ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમે ત્રીજી વન-ડેમાં ભારતને 83 રને હરાવ્યું હતું. આ સાથે ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની સિરીઝ 3-0થી ક્લીન સ્વીપ કરી લીધી હતી. બુધવારે પર્થના WACA ક્રિકેટ ગ્રાઉન્ડમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 298 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 45.1 ઓવરમાં 215 રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. સધરલેન્ડે 110 રનની ઇનિંગ રમી
ઓસ્ટ્રેલિયા તરફથી એનાબેલ સધરલેન્ડે 110 રનની ઇનિંગ રમી હતી. તેના સિવાય એશ્લે ગાર્ડનરે 50 રનની અણનમ ઇનિંગ રમી હતી અને તાહલિયા મેકગ્રાએ 56 રનની અણનમ ઇનિંગ રમી હતી. ભારત તરફથી અરુંધતી રેડ્ડીએ 4 વિકેટ લીધી હતી. જ્યારે એક વિકેટ દીપ્તિ શર્માને મળી હતી. સ્મૃતિ મંધાનાની સેન્ચુરી
ટાર્ગેટને ચેઝ કરતી વખતે ભારતીય ટીમ માટે વાઇસ કેપ્ટન સ્મૃતિ મંધાનાએ સદી ફટકારી હતી. તેણે 109 બોલમાં 105 રન બનાવ્યા હતા. આ સ્મૃતિની નવમી ODI સદી હતી. આ ઇનિંગ દરમિયાન મંધાનાએ 13 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. હરલીન દેઓલે 39 રનનું યોગદાન આપ્યું હતું. આ બે ખેલાડીઓ સિવાય કોઈ બેટર ક્રિઝ પર ટકી શકી નહોતી. ઓસ્ટ્રેલિયા તરફથી એશ્લે ગાર્ડનરે 5 વિકેટ લીધી હતી. અલાના કિંગ અને મેગન શટ્ટે 2-2 વિકેટ લીધી હતી. એનાબેલ સધરલેન્ડને 1 વિકેટ મળી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત: હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, હરલીન દેઓલ, જેમિમાહ રોડ્રિગ્ઝ, રિચા ઘોષ (વિકેટકીપર), દીપ્તિ શર્મા, મિનુ મણિ, સાયમા ઠાકોર, રેણુકા સિંહ ઠાકુર, અરુંધતિ રેડ્ડી અને તિતાસ સાધુ. ઓસ્ટ્રેલિયા: તાહલિયા મેકગ્રા (કેપ્ટન), ફોબી લિચફિલ્ડ, જ્યોર્જિયા વોલ, એલિસ પેરી, બેથ મૂની (વિકેટકીપર), એનાબેલ સધરલેન્ડ, એશ્લે ગાર્ડનર, સોફી મોલિનેક્સ, એલાના કિંગ, કિમ ગાર્થ અને મેગન શટ.