‘પોલીસકર્મીઓએ તેમને આપેલો દંડો છૂટથી વાપરવો જોઈએ, ગુનેગાર જે ભાષા સમજે એ ભાષાથી સમજાવી શકે તેને જ પોલીસ કહેવાય’ આ શબ્દો છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના. 7 ડિસેમ્બર, 2024ના રોજ સુરત શહેરમાં એક જ દિવસમાં ત્રણ અલગ-અલગ કેસના આરોપીઓના વરઘોડા કાઢવામાં આવ્યા હતા. આ વરઘોડા કલ્ચરમાં જાણે પોલીસ પેટ્રોલિંગ કરવાનું ભૂલી ગઈ હોય એવું લાગી રહ્યું છે. સુરતમાં ગુનેગારોને પાસાના પાંજરે પૂરી તથા હિસ્ટ્રીશીટરોને ચેતવણી આપી કાયદો-વ્યવસ્થા કાબૂમાં આવી ગયાના પોલીસના દાવા બાદ પણ ગુનાખોરી અટકવાનું નામ નથી લેતી. તેનો જીવતો જાગતો પુરાવો ઉધના વિસ્તારમાં સામે આવ્યો છે. અહીંની એક સોસાયટીમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા શખસે પાંચ ફૂટના અંતરમાં જ બે સગીરાની છેડતી કરતાં ચકચાર મચી છે. સગીરાઓની છેડતીની સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી. સુરતમાં પોલીસ એક્ટિવ હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા જ સુરત પોલીસ ઝોન-4 વિસ્તારમાં આવતા પાંડેસરા, ખટોદરા, અલથાણમાંથી 2થી વધુ ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિસ્ટ્રીશિટરોને પોલીસે એક જગ્યા પર હોલમાં ભેગા કરવામાં આવ્યા હતા. 100 જેટલા હિસ્ટ્રીશીટરને ભેગા કરી ડીસીપી ઝોન-4 વિજયસિંહ ગુર્જર દ્વારા હવે ગુનાઓ ન કરવા અપાઇ ચેતવણી આપવામાં આવી હતી.(વાંચો સંપૂર્ણ અહેવાલ) સુરતના ઉધના વિસ્તારનો બનાવ
સુરતના ઉધના વિસ્તારમાં આવેલી એક સોસાયટીની શેરીમાંથી પસાર થતો એક યુવક પહેલા મોપેડ પર બેસેલી એક છોકરીની છેડતી કરે છે, સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે એક મોપેડ પર બેસેલી નાની બાળકી પાસે આરોપી આવીને તેને પકડવાનો પ્રયાસ કરે છે, પરંતુ તે બાળકી ત્યાંથી નાસી જાય છે. ત્યારબાદ, સામેથી આવતી બે દીકરીઓને જુએ છે અને તેમાંથી એક દીકરીને પાછળથી પકડી લે છે. દીકરી જેમ તેમ કરીને પોતાને છોડાવી લે છે અને પોતાની અન્ય બહેનપણી સાથે નાસી જાય છે. આમ જાહેરમાં પાંચ ફૂટના અંતરે જ બબ્બે છોકરીની છેડતી થયાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં આરોપી સામે રોષની લાગણી વરસી રહી છે. તો બીજી તરફ મહિલાઓની સુરક્ષાને લઈ પણ ગંભીર સવાલ ઊઠ્યા છે. ઉધના વિસ્તારમાં 8 ડિસેમ્બર 2024ના રોજ બનેલી આ ઘટનામાં, એક અજાણ્યા ઈસમે સોસાયટીમાં ઘૂસી બે છોકરીઓની છેડતી કરી હતી. સોસાયટીના પ્રમુખ દ્વારા આ અંગે પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. તેમની અરજીમાં જણાવવામાં આવ્યું છે કે, આરોપીએ છોકરીઓ સાથે છેડતી કરી અને તેમને ઉપાડી જવાની કોશિશ કરી હતી. સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે દેખાય છે કે આ વ્યક્તિ નીડર રીતે સોસાયટીમાં આવી રહ્યો છે અને ફરે છે, જે હચમચાવી દેનાર ઘટના છે. આ અંગે ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું કે, “અમને નાની દીકરીઓ સાથે છેડતી કરતો એક વ્યક્તિના સીસીટીવી ફૂટેજ મળ્યો છે. આ અંગે તરત જ પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. આરોપીની ઓળખ માટે પાંચ અલગ-અલગ ટીમો બનાવવામાં આવી છે. અમે સીસીટીવી ફૂટેજ અને અન્ય વિગતોના આધારે આરોપીની ધરપકડના પ્રયાસમાં છીએ.આ ઘટના 8 ડિસેમ્બર 2024ના રોજ બની હતી. સોસાયટીના પ્રમુખે ત્યારે તાકીદે પોલીસને જાણ કરી ન હતી, પણ હવે લેખિત ફરિયાદ આપવામાં આવી છે. મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા માટે કટિબદ્ધ રહીને પોલીસે આ પ્રકરણમાં જવાબદાર વ્યક્તિને ઝડપી પગલાં લેશે. ઓક્ટોબરમાં માંગરોળની સગીરા પર થયો હતો ગેંગરેપ
આ ગેંગરેપ કેસ અંગે વાત કરીએ તો 8 ઓક્ટોબરની રાત્રે 10:45થી 11:15 વાગ્યાની વચ્ચે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટા બોરસરા ગામની સીમમાં ખેતરમાં અવવારૂ જગ્યાએ એક 17 વર્ષ અને 4 મહિનાની સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી, જ્યાં આ ત્રણેય નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવશંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયા અને રાજુ બાઈક પર આવ્યા હતા. પહેલા તો તેમણે આવીને અહીં કેમ ઊભાં છો? એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઇલ પણ નરાધમોએ લઈ લીધા હતા. ત્યાર બાદ તરુણ અને સગીરા બંનેનાં કપડાં ઊતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટો પાડી લેવામાં આવ્યા હતા. આ ફોટો વાઇરલ કરવાની નરાધમોએ ધમકી આપી હતી અને સગીરાને પોતાની સાથે શરીરસંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જોકે જે-તે સમયે તરુણ અને સગીરા બંને નરાધમોને વશ થયાં નહોતાં અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સગીરા પડી જતાં આરોપીઓએ તેને પકડી લીધી હતી અને શેરડીના ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો. રાજ્યમાં મહિલા સુરક્ષાને લઈ 12 દિવસમાં બીજો સવાલ ઊઠ્યો
12 દિવસ પહેલાં અમદાવાદ શહેરમાં મેટ્રો ટ્રેનમાં મુસાફરી દરમિયાન મહિલાઓની સામે એક યુવકે અશ્લીલ હરકતો કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી હતી. જોકે ત્યાર બાદ પોલીસે અશ્લીલ હરકતો કરનારને ઝડપી પાડ્યો હતો, જે માનસિક અસ્થિર હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનાના 12 દિવસમાં સુરતની આ બીજી એવી ઘટના છે કે જેના કારણે મહિલાઓની સુરક્ષાને લઈ ગંભીર સવાલ ઊઠ્યો છે.