કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી અને અંતરિક્ષ રાજ્ય મંત્રી ડૉ જીતેન્દ્ર સિંહે બુધવારે જાહેરાત કરી હતી કે ભારત 2035 સુધીમાં તેનું સ્પેસ સ્ટેશન બનાવશે. તેનું નામ ‘ભારત સ્પેસ સ્ટેશન’ રાખવામાં આવશે. આ સાથે 2040 સુધીમાં ચંદ્ર પર ભારતીય મોકલવાની યોજના છે. દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં ડૉ. સિંહે જણાવ્યું કે 2025ના અંત સુધીમાં અથવા 2026ની શરૂઆતમાં ગગનયાન મિશન હેઠળ પ્રથમ ભારતીય અવકાશયાત્રી અંતરિક્ષમાં જશે. ઉપરાંત, ભારત તેના ઊંડા સમુદ્રી મિશન હેઠળ 6,000 મીટરની ઊંડાઈ સુધી માનવોને મોકલવાની યોજના બનાવી રહ્યું છે. સ્ટાર્ટ-અપ્સમાં વધારો અને સ્પેસ સેક્ટરમાં સુધારો જીતેન્દ્ર સિંહે કહ્યું કે, સરકાર સ્પેસ સેક્ટરને મેનેજ કરવા માટે નવા કાયદા પર કામ કરી રહી છે. છેલ્લા ચાર વર્ષોમાં, પ્રાઈવેટ પ્લેયર્સએ આ ક્ષેત્રમાં સેટેલાઇટના નિર્માણ અને લોન્ચમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે, જેના કારણે ઘણો સુધારો થયો છે. ડૉ. સિંહે કહ્યું કે 2014માં સ્પેસ સ્ટાર્ટ-અપની સંખ્યા માત્ર એક હતી, હવે તે વધીને 266 થઈ ગઈ છે. તેમણે કહ્યું કે ભારતે શ્રીહરિકોટા પ્રક્ષેપણ સ્થળ પરથી અત્યાર સુધીમાં 432 વિદેશી ઉપગ્રહો લોન્ચ કર્યા છે, જેમાંથી 397 એકલા છેલ્લા 10 વર્ષમાં લોન્ચ કરવામાં આવ્યા છે. વધુમાં, સરકારે ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસ હેઠળ ઈન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઈઝેશન સેન્ટર (IN-SPACe) જેવી સરકારી એજન્સીઓ બનાવી છે, જે ખાનગી સંસ્થાઓને સ્પેસ સેક્ટરમાં કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા, નિયમન કરવા અને મંજૂરી આપવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે .
2040 સુધીમાં અંતરિક્ષમાં ઘણી મોટી યોજનાઓ ડૉ. સિંહે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય સ્પેસ સ્ટેશનના પ્રથમ તબક્કાની સ્થાપના માટે ગગનયાન મિશન શરૂ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ સિવાય ચંદ્રયાન-4 દ્વારા ચંદ્રના ખડકોના નમૂના પાછા લાવવા, શુક્ર ગ્રહનો અભ્યાસ કરવા અને નેક્સ્ટ જનરેશન લોન્ચ વેહીકલ્સ તૈયાર કરવા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા આપવામાં આવી છે. ભારતનું લક્ષ્ય 2047 સુધીમાં વિજ્ઞાન અને અંતરિક્ષમાં વૈશ્વિક લીડર બનવાનું છે. શું છે મિશન ગગનયાન
ગગનયાન એ ભારતનું પ્રથમ માનવ અવકાશ ઉડાન મિશન છે જેના હેઠળ ચાર અવકાશયાત્રીઓ અંતરિક્ષમાં જશે. આ 3 દિવસનું મિશન હશે, જે અંતર્ગત અવકાશયાત્રીઓની એક ટીમને પૃથ્વીની 400 કિમી ઉપરની ભ્રમણકક્ષામાં મોકલવામાં આવશે. આ પછી ક્રૂ મોડ્યુલને દરિયામાં સુરક્ષિત રીતે ઉતારવામાં આવશે. જો ભારત તેના મિશનમાં સફળ થશે તો તે આવું કરનાર ચોથો દેશ બની જશે. આ પહેલા અમેરિકા, ચીન અને રશિયા આવું કરી ચુક્યા છે.