લંડનથી પરિવારને મળવા માટે આવેલા યુવકની ઘાતકી હત્યા થઇ જતા ચકચારમચી ગઇ છે. હત્યા કરનાર કોઇ અજાણ્યો શખ્સ નહીં, પરંતુ યુવકનો અંગત મિત્ર હોવાનો પર્દાફાશ થયો છે. યુવકે મિત્રની માતાને ગાળ બોલતા ખુની હુમલો કર્યો હતો. બન્ને મિત્રોએ આખો દિવસ સાથે હશીખુશીથી રહ્યા હતા અને મોડીરાતે મામલો બીચક્યો હતો. મિત્ર યુવકને આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા અને બાદમાં ફોન પરિવારને ધમકી આપીને નાસી ગયો હતો. બે દિવસથી મૃતક પાર્લર સંભાળતો હતો
ઘાટલોડીયા વિસ્તારમાં આવેલા યશકુંજ સોસાયટીમાં રહેતા કરણ ઉપેન્દ્રભાઇ પટેલે શાહપુર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાની કોશિષની ફરિયાદ કરી હતી. કરણ વસ્ત્રાપુર ખાતે આવેલી મહાવીર સીસ પાવર કંપનીમાં એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરીને ગુજરાન ચલાવે છે. કરણ તેની પત્નિ, માતા-પિતા, ભાઇ નીહાલ અને દીકરી રીહાના સાથે રહે છે. નિહાલ છેલ્લા ચાર વર્ષથી લંડન રહેતો હતો અને થોડા દિવસ પહેલા અમદાવાદ આવ્યો હતો. નિહાલના લગ્ન વર્ષ 2020માં રીધ્ધી સાથે થયા હતા, પરંતુ અગમ્ય કારણોસર બન્ને અલગ-અલગ રહે છે. કરણના પિતા ઉપેન્દ્રભાઈનું શાહપુર બાઇ સેન્ટર પાસે હરીદર્શન નામથી અમુલનું પાર્લર આવેલુ છે. ઉપેન્દ્રભાઈ બીમાર હોવાથી નિહાલ છેલ્લા બે દિવસથી પાર્લર પર બેસતો હતો. સવારે પણ યુવક ઘરે ન આવતા ભાઈએ ફોન કર્યો
તારીખ 7 ડિસેમ્બરના રોજ પાર્લરની સાફસફાઇ કરવાની હોવાથી કરણ અને નિહાલ થલતેજથી મજુરોને લઇને શાહપુર પહોંચ્યા હતા. આખો દિવસ સફાઇનું કામ ચાલુ રહ્યુ હતું, ત્યારબાદ મોડીરાતે એક વાગ્યાની આસપાસ કરણ ઘરે જતો રહ્યો હતો. પાર્લર પર નિહાલ અને મજુરો કામ કરી રહ્યા હતાં. વહેલી પરોઢ્યે સાડા છ વાગ્યાની આસપાસ નિહાલ ઘરે આવ્યો નહીં, જેથી ઉપેન્દ્રભાઈએ તેને ફોન કર્યો હતો. નિહાલનો ફોન કોઇ અજાણી વ્યક્તિએ ઉપાડ્યો હતો અને ફોન પર તેને જણાવ્યુ હતું કે, આ બેભાન અવસ્થામાં લોહીલુહાણ હાલતમાં કામા હોટલ પાસે પડ્યા છે. જેથી ઉપેન્દ્રભાઈએ તુરંત જ કરણ સહિત ઘરના તમામ સભ્યોનો જાણ કરી હતી. સાથે ઉપેન્દ્રભાઈએ તરતજ શાહપુરમાં આઇસક્રીમની દુકાન ધરાવતા સેતુને કામા હોટલ પાસે જવાનું કહ્યુ હતું. અજાણી વ્યક્તિએ 108ને ફોન કરી બોલાવી
ઉપેન્દ્રભાઈ અને કરણ પણ બાઇક લઇને તરતજ ખાનપુર ખાતે આવેલી કામા હોટલ જવા રવાના થઇ ગયા હતા. પિતા-પુત્ર જ્યારે કામા હોટલ પાસે પહોચ્યા ત્યારે સેતુભાઈ ત્યા હાજર હતાં. જ્યાં તેમને કહ્યુ કે, નિહાલને 108 એમબ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઇ ગયા છે. કામા હોટલ પાસે નિહાલ પાસે રહેલી કાર પડી હતી. સેતુભાઈએ કરણને કારની ચાવી અને નિહાલનો મોબાઇલ આપ્યો હતો. સેતુભાઈએ જણાવ્યુ હતું કે, અહીથી પસાર થતા કોઇ અજાણી વ્યક્તિએ 108ને ફોન કરીને બોલાવી હતી. જ્યારે ઉપેન્દ્રભાઈનો ફોન આવ્યો ત્યાર આજ અજાણી વ્યક્તિએ નિહાલનો ફોન રિસિવ કર્યો હતો. સારવાર દરમિયાન યુવકે દમ તોડ્યો
દરમિયાનમાં નિહાલના મોબાઇલમાં એક અજાણી વ્યકિતનો ફોન આવ્યો હતો. જેણે કહ્યુ હતુ કે, મેજ નિહાલને છરીના ઘા માર્યા છે, તમારાથી જે થાય તે કરી લેજો. સેતુભાઈની વાત સાંભણીને કરણ તરતજ સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો, જ્યા નિહાલ ટ્રોમા વોર્ડમાં બેભાન હાલતમાં હતો અને શરીરમાં અલગ-અલગ જગ્યા પર છરીના ઘા માર્યા હતા. હોસ્પિટલમાં ટૂંકી સારવાર બાદ નિહાલનું મોત થયુ છે. મિત્રએજ મિત્રની હત્યા કરી
નિહાલની કરપીણ હત્યા કરનાર કોઇ અજાણ્યો શખ્સ નહીં, પરંતુ તેનોજ મિત્ર હોવાનો પર્દાફાશ થયો છે. નિહાલના અંગત મિત્ર જય ઓઝાએ તેની હત્યા કરી છે. પોલીસે જયને શોધવા માટે ચક્રોગતિમાન કર્યા છે. નિહાલ પર છરીઓના ઘા ઝીંકી દીધા બાદ જયે તેના મોબાઇલથી ફોન પર છરીઓના ઘા માર્યા હોવાની ધમકી આપી હતી. આખો દિવસ હસીખુશીથી સાથે રહ્યા ને રાતે ખુનીખેલ ખેલ્યો
નિહાલ અને જય બન્ને સારા મિત્રો હતા. નિહાલ લંડનથી આવ્યો, ત્યારે તે સૌથી વધુ જય સાથે રહેતો હતો. પાર્લરનું કામ ચાલુ હતુ, ત્યારે જય પણ નિહાલને મદદ કરાવતો હતો. બન્ને જણાએ આખો દિવસ હસીખુશીથી કાઢ્યો હતો. મોડીરાતે જય અને નિહાલ બે મજુરોને ઉતારવા માટે ગયા હતા, ત્યારે નિહાલે મસ્તી-મસ્તીમાં જયની માતાને ગાળ બોલી હતી. જયને લાગી આવ્યુ હતું અને બાદમાં તે ઘરેથી છરી લઇને આવ્યો હતો. જય નિહાલની વર્ષો જુની મિત્રતા ભુલીને તેના પર આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. રાહદારીને નિહાલનો ફોન ઉપાડ્યો તો જયે તેને પણ ધમકી આપી
રાહદારીએ નિહાલને હોસ્પિટલમાં પહોચાડવા માટે 108ને ફોન કર્યો હતો. બાદમાં તેના પિતા ઉપેન્દ્રભાઇનો ફોન આવ્યો હતો. રાહદારીએ ઉપેન્દ્રભાઈને નિહાલ ઇજાગ્રસ્ત હોવાની જાણકારી આપી હતી. બાદમાં જયનો ફોન આવ્યો હતો, જ્યા રાહદારીએ ફોન રિસિવ કર્યો હતો. રાહદારીને ધમકીના સુરમાં જયે કહ્યુ હતું કે, મેં છરીના ઘા માર્યા છે, તમારે જે કરવું હોય તે કરી લેજો. ધમકી આપ્યા બાદ જયે પોતાનો ફોન સ્વીચઓફ કરીને ફરાર થઇ ગયો હતો.