તેલંગાણાની રાજધાની હૈદરાબાદથી 171 કિલોમીટર દૂર વારંગલ જિલ્લાના આત્મકુર ગામમાં આવેલા 11મી સદીના ઐતિહાસિક મંદિર માટે ગામના લોકોએ દાન એકત્ર કરી પુનરોદ્ધાર કર્યો છે. ગ્રામીણોએ ત્રણ વર્ષ સુધી રાજ્ય પુરાતત્ત્વ વિભાગના ચક્કર લગાવ્યા, પણ વિભાગ દર વખતે બજેટ ન હોવાની વાત કહીને ટાળતું રહ્યું. ત્યાર બાદ ગામના લોકોએ દાન એકત્ર કરી પૂર્વજો દ્વારા બનાવેલા મંદિરનો પુનરોદ્ધાર કરવાનો નિર્ણય લીધો. તેમણે 3.75 કરોડ રૂપિયા એકત્ર કર્યા, જેમાં આજુ-બાજુનાં ગામોના મુસ્લિમ અને ઈસાઈ સમાજના લોકોએ પણ મદદ કરી. ‘પંચકુટ શિવાલયમ્’ના અધ્યક્ષ વી. બુચી રેડ્ડીએ કહ્યું કે આ તેલંગાણા રાજ્યનું એકમાત્ર પંચકૂટ શિવમંદિર છે. આ મંદિરની ખાસિયત એ છે કે જે લોકોને સંતાન નથી થતું તેને ત્યાં પ્રાર્થના કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. આપણા પૂર્વજો વર્ષોથી અહીં પૂજા કરતા આવ્યા છે પણ છેલ્લાં કેટલાંક વર્ષોથી આ મંદિર ખંડેરમાં ફેરવાતું જતું હતું. અમે પુરાતત્ત્વ વિભાગ પાસે જીર્ણોદ્ધારની માગણી કરી હતી, પણ કામ ન થયું. માટે અમે દાન એકત્ર કરી મંદિરના જીર્ણોદ્ધારનો નિર્ણય લીધો. આત્મકુરની ઉર્મિલા દેવીએ 36 તોલા સોનું વેચીને 30 લાખનું દાન કર્યું. એ જ ગામના છોટા રઘુ મલ્લિકાએ સોનું વેચી 30 લાખ અને સાંબા રેડ્ડીએ 10 લાખ રૂપિયાનું દાન કર્યું. આત્મકુર ગામના પૂર્વ સરપંચ નેલી સૈમુઅલે કહ્યું કે અમે દાન એકત્ર કર્યા બાદ મદુરેમાં આવેલા યદાદ્રી મંદિરમાં કામ કરનારા મૂર્તિકાર રેથિનાવેલુ અને તેના અન્ય સાથીઓને કામ કરવા બોલાવ્યા.