ડીજીવીસીએલ દ્વારા હવે સ્માર્ટ મીટરની પ્રિ-પ્રેઈડ રિચાર્જ સિસ્ટમ મરજિયાત કરી દેવાઇ છે. ઉપરાંત મીટરની નવી અરજી અને સોલાર પેનલ લગાવનારને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર લગાવવાની શરૂઆત કરી છે. અત્યાર સુધીમાં વીજ કંપનીએ 48 હજારથી વધુ સ્માર્ટ મીટરો ફિટ કરી દીધા છે. સ્માર્ટ મીટરમાં પ્રિ-પેઈડ રિચાર્જ સિસ્ટમને કારણે ગ્રાહકોમાં તેનો વિરોધ કરાયો હતો, જેને લઈને હાલ પુરતી આ સિસ્ટમ બંધ કરી દેવામાં આવી છે. જેમને ત્યાં સ્માર્ટ મીટર લાગશે તેમણે મહિનાના અંતમાં બિલ ભરવાનું રહેશે. સ્માર્ટ મીટરનો વપરાશ ફોનમાં જોઈ શકાશે તેમજ બિલ ઓનલાઈન તેમજ ઓફલાઈન બંને રીતે ભરી શકશે. 31 હજાર ઘરો, 6 હજાર દુકાન, 1700 સરકારી કચેરીમાં સ્માર્ટ મીટર લાગી ગયાં મહિનાના અંતમાં ઊર્જામંત્રીના ઘરથી ફરી ઝૂંબેશ શરૂ કરાશે સ્માર્ટ મીટર લગાવાવની શરૂઆત કરી ત્યારે લોકોએ વિરોધ કર્યો હતો, જેથી આ પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી. હવે નવેમ્બર મહિનાના અંતમાં ઊર્જા મંત્રી કનુ દેસાઈના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ ડીજીવીસીએલ દ્વારા ફરી સ્માર્ટ મીટર લગાવાવની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી છે. હવે રિચાર્જ સિસ્ટમ બંધ કરીને નવી અરજીમાં સ્માર્ટ મીટર મૂકાઈ રહ્યાં છે સ્માર્ટ મીટર લાગ્યા બાદ ગ્રાહકે પહેલાં રિચાર્જ કરવાનું હતું. ત્યાર બાદ વીજળીનો વપરાશ કરી શકે તેવી વ્યવસ્થા સ્માર્ટ મીટરમાં હતી, જેમાં સ્માર્ટ મીટરમાં બેલેન્સ પૂરું થયા પછી અમુક સમય વીજળીનો ઉપયોગ થયા બાદ ઓટોમેટીક કનેક્શન કપાઈ જતું હતું. જેથી લોકોએ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો હતો. ત્યાં સુધીમાં કંપનીએ 12 હજાર સ્માર્ટ મીટરો લગાવી દીધા હતાં. વિરોધ વધતાં કામગીરી અટકાવી દેવાઈ હતી. ત્યાર બાદ હવે પ્રિપેઈડ રિચાર્જ સિસ્ટમ બંધ કરીને મીટરની નવી અરજીઓમાં સ્માર્ટ મીટર લગાવાઈ રહ્યાં છે. બીજા રાઉન્ડમાં એક પણ ગ્રાહકે ઊંચા બિલની ફરિયાદ નથી કરી ડીજીવીસીએલના અધિકારીએ કહ્યું કે, સ્માર્ટ મીટર લગાવાવની શરૂઆત કરી ત્યારે વધારે બિલ આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે અનેક લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જો કે, વીજ કંપની દ્વારા તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવી છે, જેમના દ્વારા વિરોધ કરવામાં આવ્યો તેમનાં બિલો જેટલાં યુનિટોનો ઉપયોગ થયો છે તેના આધારે જ બન્યાં છે, એટલે વધારે બિલ આવતા હોવાની વાત ખોટી છે. હવે નવા ઘર અને સોલાર પેનલવાળા ઘરોમાં સ્માર્ટ મીટર લગાવાવની શરૂઆત કરવામાં આવી છે, જેમાંથી એક પણ ગ્રાહક દ્વારા વધારે બિલ આવતું હોવાની ફરિયાદ કરાઈ નથી.