આજે રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની અંબાલાલની આગાહી આગાહીકાર અંબાલાલ પટેલે 11 ડિસેમ્બરના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધશે તેવી આગાહી કરી છે. તેમજ અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 થી 17 ડિસેમ્બરના રોજ વાદળો આવી શકે છે અને ડિસેમ્બરના અંતમાં હળવું માવઠું થવાની પણ શક્યતા વ્યક્ત કરી છે. સોમનાથમાં યુરોપિયન પક્ષીઓનું આગમન સોમનાથમાં યુરોપિયન પક્ષીઓનું આગમન થયું છે. ત્રિવેણી સંગમ અને દરિયા કિનારે યાયાવર સીગલ પક્ષીઓ યાત્રિકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યાં છે. લોકો પક્ષીઓને લોટ સહિતનો ખોરાક ખવડાવતાં જોવા મળ્યાં. તો બાળકો પણ આનંદ લેતા નજરે પડ્યા. શિયાળાની શરૂઆત થતાં યુરોપ, રશિયા સહિતના દેશોમાં બરફ પડવાથી આ પક્ષીઓ હુંફાળા વાતવરણમાં માટે ભારત આવે છે. આખા શિયાળા દરમિયાન તેઓ ત્રિવેણી સંગમ અને દરિયા કિનારે વસવાટ કરે છે. અહીં તેઓ બચ્ચાંને જન્મ આપી અહીંજ તેનો ઉછેર કરે છે. ગરમીની શરૂઆત થતાની સાથે જ તે વિદાય લે છે. દીકરીઓની સુરક્ષા મામલે પાટીદારો મેદાને થોડા દિવસ પહેલા જસદણની દીકરી પર વિધર્મી દ્વારા થયેલા દુષ્કર્મ મામલે પાટીદારો મેદાને પડ્યા છે. 9 ડિસેમ્બર, 2024ના રોજ રાજકોટ જસદણ પાટીદાર શૈક્ષણિક સંકુલ ખાતે જસદણ પંથકના પાટીદાર સમાજની મિટિંગનું આયોજન કરાયું હતું. આ મિટિંગમાં દિનેશ બાંભણીયા, મનોજ પનારા, અલ્પેશ કાથીરિયા સહિતના આગેવાનો જોડાયા હતા. આ મિટિંગમાં જસદણ પંથકમાં પાટીદાર સમાજના યુવાનો વ્યાજખોર, ગુંડાગીરી,મહિલાઓને થતી હેરાનગતિ અને સમાજની દીકરીઓ ભાગી જતી અને છેડતી થતી હોવાની ચર્ચા કરવામાં આવી હતી. પાટીદાર આગેવાન મનોજ પનારાએ પાટીદારોની દીકરીને હેરાન કરનારા સામે એક ફોજ બનાવવા સૂચન કરી કહ્યું કે, આવા લોકોને એવું થઈ જવું જોઇએ કે પાટીદારની દીકરીને ચાળો ના કરાય નહીંતર મારી મારીને ભાંગી નાંખે. તેમજ વ્યાજખોરોને બૂચ મારવાનું શરૂ કરવા સલાહ આપી હતી. પાટણમાં નકલી યુનિવર્સિટી હોવાનો MLAનો આક્ષેપ પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યમાં નકલી અધિકારીઓ, કચેરીઓ, ટોલનાકા બાદ હવે પાટણ ખાતે ચાલતી નકલી એમ. કે. યુનિવર્સિટી વિરુદ્ધ કાર્યવાહી કરવા શિક્ષણમંત્રી ઋષિકેશ પટેલને રજૂઆત કરી હતી. પટેલે આરોપ લગાવીને કહ્યું છે કે, વડલી હનુમાનપુરા ખાતે ગુગલ સર્ચ કરો તો ત્યાં માત્ર ફાર્મ હાઉસ છે. એક શેડ બનાવેલો છે. જે માતરવાડી ખાતે આજે પણ કાર્યરત છે. એમ. કે. યુનિવર્સિટીમાં રાજસ્થાનના જિતેન્દ્ર યાદવ ભાગીદાર બન્યા છે. તે સનરાઈઝ યુનિવર્સિટી, રાજસ્થાનના માલિક છે, જેમની રાજસ્થાન SOG પોલીસે ફર્જી ડિગ્રીઓ બાબતે હાલમાં ધરપકડ કરી છે. એમ. કે. યુનિવર્સિટી વિરૂદ્ધ કાર્યવાહી કરવા માટે કિરીટ પટેલે શિક્ષણંત્રીને પત્ર પણ લખ્યો છે. એક ટોળકીએ 12 દિવસમાં 2 યુવકને હનીટ્રેપમાં ફસાવ્યા સુરતમાં એક જ ગેંગ દ્વારા બે યુવકોને અલગ અલગ વિસ્તારમાં ફ્લેટ પર બોલાવી હનીટ્રેપમાં ફસાવ્યા હોવાનું સામે આવ્યું છે. ટોળકીએ પોલીસની ખોટી ઓળખ આપી એક પાસેથી સાડા ચાર લાખ અને બીજા પાસેથી 85 હજાર પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે. પોલીસે દંપતી સહિત છ લોકોને ઝડપી પાડ્યા છે. જેઓ યુવકોને શરીર સુખ માણવાની લાલચ આપી ફ્લેટ પર બોલાવતા હતા અને બાદમાં નકલી પોલીસ બનીને યુવકોને કેસ કરવાની ધમકી આપી પૈસા પડાવતા હતા. આ ટોળકીએ આ પહેલા પણ અન્ય લોકોને ફસાવ્યા હોવાની આશંકા છે. પોલીસે હાલ આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે. ગાયક વિજય સુવાળા પર ઘાતક હુમલાનો પ્રયાસ આમ આદમી પાર્ટી (AAP)ના પૂર્વ નેતા અને હાલમાં ભાજપના કાર્યકર એવા ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાળાની કારને આંતરીને સાતેક લોકોની ગેંગે તલવાર-લાકડીઓ લઈ ઘાતકી હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેનાં પગલે વિજય સુવાળાને ડ્રાઇવર સાથે ફિલ્મી ઢબે જીવ બચાવવા ભાગવાની નોબત આવી હતી. આ હુમલાનો પ્રયાસ પ્રોગ્રામ કરવાના મુદ્દે થયો હોવાનું સામે આવ્યું છે. જેને લઈને અડાલજ પોલીસે અમદાવાદના ત્રણ હુમલાખોરો સામે નામજોગ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં ડમ્પરની અડફેટે બાઈકચાલકનું મોત સુરતમાં ડમ્પરની અડફેટે બાઈકચાલકનું મોત નીપજ્યું. સાંજના સમયે સહારા દરવાજા ફ્લાય ઓવરબ્રિજ પરથી પસાર થતાં બાઈકચાલકને ગાર્બેજ કલેક્ટ કરતાં ડમ્પરે અડફેટે લેતા બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું… ત્યારે હાલ આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.