ઇંગ્લિશ બેટર હેરી બ્રુક ICC રેન્કિંગમાં નંબર-1 પર પહોંચી ગયો છે. તેણે પોતાના જ દેશના જો રૂટને પાછળ છોડી દીધો છે. બુધવારે જાહેર કરાયેલ રેન્કિંગમાં ટ્રેવિસ હેડ, કામિન્દુ મેન્ડિસ અને ટેમ્બા બાવુમાને પણ ફાયદો થયો છે. ભારતીય વિકેટકીપર રિષભ પંત ટોપ-10 બેટર્સની યાદીમાં 3 સ્થાનનું નુકસાન થયું છે. બોલરોની રેન્કિંગમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ 890 રેટિંગ પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સને એક સ્થાનનો ફાયદો થયો છે, તે હવે ચોથા સ્થાને પહોંચી ગયો છે. ભારતીય સ્પિનર રવિચંદ્રન અશ્વિન પાંચમા અને રવીન્દ્ર જાડેજા છઠ્ઠા ક્રમે છે. હેરી બ્રુક નંબર વન ટેસ્ટ બેટર
ICCએ જાહેર કરેલા નવી ટેસ્ટ રેન્કિંગમાં ઇંગ્લેન્ડનો હેરી બ્રુક હવે નંબર વન બેટર બની ગયો છે. તેને એક સ્થાનનો ફાયદો થયો છે. અગાઉ તે બીજા સ્થાને હતો. હવે તેનું રેટિંગ વધીને 898 થઈ ગયું છે. જો રૂટ બીજા સ્થાને છે. તેનું રેટિગ 897 છે. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન 812 રેટિંગ સાથે ત્રીજા સ્થાને અને ભારતનો યશસ્વી જયસ્વાલ 811 રેટિંગ સાથે ચોથા સ્થાને યથાવત છે. ટ્રેવિસ હેડને 6 સ્થાનનો ફાયદો
ટ્રેવિસ હેડને ભારત સામેની બીજી ટેસ્ટમાં શાનદાર સદી ફટકારવાનો ફાયદો મળ્યો. તેણે એક સાથે 6 સ્થાનની છલાંગ લગાવી છે. તે હવે 781 રેટિંગ સાથે પાંચમા નંબરે પહોંચી ગયો છે. શ્રીલંકાના કામિન્દુ મેન્ડિસને પણ એક સ્થાનનો ફાયદો થયો છે. તે હવે 759ના રેટિંગ સાથે છઠ્ઠા નંબર પર પહોંચી ગયો છે. સાઉથ આફ્રિકાનો ટેસ્ટ કેપ્ટન ટેમ્બા બાવુમા પણ ત્રણ સ્થાન ઉપર પહોંચી ગયો છે. તે હવે 753 રેટિંગ સાથે સાતમા નંબરે પહોંચી ગયો છે. સ્ટાર્કને 3 સ્થાનનો ફાયદો
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની બીજી મેચમાં શાનદાર બોલિંગ કરનાર મિચેલ સ્ટાર્કને 3 સ્થાનનો ફાયદો થયો છે. હવે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર 746 રેટિંગ સાથે 14માથી 11મા ક્રમે પહોંચી ગયો છે. જસપ્રીત બુમરાહ 890 રેટિંગ સાથે નંબર-1 પર યથાવત છે. રિષભ પંતને પણ નુકસાનનો સામનો કરવો પડ્યો
ન્યૂઝીલેન્ડના ડેરીલ મિચેલને ત્રણ સ્થાનનું નુકસાન થયું છે. તે હવે 729ના રેટિંગ સાથે આઠમા નંબરે પહોંચી ગયો છે. ભારતના રિષભ પંતને પણ 3 સ્થાનનું નુકસાન થયું છે. તે હવે 724 રેટિંગ સાથે નવમા નંબરે સરકી ગયો છે. પાકિસ્તાનના સઉદ શકીલનું પણ રેટિંગ 724 છે.