રાજકોટના નામાંકિત ઝવેરી ભાસ્કર પારેખ સહિતના લોકોને 63 લાખના જુગારના નકલી કેસમાં ફસાવી 51 લાખનો તોડ કરવા બદલ ટંકાર પોલીસ મથકના તત્કાલીન પોલીસ ઇન્સપેક્ટર વાય.કે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે મોરબી પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. રાજ્યના પોલીસ તંત્રના ઇતિહાસમાં આટલી મોટી રકમનો તોડ થવા મામલે તપાસ બાદ ફરિયાદ દાખલ થઇ હોવાનો આ પ્રથમ બનાવ છે. આ સમગ્ર તોડકાંડ કેવી રીતે સ્ટેટ મોનિટરિંગ સેલના વડા નિર્લિપ્ત રાય અને Dy.SP કે.ટી. કામરીયા દ્વારા બહાર લાવવામાં આવ્યો તે આપને જણાવીએ. તાજેતરમાં ટંકારાના પી.આઇ. વાય.કે. ગોહિલ કચ્છમાં ભાજપના એક હોદ્દેદારના ત્રણ કાર્યકરોને ઉઠાવી જઇ તોડ કરવામાં આવ્યાની વાત રાજ્યના ગૃહ વિભાગ સુધી પહોંચી હતી. જેથી ગૃહ વિભાગ દ્વારા સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ના વડા નિર્લિપ્ત રાયને આ સમગ્ર મામલે તપાસ કરવા જણાવવામાં આવ્યું. જેથી નિર્લિપ્ત રાયે તપાસ સંભાળી લીધી અને આ તોડ ટંકારના પી.આઇ. વાય.કે. ગોહિલ દ્વારા કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી તેમણે આ અંગે વધુ તપાસ કરી તો જાણવા મળ્યું કે પી.આઇ. ગોહિલ સામે તો મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા કમ્ફર્ટ રિસોર્ટમાં જુગારના એક કેસમાં તોડ કર્યા અંગે ખાતાકિય તપાસ સોંપવામાં આવેલી છે. આ અંગે નિર્લિપ્ત રાય દ્વારા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયને રિપોર્ટ કરવામાં આવ્યો. જેથી વિકાસ સહાયે નિર્લિપ્ત રાયને આ કેસમાં તમે જાતે સ્થળ પર જઇને આ કેસમાં તપાસ કરો તેવો આદેશ આપવામાં આવ્યો. SMCની ટીમ સાથે નિર્લિપ્ત રાય ટંકારા પહોંચ્યા
તેથી નિર્લિપ્ત રાય SMCની ટીમ સાથે મોરબી-રાજકોટ હાઈવે પર ટંકારા ખાતે આવેલ કમ્ફર્ટ રિસોર્ટ પહોંચ્યા હતા. આ એ રિસોર્ટ છે જ્યાં ટંકારા પોલીસ મથકના પોલીસ ઇન્સપેક્ટર વાય.કે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી દ્વારા તા.26/10/2024ના રોજ રાત્રિના આશરે 11:15 વાગ્યે રૂમ નં.105માંથી તીરથ અશોકભાઈ ફળદુ, નિતેષભાઈ ઉર્ફે નીતિન નારણભાઈ ઝાલરિયા, ભાસ્કર પ્રભુદાસ પારેખ, વિમલ રામજીભાઈ પાદરિયા, રઘુવિરસિંહ ઉર્ફે દીપકસિંહ બહાદુરસિંહ જાડેજા, કુલદીપસિંહ વનરાજસિંહ ગોહિલ તથા શૈલેષ ગંગદાસભાઈ ઠુંમર ટાઇમપાસ માટે કોઇનથી જુગાર રમતા હતા. તેમજ ગોપાલ રણછોડભાઈ સભાડ તથા ચિરાગ રસિકભાઈ ધામેચા કમ્ફર્ટ રિસોર્ટના પાકિંગમાં પાર્ક કરેલી ફોર્ચ્યુનર નં. GJ-03-KC-1400માં બેઠા હતા. એ દરમિયાન PI વાય.કે.ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીએ પંચનામા-ફરિયાદમાં ખોટી હકીકત દર્શાવી ખોટા દસ્તાવેજી પુરાવાઓ બનાવી/ઊભા કરી કાર સહિતનો 63 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હોવાનો કેસ દાખલ કરી એને કોર્ટમાં મોકલી આપી એનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો. પૂછપરછમાં 51 લાખનો તોડ કર્યાનું સામે આવ્યું
ટંકારા પહોંચેલી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે કમ્ફર્ટ રિસોર્ટ જુગાર કેસમાં આરોપીઓ અને આ કેસમાં કાર્યવાહી દરમિયાન હાજર પોલીસકર્મીઓના નિવેદન લેવાનું શરુ કર્યું. તો ચોંકાવનારી વિગતો સામે આવી કે PI વાય.કે.ગોહિલ તથા હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકીએ આ કેસના આરોપીઓ પાસેથી 51 લાખ રુપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. આ તોડ પોલીસ દ્વારા સવારે મીડિયાવાળા આવેલ તે પહેલા જામીન આપવા, મીડિયામાં આરોપીઓના ફોટા નહીં આપવા અને ખોટા નામ આપવા, આરોપીઓના ફોન જપ્ત નહીં કરવા, માર નહીં મારવા, આ કેસમાં વધુ વિગતો નહીં ખોલવા અને આરોપીઓને કસ્ટડીમાં સુવિધાઓ પુરી પાડવાના નામે લેવામાં આવ્યા હતા. પોલીસે મીડિયાને પ્રેસનોટમાં ખોટા નામ આપ્યા
51 લાખ રુપિયાનો તોડ કર્યા બાદ પોલીસે મીડિયાને પ્રેસનોટમાં આરોપીઓના નામ ખોટા આપ્યા હતા. જે નીચે પ્રમાણે હતા.
-તિરથભાઇ અશોકભાઇ ફળદુના બદલે રવિ મનસુખભાઇ પટેલ
-વિમલભાઇ રામજીભાઇ પાદરીયાના બદલે વિલભાઇ રામજીભાઇ પટેલ
-ભાસ્કરભાઇ પ્રભુદાસભાઇ પારેખના બદલે ભાસરભાઇ પ્રભુ પારેખ 8 ડિસેમ્બરે PI અને હેડ કોન્સટેબલની સસ્પેન્ડ-બદલી કરાઈ
સ્ટેટ મોનિટરિંગ સેલની સમગ્ર તપાસ બાદ હવે પોલીસ ઇન્સપેક્ટર વાય.કે. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે ભ્રષ્ટાચાર અટકાવવાના અધિનિયમ સહિતની કલમો હેઠળ 51 લાખ રુપિયાનો તોડ કર્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ આ મામલે પી.આઇ. ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સસ્પેન્ડ કરી તેમની બદલી અનુક્રમે અરવલ્લી અને દાહોદ કરવામાં આવી છે. રાજ્યમાં તોડકાંડની શંકામાં તપાસ બાદ 51 લાખ રુપિયાનો તોડ કર્યાની ફરિયાદ નોંધાઇ હોય તેવી આ પ્રથમ ઘટના છે. 51 લાખના તોડકાંડ કેસની ટાઈમલાઈન
ટંકારા પોલીસ સ્ટેશનને તાજેતરમાં જ PSIમાંથી PIના ચાર્જ હેઠળના પોલીસ સ્ટેશન તરીકે અપગ્રેડ કરવામાં આવ્યું હતું. તે બાદ ટંકારા પોલીસ સ્ટેશનના પ્રથમ PI તરીકે 6/9/2024ના રોજ ચાર્જ સંભાળ્યો હતો. ચાર્જ સંભાળ્યાના 50 દિવસ બાદ 26/10/24ના દિવસે ટંકારાની કમ્ફર્ટ રીસોર્ટમાં PIએ રેડ પાડી તોડ કર્યો હતો. જે મામલે SMCની તપાસ બાદ 8/12/2024ના રોજ PI વાય.કે.ગોહિલની સસ્પેન્ડ અને અરવલ્લી જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. ત્યાર બાદ 12/12/2024ના દિવસે તોડબાજ PI સામે ગુનો નોંધાયો હતો. 12 મહિનામાં 9 PI સસ્પેન્ડ જાન્યુઆરી, 2024: તરલ ભટ્ટ તોડકાંડ-2 PI સસ્પેન્ડ
જાન્યુઆરી 2024માં તરલ ભટ્ટ તોડકાંડ સામે આવ્યો હતો. જેમાં કેરળના વેપારી કાર્તિક ભંડારીનું બેંક એકાઉન્ટ જૂનાગઢ SOG દ્વારા ફ્રીજ કરવામાં આવ્યું હતું. આ મામલે તેમણે પોલીસનો સંપર્ક કરતા વેપારીને જૂનાગઢ આવવા માટે કહેવાયું હતું. અહીં આવવા પર વેપારીને EDમાં રિપોર્ટ કરવાની ધમકી આપવામાં આવી હતી અને એકાઉન્ટ અનફ્રીઝ કરવા માટે રૂ.25 લાખની માંગણી કરવામાં આવી હતી. જે બાદ વેપારીએ જૂનાગઢના રેન્જ આઈ.જીનો સંપર્ક કરીને સમગ્ર હકીકત જણાવી હતી. રેન્જ IGએ તપાસ કરાવતા SOG દ્વારા આવા એક-બે નહીં પરંતુ 335 જેટલા એકાઉન્ટ ખોટી રીતે ફ્રીઝ કરવામાં આવ્યા હોવાનો ખુલાસો થયો હતો. જે બાદ માણાવદરના PI તરલ ભટ્ટ, SOGના PI અરવિંદ ગોહિલ અને ASI દીપક જાનીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી, 2024: અંદરો અંદર મારા મારી બદલ 3 PI સસ્પેન્ડ
ફેબ્રુઆરી 2024માં ખેડા જિલ્લામાં નડિયાદ ટાઉન, નડિયાદ પશ્ચિમ અને વડતાલ પોલીસ સ્ટેશનના પીઆઈ સહિત કેટલાક લોકો વચ્ચે મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં ચકચાર મચી હતી. શિસ્તબદ્ધ ગણાતા પોલીસ વિભાગના અધિકારીના આ વીડિયોને ગંભીરતાથી લઈ એસપી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા હતા. આ મામલે નડિયાદ
ટાઉનના તત્કાલીન પીઆઈ હરપાલસિંહ ચૌહાણ, નડિયાદ પશ્ચિમના તત્કાલીન પીઆઈ યશવંત ચૌહાણ અને વડતાલના તત્કાલીન પીઆઈ આર. કે. પરમારને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા હતા. નવેમ્બર 2024: અમદાવાદમાં 2 PI સસ્પેન્ડ
નવેમ્બર, 2024માં અમદાવાદમાં બે PIને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.જેમાં કાગડાપીઠ પોલીસ સ્ટેશનથી થોડે દૂર કુખ્યાત બૂટલેગર અને તેની ગેંગે બે યુવકને જાહેરમાં તલવાર તેમજ હથિયારના ઘા ઝીંકી દીધા હતા, જેમાં એકનું મોત થયું હતું. આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી હતી ત્યારે કાગઠાપીઠના PI એસ.એ.પટેલને સસ્પેન્ડ કરી દેવાયા હતા.ત્યાર બાદ નેહરુનગર વિસ્તારમાં એક વ્યક્તિ પર ફાયરિંગ કરીને મોતને ઘાટ ઉતારવાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં તપાસમાં નબળી કામગીરી હોવાનું જાણવા મળતા શહેર પોલીસ કમિશનરે તાત્કાલિક એલિસબ્રિજ પીઆઈ બી. ડી. ઝીલરિયાને પણ સસ્પેન્ડ કરી દીધા હતા. 27 નવેમ્બર, 2024: મારા મારી બદલે PI પાદરિયા સસ્પેન્ડ
જ્યારે રાજકોટ સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરધારા પર હુમલો કરવા બદલ 27 નવેમ્બરના રોજ PI પાદરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 7 ડિસેમ્બર,2024: 51 લાખના તોડ બદલ PI ગોહિલ સસ્પેન્ડ
જ્યારે હવે મોરબીના ટંકારાની હોટલમાં રેડ કરી નકલી કેસ ઉભો કરવા બદલ PI વાય.કે. ગોહિલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.