રાજકોટમાં મેટોડા ખાતે આવેલ ગોપાલ નમકીને પોતાના આવક અને નફા મુજબ ટેક્સ ભર્યો નહોતો. આ અંગે સીજીએસટી ડિપાર્ટમેન્ટે અગાઉ પણ તાકીદ કરી હતી. રૂ.13.50 કરોડનો બાકીનો ટેક્સ ભરી દેવા માટે બે દિવસ પહેલાં જ નોટિસ ભરી દેવા માટે શોકોઝ નોટિસ ફટકારવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, જો ટેક્સ નહિ ભરવામાં આવે તો ટેક્સચોરીની સાથે-સાથે પેનલ્ટી પણ વસૂલાત કરવામાં આવશે. સીજીએસટીના અધિકારીઓના જણાવ્યા મુજબ ગોપાલ નમકીનના હિસાબ-કિતાબોની તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, તેને જે ભરવા પાત્ર ટેક્સ છે તે ભર્યો નથી. આ માટે તેના આવક-જાવક અને વેપારના હિસાબોની ચકાસણી કરવામાં આવી હતી. આ ચકાસણી દરમિયાન તેને કોની કોની સાથે વેપાર કર્યો, માલની ખરીદી કેટલી, વેચાણ કેટલું, સ્ટોકની ગણતરી કરવામાં આવી હતી. પ્રાથમિક તબક્કે જ ચકાસણી કરવામાં આવી હતી. જોકે જ્યારે સીજીએસટીની ટીમ તપાસ અર્થે ગઇ હતી ત્યારે કેટલાક હિસાબ-કિતાબ શંકાસ્પદ લાગતા હતા તે કબજે કરવામાં આવ્યા હતા. હજુ તેની ચકાસણી કરવામાં આવશે. જેની સાથે વેપાર અથવા વેચાણ કરવામાં આવ્યું છે તે પેઢીએ ટેક્સ ભર્યો છે કે કેમ તેમાં કોઇ ટેક્સચોરી છે કે કેમ? તે અંગે પણ તપાસ કરવામાં આવશે.