ટ આપવાની તૈયારી થઈ રહી છે.
આગામી બજેટ સત્રમાં આ નિર્ણયની જાહેરાત થઈ શકે છે. રાજ્યભરમાં સ્માર્ટ મીટર નાખવાની પ્રક્રિયા અત્યારે ચાલી રહી છે, પણ સરકારે વડોદરામાં આવેલી મુશ્કેલીઓનું મૂલ્યાંકન કરી કેટલાક સુધારા કર્યા છે. નાના વીજ વપરાશકારને વીજ બિલ ભરવામાં મુશ્કેલી ના પડે એટલા માટે પ્રીપેઇડ બિલ ભરવાની પદ્વતિ પોસ્ટપેઇડ કરી નાખી છે. જેમાં એક મહિનો વીજ વપરાશ કર્યા પછી 10 દિવસમાં બિલ ભરવાનું રહે છે. શંકા દૂર કરવા માટે જૂનાં અને સ્માર્ટ બન્ને મીટર મુકાયાં સ્માર્ટ મીટરમાં વધુ બિલ આવે છે તેવી ફરિયાદ આવતા એકલા મધ્ય ગુજરાતમાં જ 300 જેટલાં ચેક મીટર મૂકવામાં આવ્યાં છે. ચેક મીટર એટલે સ્માર્ટ મીટર ઉપરાંત જૂનું મીટર રાખવામાં આવે છે એટલે બંને પ્રકારના મીટરમાં સરખું બિલિંગ થાય છે કે નહીં તે ચેક કરી શકાય છે. બંને એક સરખાં ચાલે તો વીજ વપરાશકારને સંતોષ થાય છે. વધુ બિલ આવતું નથી: અધિકારી રાજ્યમાં વિવિધ સ્થળે સ્માર્ટ મીટર મુકવામાં આવ્યા ત્યારે તેના જૂના મીટરની તુલનામાં નવા મીટરમાં વધારે બિલ આવતું હોવાની સંખ્યાબંધ ફરિયાદો થઈ હતી. જો કે વીજળી વિભાગના અધિકારીઓનું કહેવું છે કે સ્માર્ટ મીટરમાં પણ જેટલા યુનિટ વીજળી વપરાય છે તેના નિયત દરના આધારે જ બિલ બને છે, વધારે બિલ આવતું નથી. દર અડધા કલાકનો વીજ વપરાશ જોઈ શકાય | અત્યારે ઉપયોગમાં લેવાતાં ડિઝિટલ મીટરમાં દરેક રીડિંગ વીજ વપરાશકાર નોંધે તો જ જાણી શકાય છે. જ્યારે સ્માર્ટ મીટરમાં દર અડધા કલાકે વીજ વપરાશકાર તેનો ડેટા જાણી શકે છે. ઉપરાંત આ ડેટા વીજ વપરાશકાર તેના મોબાઇલમાં એપ ડાઉનલોડ કરીને વીજળી વપરાશ તથા સંભવિત બિલની જાણકારી મેળવી શકે છે. રાજ્યમાં કેટલાં સ્માર્ટ મીટર લાગ્યાં?