રાજકોટની મેટોડા GIDCમાં આવેલી ગોપાલ નમકીનની ફે્કટરીમાં ભીષણ આગ લાગતાં દોડધામ મચી છે. કંપનીના મેનેજરના જણાવ્યા મુજબ, દરરોજ તેમની કંપનીમાં 400-500 કામદારો ઉપસ્થિત હોય જ છે. જોકે, આજે બુધવારની રજા હોય કામદારોની સંખ્યા દરરોજ કરતા ઓછી હતી. હાલ આગની ઘટનામાં અંદર કોઈ ફસાયું છે કે નહીં એ અંગે માહિતી મળી નથી. આ આગને કારણે 1 કિલોમીટર દૂરથી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે અને ફેક્ટરીની આસપાસના વિસ્તારમાં લોકોનાં ટોળાં મોટી સંખ્યામાં એકઠાં થઇ ગયાં છે. ભીષણ આગના પગલે મેજર કોલ જાહેર કરાતા રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમો ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી ટેન્કરો પણ દોડાવવાની ફરજ પડી છે. આગની દુર્ઘટનામાં ત્રણ લોકોને સામાન્ય ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે. હજી સુધી જાનહાનિના કોઈ સમાચાર નથી. આગ લાગી તે પ્રોડક્શન યુનિટ પાંચ માળનું
રાજકોટ મેટોડા GIDCમાં આવેલ ગોપાલ નમકીન યુનિટ કુલ 5 માળનું આવેલું છે. આ 5 માળના બિલ્ડિંગમાં નમકીન બનાવવાના યુનિટમાં આગ લાગતા સતત બે કલાકથી પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. આગ પર કાબુ મેળવવા માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે. ફાયર બ્રિગેડના જવાનોની સાથે સાથે ગોપાલ નમકીનમાં કામ કરતા કર્મચારીઓ પણ આગ પર કાબુ લેવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. બારીઓના કાચ તોડીને અને ચારેય દિશામાંથી ફાયર બ્રિગેડ દ્વારા પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવામાં આવી રહ્યો છે. સતત બે કલાકથી આગ પર કાબુ મેળવવા પ્રયત્ન થઇ રહ્યા સી હજુ સુધી આગ કાબુ આવી નથી અને આંગણું વિકરાળ સ્વરૂપ જોતા આ આગને કાબુમાં આવતા હજુ પણ સમય લાગી શકે તેમ છે. જો કે સંપૂર્ણ આગ ક્યારે કાબુમાં આવશે તે હાલના તબક્કે કહેવું મુશ્કેલ છે. રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી
આગની જાણ થતા રાજકોટ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી છે અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. જો કે, ફેક્ટરીમાં બોક્સ અને પ્લાસ્ટિક બેગ વધુ પ્રમાણમાં હોય આગ વિકરાળ બની હોવાનું લાગી રહ્યું છે. હાલ ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબ મેળવવાના પ્રયાસો હાથ ધરાયા છે. કામદારો ફસાયા અંગેની હજી માહિતી નથી- મેનેજર
ગોપાલ નમકીનના મેનેજરે માહિતી આપતા કહ્યં હતું કે, અમારી કંપનીમાં 400-500 માણસો લોકો હાજર જ હોય છે. આગનો બનાવ બન્યો છે તેને કાબૂ લેવા માટે ફાયરબ્રિગેડની ટીમ કામ કરી રહી છે. હજી સુધી અંદર કોઈ ફસાયાની જાણકારી મળી નથી. પુઠ્ઠા, પ્લાસ્ટિક અને તેલના કારણે આગ વિકરાળ બની
ફેક્ટરીમાં વેફર, ફ્રાઈમ્સ, પાપડ જેવી વસ્તુઓનું ઉત્પાદન અને પેકીંગ થતું હોય મોટાપ્રમાણમાં પુઠાના બોક્સ, તેલ, અને પ્લાસ્ટિકનો જથ્થો પડેલો હોય છે. આ તમામ વસ્તુઓના કારણે જ આગે ગણતરીની મિનિટોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યાનું અનુમાન છે. જો કે, આગ લાગ્યાનું કારણ તપાસ બાદ જ સામે આવશે. મેટોડા GIDCના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આજે લગભગ 2 વાગ્યા આસપાસ મેટોડા GIDCમાં આવેલ ગોપાલ નમકીન ફેકટરીમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં પ્રાથમિક દ્રષ્ટિએ શોટસર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું જણાઈ આવે છે. ફેકટરીમાં ફાયર સેફટીના સાધનો ઇન્સ્ટોલ કરાવેલ છે પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા મેજર કોલ આપવાની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. કાલાવડથી ફાયર બ્રિગેડને આવતા સમય લાગી શકે છે સ્વાભાવિક છે પરંતુ રાજકોટ મનપા ફાયર બ્રિગેડને જાણ કરતા એક ગાડી પ્રથમ મોકલી હતી જેને અમે વધુ ફાયર ફાઈટર મોકલી મેજર કોલ હોવાનુ જણાવતા કુલ ચાર ફાયર ફાઈટર મોકલ્યા હતા. અત્યારે 8 જેટલા ફાયર ફાઈટર મદદથી સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અને આગ કાબુમાં આવી જાય તેવું લાગી રહ્યું છે. હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. આગ કાબૂમાં લેવા માટે પાણીના ખાનગી ટેન્કર દોડાવાયા
ફેક્ટરીમાં લાગેલી આગ વિકરાળ બનતા મેજર કોલ જાહેર કરાયો છે. હાલ રાજકોટ ઉપરાંત આસપાસના તાલુકામાંથી પણ ફાયરની ટીમો ઘટનાસ્થળે પહોંચી છે. પરંતુ, આગ વિકરાળ હોય આસપાસથી ખાનગી પાણીના ટેન્કર મંગાવીને પણ હાલ પાણીનો મારો ચલાવાઈ રહ્યો છે. બુધવારની રજા હોવાના કારણે મોટી નુકસાની ટળી
રાજકોટની મેટોડા GIDCમાં ફેક્ટરીઓનો બંધવાર બુધવાર હોય છે. જેના કારણે ગોપાલ નમકીનમાં પણ આજે કામદારોની સંખ્યા ઓછી હતી. જૂજ સંખ્યામાં જ કામદારો હતા. પોલીસના જણાવ્યા મુજબ હજી સુધી કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. તમામ લોકોને સલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું જણાવ્યું હતું. ગોપાલ નમકીનનું વાર્ષિક 500 કરોડનું ટર્ન ઓવર
વર્ષ 1994માં 12 હજાર રૂપિયાના ઉધાર રો-મીટરિયલ્સ સાથે બિઝનેસ શરૂ કરનાર બિપીનભાઈ હદવાણીની ગોપાલ નમકીન આજે વર્ષે 500 કરોડથી વધારેનું ટર્નઓવર કરે છે. મૂળ જામકંડોરણા તાલુકાના ભાદરા ગામના વતની બિપીનભાઇ હદવાણી 1984માં પોતાના પિતા અને ભાઇઓ સાથે ગામડામાં ફરસાણની દુકાન ચલાવતા હતા. 1990માં રાજકોટ આવી પિતરાઇ સાથે રૂ.8500ના રોકાણ સાથે પાર્ટનરશિપમાં ‘ગણેશ’ બ્રાન્ડ સાથે વેપાર શરૂ કર્યો હતો અને સેવ, ગાંઠિયા, દાળમુઠ, ચણાની દાળ, વટાણાના પેકેટ વેચવાના શરૂ કર્યા. ધંધો જામી જતા પિતરાઇ ભાઇએ પાર્ટનરશિપ છૂટી કરી ધંધો સંભાળી લીધો હતો. ભાગીદારી છૂટી જતા 1994ની સાલમાં પત્ની દક્ષાબેન અને બેન-બનેવીના સાથથી નાનામવા રોડ પર રાજનગર-4 ખાતે આવેલા રહેણાકમાં ઝીરો બેલેન્સ સાથે રૂ.12000નો ચણાનો લોટ(બેસન), તેલ અને મસાલાઓ ઉધાર લાવી ‘ગોપાલ’ બ્રાન્ડ શરૂ કરી. સાઇકલ પર ફરીને નમકીન વેચતા ફેરિયાઓને માલ આપી બિઝનેસના શ્રી ગણેશ કર્યા. માત્ર બે વર્ષમાં ધંધો સેટલ થયો, 4 વર્ષ સુધી ઘેર બેઠા બિઝનેસ કર્યા બાદ હરિપરમાં કારખાનું શરૂ કર્યું અને ત્યારથી પ્રગતિ શરૂ થઇ જે સતત ચાલુ રહેતા માત્ર 22 વર્ષમાં બિઝનેસનું ટર્નઓવર રૂ.500 કરોડ પર પહોંચાડ્યું. ગોપાલ નમકીન આજે 20 હજાર સ્કવેર મીટર વિસ્તારમાં અત્યાધુનિક ઓટોમેટેડ પ્લાન્ટ ધરાવે છે. એટલું જ નહીં એક સમયે એક બે પ્રોડક્ટ સાથે શરૂ થયેલી ગોપાલની સફર આજે અનેક પ્રોડક્ટ સુધી પહોંચી છે. થોડા મહિના પહેલા જ ગોપાલ સ્નેક્સ સ્ટોક માર્કેટમાં લિસ્ટ થઈ હતી.