રાજકોટથી કચ્છ જતા હાઇવે પર માળિયા અને બરાર ગામ નજીકથી કોથળો ભરીને માનવ અંગો મળ્યાં. જેવી જાણ થઇ કે તાબડતોબ પોલીસનાં ધાડાં ત્યાં પહોંચી ગયાં. ખુદ જિલ્લા પોલીસવડાએ પણ મુલાકાત લીધી. તપાસનો ધમધમાટ શરૂ થયો અને 19 દિવસ પછી એક એવો આરોપી ઝડપાયો, જેણે કરેલી કબૂલાતે ફક્ત જામનગર, રાજકોટ જ નહીં, પરંતુ આખા સૌરાષ્ટ્રને હચમચાવી દીધું હતું. હત્યા કરીને લાશના ટુકડા કર્યા પછી એને ફ્રિજમાં રાખવા, બેગમાં ભરીને ફેંકી દેવા. દિલ્હીના શ્રદ્ધા વોકર હત્યા કેસ, બેંગલુરુના મહાલક્ષ્મી મર્ડર કેસ જેવા કિસ્સા આજની પેઢીએ સાંભળ્યા-વાંચ્યા હશે, પણ આવો જ એક કિસ્સો આજથી 24 વર્ષ પહેલાં આપણા ગુજરાતમાં બન્યો હતો. જામનગરના શ્રી સદન હત્યાકાંડ તરીકે ઓળખાતી આ મર્ડર મિસ્ટ્રીમાં એક રાજકારણી દોષિત ઠર્યો. કોર્ટે તેને ફાંસીની સજા ફટકારી, હાલમાં તે જેલમાં છે. ગુજરાત ક્રાઇમ ફાઇલ્સ સિરીઝમાં આજે વાંચો એ સમયે દેશના ત્રીજા સૌથી ભયાનક ટ્રિપલ મર્ડર મિસ્ટ્રીની કાળજું કંપાવી દે એવી સનસનીખેજ વિગતો. 15મી જુલાઇ, 2000ની સવાર પડી હતી. માળિયા-મિયાણા તાલુકાના મોટી બરાર ગામના ઉપસરપંચ અમુભાઇ પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન લગાવે છે. અમુભાઇઃ હેલ્લો, હું બરાર ગામનો ઉપસરપંચ બોલું છું. અહીં અમારા ગામ પાસે હાઇવે પર કોથળા પડ્યા છે, જેમાંથી ભયંકર વાસ આવી રહી છે.
પોલીસ કન્ટ્રોલરૂમઃ તમે એ કોથળાથી દૂર રહેજો, થોડી જ વારમાં અમારી ટીમ ત્યાં પહોંચે છે. માળિયા મિયાણા હાઇવે પર એક જગ્યાએ વહેલી સવારથી પોલીસ જીપની કતારો લાગેલી હતી. પોલીસ હાઇવે પર કાંટાની વાડમાં પડેલા કોથળાની તપાસ કરી રહી હતી. કોથળામાં કપાયેલાં માનવ અંગો ભરેલાં હતાં. આ તપાસ ચાલુ હતી ત્યાં થોડા અંતરે નવાગામ નજીકથી વધુ બે કોથળામાંથી માનવ અંગના કટકા મળતાં જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો. માળિયા એ સમયે રાજકોટ જિલ્લાનો ભાગ હતું, એટલે થોડી જ વારમાં રાજકોટ જિલ્લા પોલીસ વડા અજય તોમર પણ ત્યાં આવી પહોંચ્યા. જેવા તેઓ પોતાના વાહનમાંથી નીચે ઊતર્યા કે નાક આગળ રૂમાલ દબાવીને ઊભેલા કોન્સ્ટેબલથી પીઆઇ સુધીના સ્ટાફે તેમને સેલ્યૂટ મારી. એક અધિકારી તેમને નજીકમાં પડેલા કોથળા પાસે લઇ ગયા. માથું ફાડી નાખે એવી દુર્ગંધ વચ્ચે પીઆઇએ કહ્યું કે ‘સાહેબ, માળિયા-બરાર વચ્ચે થોડા થોડા અંતરેથી આવા બીજા 2 કોથળામાંથી માનવ અંગો મળ્યાં છે. માનવ અંગના જેટલા કટકા છે એ જોતાં એકથી વધુ વ્યક્તિનાં અંગ હોવાનું તારણ છે.’ કોઇ હોસ્પિટલના સ્ટાફે ઓપરેશન પછી કપાયેલાં અંગો આ રીતે ફેંકી દીધા હશે એવો તર્ક અધિકારીએ રજૂ કર્યો હતો, સાથે જ એકથી વધુ વ્યક્તિની હત્યા થઇ છે અને હત્યારાએ પોલીસને ગેરમાર્ગે દોરવા લાશના કટકા કરીને અન્ય જિલ્લામાં ફેંકી દીધા હોય એવી આશંકા પણ દર્શાવી. લાશના ટુકડા મળ્યા, પણ એકબીજા સાથે મેળ ન ખાય એ રીતે કોથળામાં ભરાયેલા હતા. ફક્ત હાથ, પગ જેવાં અંગો જ મળ્યાં હતાં, ખોપડી મળી નહોતી, જેના અવયવો મળ્યા હતા તેનું મોત અંદાજે 25થી 35 દિવસ પહેલાં થયું હોવાનો પોસ્ટમોર્ટમ કરનારા ડોક્ટરનો પ્રાથમિક અભિપ્રાય હતો. વાત રેન્જ આઇજી પી.એલ.જાની સુધી પહોંચી અને તેમણે રાજકોટ, જામનગર અને કચ્છ એમ ત્રણેય જિલ્લાના પોલીસવડાને તપાસ માટે કામે લગાવી દીધા. પોલીસે આ ત્રણેય જિલ્લામાંથી નજીકના દિવસોમાં ગુમ થયા હોય એવી વ્યક્તિની યાદી મગાવી. પોલીસ આકાશપાતાળ એક કરી રહી હતી, પરંતુ કોઇ સફળતા મળતી નહોતી. જે કોથળામાંથી લાશ મળી હતી એ કોથળા પર ફર્ટિલાઇઝર કંપની PPCLનો માર્કો હતો, જેના તાર જામનગર મેરીટાઇમ બોર્ડ સાથે જોડાતાં જામનગર પોલીસ વધુ સક્રિય બની. પોલીસે ત્યાં જઇને તપાસ તો કરી, પરંતુ કોઇ એવી કડી ન મળી. જોકે નજીકના થોડા દિવસોમાં પોલીસને બધા સવાલોના જવાબ મળવાના હતા. અત્યારના સમયમાં તપાસ માટે જે આધુનિક પદ્ધતિઓ છે એ આજથી 24 વર્ષ પહેલાં એટલી બધી નહોતી. વળી, અત્યારે ગામ કે શહેરના વિવિધ વિસ્તારોમાં જે સીસીટીવી જોવા મળે છે એ સીસીટીવી ત્યારે લગાવાતા નહોતા એટલે એ સમયે કેસને ઉકેલવા માટે પોલીસનો મોટો મદાર બાતમીદાર પર જ રહેતો હતો. આવામાં જામનગરની હનુમાન ગેટ પોલીસચોકીના પીએસઆઇ વિષ્ણુદાન ગઢવી સવારથી એક પછી એક બાતમીદારને ચોકીમાં બોલાવીને માનવ અંગના કટકા વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે જેને બોલાવ્યો નહોતો એ બાતમીદાર સામેથી ચોકીમાં આવ્યો. પોલીસચોકીમાં પીએસઆઇ ગઢવી અને એક કોન્સ્ટેબલ માંડણભાઇ સિવાય કોઇ નહોતું છતાં બાતમીદારે આજુબાજુ નજર કરીને કોઇ તેને જોતું તો નથી ને તેની ખાતરી કરી લીધી. પીએસઆઇએ તેને ચા પીવી છે? એવો સવાલ પૂછ્યો, પરંતુ બાતમીદારને તેની પાસે જે વાત હતી એ કહેવાની ઉતાવળ હોય એમ ટેબલ ઉપર બે હાથ ટેકવીને પીએસઆઇના કાન સુધી નમીને કહ્યું, સાહેબ, ચરસ, ગાંજાનો બંધાણી એક વ્યંઢળ ગઇકાલ રાતે નશામાં એવી વાત કરતો હતો કે ભવાન ભીખુ સોઢાએ નાગનાથ ગેટ પાસે શ્રી સદન મકાનમાં રહેતી તેની પ્રેમિકા રંજન શુકલ અને તેનાં બે સંતાન અવનિ અને દેવદત્તની હત્યા કરીને લાશના કટકા કરી નાખ્યા છે! બાતમીદાર આ વાત પૂરી કરે એ પહેલાં પીએસઆઇ ગઢવી પોતાની ખુરસીમાંથી ઊભા થઇ ગયા. મગજમાં ભવાન સોઢાની હિસ્ટ્રી દોડવા લાગી. ભવાન સોઢા એટલે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાર્ડન કમિટી અને સેનિટેશન કમિટીનો પૂર્વ ચેરમેન તેમજ પૂર્વ કોર્પોરેટર. તે ચરસ, ગાંજાનો બંધાણી હતો. મારામારી, ધાકધમકી અને દારૂ જેવા 5થી વધુ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. વકીલ કે.પી. શુકલના અવસાન પછી તેની વિધવા રંજન શુકલના ઘર શ્રી સદનમાં જ પડ્યો રહેતો હતો. પોલીસે 2 માસ પહેલાં જ શ્રી સદનમાં દરોડો પાડીને દેશી દારૂની ભઠ્ઠી ઝડપી હતી. બાતમીદારને ‘રાજી’ કરીને રવાના કર્યા પછી પીએસઆઇ ગઢવીએ તેમના વિશ્વાસુ કોન્સ્ટેબલ યુનૂસ સમા, માંડણભાઇ અને શાહબુદ્દીનભાઇને બોલાવી રંજનબેનના પરિવાર તેમજ ભવાન સોઢાની માહિતી એકત્ર કરવાની સૂચના આપી. પીએસઆઇની સૂચના મળ્યા બાદ ત્રણેય કોન્સ્ટેબલ પોતાના મિશન પર નીકળી પડ્યા હતા. સાંજ સુધીમાં માહિતી એકત્ર કરીને પાછા આવેલા સ્ટાફે કહ્યું- સાહેબ, રંજનબેનનું મકાન એક મહિનાથી બંધ છે. તેની એક બહેન વર્ષા રાજકોટ રહેતી હતી, તેનો સંપર્ક કરતાં તેણે પણ કહ્યું કે તે પખવાડિયામાં બે વખત અહીં આવી હતી, પરંતુ બહેનના ઘરે તાળું મારેલું છે. રંજન જામનગર-લાલપુર રોડ પર આવેલા ચંગા ગામની શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હતી, પરંતુ એક મહિનાથી કહ્યા વિના ગેરહાજર છે. એ જ રીતે તેનાં બન્ને સંતાન પણ એક મહિનાથી સ્કૂલે નથી ગયાં. આટલી માહિતી મળતાં પીએસઆઇને ખ્યાલ આવી ગયો કે આ તમામ કડીઓ એકબીજા સાથે જોડાઇ રહી છે. હવે તેમણે આગળની રણનીતિ ઘડી લીધી. કઇ રીતે રંજન શુકલના ઘરે જવું? કેટલી પોલીસકર્મીઓને સાથે લઇ જવા? આ બધું નક્કી કરી લીધા પછી તેમણે ઉતાવળ કરવાના બદલે રાત સુધી રાહ જોવાનું નક્કી કર્યું, કારણ કે રાત્રે લોકોની ચહલપહલ ઓછી હોય એટલે તપાસમાં કોઇ વાંધો ન આવે. રાત્રે પોલીસની ટીમ રંજન શુકલના મકાને પહોંચી. ચાર માળના મકાનના મુખ્ય દરવાજા પર તાળું મારેલું હતું. એ તાળું તોડીને પોલીસ જેવી અંદર પ્રવેશી એ સાથે જ દુર્ગંધ શરૂ થઇ. બીજા માળની સીડી, ત્રીજા માળના પાણીના ટાંકા પાસે અને અગાસી ઉપર લોહીના ડાઘ, માંસના સુકાઇ ગયેલા લોચા મળ્યા. અભરાઇ પરથી માનવ અંગના કટકા ભરેલી કોથળીના પાર્સલ મળ્યાં. પાણીની ટાંકી ખોલીને અંદર નજર કરતાં કપાયેલા માનવ અંગના બીજા અવયવો હાથ લાગ્યા. આના પછી પોલીસે બેટરીના અજવાળે આખા મકાનના ખૂણેખૂણાની તલાશી લેવાનું શરૂ કર્યું. પોલીસની ટીમમાં રહેલા એક કોન્સ્ટેબલે ફ્રિજનો દરવાજો ખોલ્યો. અંદર નજર કરતાં જ તેના મોઢામાંથી રાડ નીકળી ગઇ અને તે 2 ડગલાં પાછળ હટી ગયો. કોન્સ્ટેબલની રાડ સાંભળીને પીએસઆઇ ગઢવી સહિતનો સ્ટાફ તરત જ ત્યાં પહોંચ્યો. તેમણે ફ્રિજમાં જોયું તો એમાં રંજન શુકલના પુત્ર દેવદત્ત અને પુત્રી અવનિના કપાયેલા માથા હતા. આમ તો પોલીસને લાશ સાથે રોજબરોજનો પનારો પડતો હોય છે એટલે લાશને જોઇને તેમને કોઇ આંચકો ન લાગે, પણ દૃશ્ય જોતાં જ જાણે કે તેમના શ્વાસ એક ક્ષણ માટે થંભી ગયા. ભયાનક દૃશ્યને આંખ અને મગજથી દૂર કરીને પીએસઆઇ ગઢવીએ સ્વસ્થતા કેળવી. તેમણે એલસીબી પીઆઇ ડી.જી. વાઘેલાને ફોન કર્યો અને આખી ઘટનાની માહિતી આપી. પીઆઇ વાઘેલાએ જિલ્લા પોલીસવડા સતીષ વર્માને જાણ કરી, જેના પછી સતીષ વર્મા સહિતનો પોલીસકાફલો રાતે જ શ્રી સદન પહોંચી ગયો. અહીંથી જે માનવ અંગો મળ્યાં એ માળિયા-મિયાણા હાઇવે પરથી મળેલા કોથળામાં ખૂટતાં અંગો હતાં, એટલે આ તમામ અંગોને એફએસએલમાં મોકલી દેવાયાં. હવે જિલ્લા પોલીસવડા સતીષ વર્માના સીધા માર્ગદર્શન હેઠળ પીઆઇ વાઘેલા, પીએસઆઇ ગઢવીની ટીમે ભવાન સોઢાની તપાસ શરૂ કરી. જામનગરથી કાલાવડ જતા કાલાવડ નાકું આવે છે, જ્યાં એક ખેતરમાં બેસીને ભવાન ગાંજાનું સેવન કરતો હતો. ત્યારે પીએસઆઇ ગઢવી અને તેમની ટીમે ત્યાં દરોડો પાડી તેની ધરપકડ કરી હતી. આ તારીખ હતી 5 ઓગસ્ટ, 2000. ધરપકડ બાદ પોલીસે ભવાનની પૂછપરછ આદરી. ભવાન જેને પ્રેમ કરતો હતો તે રંજન અને તેનાં 2 માસૂમ બાળકોની આટલી ક્રૂરતાપૂર્વક હત્યા શા માટે કરી? એવું તો શું બન્યું હતું કે રાતના અંધકારમાં ભવાને ખૂની ખેલ ખેલ્યો? આ સવાલો ફક્ત પોલીસના મનમાં જ નહીં, પરંતુ એ સમયે સૌના મોઢે ચર્ચાઇ રહ્યા હતા. પાર્ટ-2 વાંચવા માટે અહીં ક્લિક કરો આ પણ વાંચો ‘ફોન ચાલુ હતો ને કોઈકે મારી ફ્રેન્ડનું ગળું દબાવી દીધું’: વલસાડના રેપ-મર્ડર કેસની ઇનસાઇડ સ્ટોરી પાર્ટ-1 ‘સાહબ, મૈને એક નહીં, 6 મર્ડર કિયે હૈ’: વલસાડના રેપ-મર્ડર કેસની ઇનસાઇડ સ્ટોરી પાર્ટ-2 ‘હાય, પીયૂષ, મારે તને મળવું છે’:18 વર્ષ પહેલાંના રાજકોટના હાઇપ્રોફાઇલ મર્ડરની કહાની પાર્ટ-1 કરોડપતિ વેપારીના દીકરાની લાશ પેટ્રોલ છાંટી સળગાવી, હત્યા પછી પણ ખંડણી માટે ફોન કર્યો, 18 વર્ષ પહેલાંના રાજકોટના હાઇપ્રોફાઇલ મર્ડરની કહાની પાર્ટ-2 જ્યારે રાજકોટમાં 44 દિવસમાં સ્ટોનકિલરે 3 હત્યા કરી:સંબંધ બાંધ્યા પછી પથ્થરથી માથાં છૂંદતો પાર્ટ-1 સ્ટોનકિલરને પકડવા PI ગે તરીકે ઓળખ આપી રખડ્યા: રાજકોટના સ્ટોનકિલરની કહાની પાર્ટ-2