ગત નવેમ્બર દરમિયાન દેશના શહેરી વિસ્તારોમાં ગ્રાહકોનો ભરોસો (કન્ઝ્યુમર કોન્ફિડન્સ) અત્યાર સુધીના સર્વાધિક સ્તરે રહ્યો છે. સેન્ટર ફૉર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE)નો શહેરી ભારતમાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ 2.5 પોઇન્ટ વધીને 106.67 પર પહોંચ્યો છે. ઑક્ટોબરમાં તે 1.83 પોઇન્ટના ઘટાડા પર હતો. નવેમ્બરમાં શહેરી પરિવારોમાં પોતાની વર્તમાન આર્થિક સ્થિતિ અને ભવિષ્યની સંભાવનાઓને લઇને આશા ચરમ પર હતી. ફ્રિજ, ટીવી, કાર, કમ્પ્યુટર, ફર્નિચર જેવી કંઝ્યુમર ડ્યૂરેબલ વસ્તુઓ ખરીદવા માટેનો સારો સમય માનનારા શહેરી પરિવારોનો ગુણોત્તર નવેમ્બરમાં વધીને 32.9% પર પહોંચ્યો છે. તે જાન્યુઆરી 2016માં CMIE દ્વારા કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ શરૂ કરાયા બાદ સર્વાધિક સ્તરે છે. નવેમ્બરમાં શહેરી પરિવારો વચ્ચે મકાન ખરીદવાના ઇરાદામાં પણ ઉલ્લેખનીય વૃદ્ધિ નોંધાઇ છે. કન્ઝ્યુમર ડ્યૂરેબલ ખરીદવાનો ખરાબ સમય માનનારા શહેરી પરિવારોનો ગુણોત્તર પોતાના સૌથી નીચલા સ્તરે 10.5% પર પહોંચી ચૂક્યો છે. LSEG-ઇપ્સોસના ગત શુક્રવારે જારી કરાયેલા રિપોર્ટ અનુસાર નવેમ્બર દરમિયાન ભારત 29 દેશોના નેશનલ ઇન્ડેક્સ સ્કોરમાં બીજા સ્થાને આવ્યું છે. LSEG-ઇપ્સોસ પ્રાઇમરી કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ ઇન્ડિયા રિપોર્ટ હાલની સ્થિતિ, અપેક્ષાઓ, રોકાણ તેમજ નોકરીની સંભાવનાઓના આધારે કન્ઝ્યુર સેન્ટિમેન્ટને ટ્રેક કરે છે. રિપોર્ટ અનુસાર 64.3ના નેશનલ ઇન્ડેક્સ સ્કોર સાથે ઇન્ડોનેશિયા ટોચ પર છે. ત્યારબાદ 61.0ના સ્કોર સાથે ભારત બીજા ક્રમાંકે છે. આ યાદીમાં માત્ર ઇન્ડોનેશિયા અને ભારત જ એવા દેશો છે જેનો સ્કોર 60 અને તેનાથી ઉપર છે. 50થી ઉપરનો સ્કોર ધરાવતા અન્ય દેશોમાં મેક્સિક્સો (59.5), મલેશિયા (56.9), સિંગાપુર (56.7), યુએસ (55.7), થાઇલેન્ડ (54.8), સ્વીડન (53.6), નેધરલેન્ડ (52.7), બ્રાઝિલ (51.9) સામેલ છે. જ્યારે 40થી ઓછો સ્કોર ધરાવતા દેશોની યાદીમાં જાપાન (37.8), હંગેરી (33.9) અને તુર્કીયે (29.8) સામેલ છે. તહેવારો શહેરી પરિવારોનો ઉત્સાહ દેખાયો, કારનું મોટા પાયે વેચાણ
તહેવારોની ખરીદી દરમિયાન પણ શહેરી ભારતીયોનો ઉત્સાહ છલકાતો હતો. ઑક્ટોબર અને નવેમ્બર 2024 દરમિયાન કારનું રજિસ્ટ્રેશન વાર્ષિક આધાર પર 11.1% વધ્યું હતું. ચાલુ નાણાવર્ષ 2024-25માં માસિક સરેરાશ 3 લાખની તુલનાએ ઑક્ટોબરમાં કારનું રજિસ્ટ્રેશન 4.6% લાખના સર્વાધિક સ્તરે પહોંચ્યું છે.