ગોધરા શહેરમાં આધારકાર્ડની લાઈનો બાદ હવે ગોધરાના સ્થાનિક લોકો અને ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારો પોતાના જન્મ મરણના દાખલા લેવા માટે ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે. વહેલી સવારથી જ ગોધરા નગરપાલિકા કચેરી ખાતે ગોધરાના સ્થાનિક લોકો અને ગ્રામ્ય વિસ્તારના અરજદારો પોતાના જન્મ-મરણની નોંધણી માટે લાઈનોમાં ઊભા થઈ જાય છે. તે છતાં પણ પોતાના કામ થતા નથી જેથી ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા અરજદારોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. ગોધરા શહેરમાં આવેલી નગરપાલિકા ખાતે જન્મ મરણ નોંધણી કચેરીમાં જન્મ મરણના દાખલા મેળવવા તથા સુધારા વધારા માટે શહેરીજનોની મોટી સંખ્યામાં લાઈનો જોવા મળે છે અને ઘણા સમય સુધી ઉભા રહેવા છતાં પણ પોતાનો દાખલો કાઢવામાં આવતો નથી. જેના કારણે નગરજનોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. બીજી તરફ ગોધરા નગરપાલિકા તંત્ર દ્વારા છ જેટલી ગ્રામ પંચાયતનો વિસ્તાર ગોધરા નગરપાલિકા વિસ્તારમાં સમાવેશ કરવામાં આવતા જન્મ મરણ નોંધણી કચેરીમાં લોકોની ભારે ભીડ જોવા મળે છે. ગોધરા નગરપાલિકા કચેરી ખાતે કામગીરીની સામે કર્મચારીઓનું મહેકમ ઓછું હોવાથી લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ત્યારે સ્થાનિક અરજદારોની માગ છે કે નગરપાલિકાના સત્તાધીશો દ્વારા જરૂરિયાત મુજબનું મહેકમ મુકી લોકોને પડતી હાલાકી દુર કરે તેવી શહેરીજનોની માગ કરી રહ્યા છે.