ચાણસ્મા તાલુકાનાં એક ગામની સગીરાનું અપહરણ કરી તેને અલગ અલગ જગ્યાએ લઇ જઈને તેની સાથે રાખીને તેની સાથે દુષ્કર્મ કરવાના પોકસોનાં ગુનાના આરોપસર પાટણની સ્પેશિયલલ પોક્સો કોર્ટનાં જજ સુનિલ એમ. ટાંકે આરોપી વિહતસિંહ ઉર્ફે વિહાજી શંકરજી ઠાકોર (ઉ.વ.23)ને મુખ્ય સજા તરીકે 20 વર્ષની સખત કેદની સજા અને રૂ. 1.07 લાખનો દંડ સાથે સજા ફટકારી હતી. દંડની રકમ વસૂલ આવે તો તેમાંથી રૂ. 1 લાખની રકમ દુષ્કર્મ પીડિતાને વળતરરૂપે ચુકવવાનો આદેશ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ રાજેન્દ્ર પી. રાવલે રજૂઆત કરી હતી. આ કેસની વિગત એવી છે કે, તા. 8-9-2019નાં રોજ રાત્રે તેની માતા સાથે ખાટલામાં સુતેલી 17 વર્ષીય કિશોરી કુદરતી હાજતે જવા ઘરની બહાર નીકળ્યા બાદ તે પરત આવી ન હતી. જેથી તેની માતાએ શોધખોળ કરતાં તે ન મળતાં તેને તેમનાં ઘરે અવારનવાર આવતા આરોપી વિહાજી ઠાકોર ઉપર શંકા ગઈ હતી. જેથી પરિવારે તેનાં ઘેર જઇને જોતાં તે પણ પોતાનાં ઘરે મળી આવ્યો નહોતો. આથી કિશોરીની માતાએ ચાણસ્મા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ હાથ ધરીને બંને શોધી કાઢ્યા હતા અને પીડિતાનાં નિવેદન આધારે આરોપી વિહતસિંહ ઉર્ફે વિહાજીએ પીડિતાને અલગ અલગ જગ્યાએ પોતાની સાથે રાખીને તેની સાથે દુષ્કર્મ કર્યાનો આક્ષેપ થતાં આરોપી સામે પોક્સોની કલમોનો વધારો કરાયો હતો. જે કેસ પાટણની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતાં જજ સુનિલ એમ. ટાંકે બંને પક્ષોની રજુઆતો ધ્યાને લઇને આરોપી વિહતજીને મુખ્ય સજા તરીકે પોક્સો એક્ટ 5(એલ) કલમ ૬ અંતર્ગત 20વર્ષની સખત કેદની સજા અને રૂ. 50.000નો દંડ તથા પોક્સો એક્ટ 3(એ) કલમ-4 અંતર્ગત 10 વર્ષની સખત કેદ અને રૂ. 50.000નો દંડ, આઇપીસી 366-માં 7 વર્ષની સખત કેદ અને રૂ. 5000 નો દંડ તથા આઇપીસી 363 માં ત્રણ વર્ષની સખત કેદ અને રૂ. 2000 નો દંડ ફટકાર્યો હતો તથા દંડ ન ભરે તો વધુ છથી ત્રણ માસની સખત કેદની સજા ભોગવવા તથા દંડની રકમમાંથી રૂ. એક લાખ પીડિતાને વળતર તરીકે ચુકવવાનો આદેશ આપ્યો હતો.