ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. અંકલેશ્વરની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટમાં ચાર કામદારોના મોતની ઘટના બાદ તેઓ સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા. જેમાં તેઓએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી અને અન્યના જીવ જોખમમાં મૂક્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ડેડીયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા વિરુદ્ધ ભરૂચ જિલ્લામાં વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ પોલીસ ફરિયાદ અંકલેશ્વર GIDC પોલીસ મથકે નોંધાવવામાં આવી છે. થોડા દિવસ અગાઉ અંકલેશ્વરની ડેટોકસ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં બ્લાસ્ટ થતાં ચાર કામદારોના મોત નીપજ્યા હતા. આ બાદ ચૈતર વસાવા તેમના સમર્થકો સાથે કંપની પર પહોંચ્યા હતા અને યોગ્ય વળતર સહિતની માગ કરી હતી. આ મામલે પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.વી. શિયાળિયા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેમાં જણાવ્યા અનુસાર ચૈતર વસાવાએ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરી હતી. આ ઉપરાંત કંપનીના પ્લાન્ટમાં દુર્ઘટના બાદ અન્ય લોકોના જીવને જોખમ હોય તેમ છતાં સમર્થકો સાથે તેઓ કંપની પરિસરમાં પહોંચ્યા હતા અને કંપની બંધ કરાવી દેવાની પણ ધમકી આપી હોવાની પોલીસ ફરિયાદ નોંધવામાં આવ્યું છે. ત્યારે આ મામલે GIDC પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ચૈતર વસાવા વિરૂદ્ધ ઝઘડિયાના રાજપારડી પોલીસ મથકે પણ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં મંજૂરી વગર પદયાત્રા કાઢવાનો તેઓ પર આરોપ લગાવવામાં આવ્યો હતો ત્યારે ચૈતર વસાવા પર એક પછી એક પોલીસ ફરિયાદ નોંધાતા તેમની કાયદાકીય મુશ્કેલીમાં વધારો થશે એ વાત ચોક્કસ છે.